<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ગૃહયુદ્ધ ભડક્યું: બળવાખોરોએ ખારાન શહેર પર નવ કલાક સુધી કબ્જો જમાવી ૫૦ સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યાન દાવો: અનેક ગંભીર

અલગાવવાદી જૂથ ‘બલૂચ લિબરેશન ફ્રન્ટ’ (બીએલએફ) દ્વારા પાકિસ્તાની સેના પર અત્યાર સુધીનો સૌથી ઘાતક હુમલો: પોલીસ સ્ટેશન ફૂંકી મરાયું, જેલ તોડી કેદીઓને મુક્ત કરાવાયા અને સરકારી બેંકો નિશાન બની: પોલીસ સ્ટેશનને પણ પોતાના નિયંત્રણમાં લઈ લીધું: પોલીસ કર્મચારીઓને બંધક બનાવી લેવામાં આવ્યા: પોલીસ સ્ટેશનમાં રહેલા તમામ સરકારી હથિયારો લૂંટી લેવામાં આવ્યા: વિદ્રોહીઓએ જેલના તાળા તોડીને કેદીઓને છોડાવી લીધા

 

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના અશાંત ગણાતા પ્રાંત બલૂચિસ્તાનમાં ફરી એકવાર લોહિયાળ જંગ ખેલાયો છે. અહીં સક્રિય અલગાવવાદી જૂથ ‘બલૂચ લિબરેશન ફ્રન્ટ’ (બીએલએફ) દ્વારા પાકિસ્તાની સેના પર અત્યાર સુધીનો સૌથી મોટો અને ભીષણ હુમલો કર્યાનો દાવો કરવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, બલૂચિસ્તાનના ખારાન શહેરમાં બીએલએફના લડાકુઓએ એક આયોજનબદ્ધ અને સમન્વિત હુમલો કરીને પાકિસ્તાની સુરક્ષા દળોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ હુમલામાં ૫૦થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હોવાનો અને અનેક સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનો દાવો સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે.
ખારાન શહેરમાં નવ કલાક સુધી ભીષણ સંઘર્ષ
મીડિયા રિપોર્ટ્સ અને બીએલએફના પ્રવક્તા દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, આ ઘટના ૧૫ જાન્યુઆરીની બપોરે બની હતી. વિદ્રોહી લડાકુઓ ખારાન શહેરમાં ઘૂસી આવ્યા હતા અને જોતજોતામાં સમગ્ર શહેર પર પોતાનો કબ્જો જમાવી લીધો હતો. આ દરમિયાન પાકિસ્તાની સેના અને બલૂચ લડાકુઓ વચ્ચે સતત નવ કલાક સુધી ભારે ગોળીબાર અને સંઘર્ષ ચાલ્યો હતો.
 લડાકુઓએ શહેરના મુખ્ય પોલીસ સ્ટેશનને પણ પોતાના નિયંત્રણમાં લઈ લીધું હતું. ત્યાં ફરજ પર તૈનાત પોલીસ કર્મચારીઓને બંધક બનાવી લેવામાં આવ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં રહેલા તમામ સરકારી હથિયારો લૂંટી લેવામાં આવ્યા હતા. આક્રમક વલણ અપનાવતા વિદ્રોહીઓએ જેલના તાળા તોડીને ત્યાં બંધ કેદીઓને છોડાવી લીધા હતા અને ત્યારબાદ પોલીસના વાહનો તથા મહત્વના સરકારી રેકોર્ડને આગ ચાંપી દીધી હતી.
બેંકો અને સેનાના કાફલા પર હુમલો: ઉચ્ચ અધિકારીઓ ઘાયલ
શહેર પર કબ્જો જમાવ્યા બાદ લડાકુઓની એક અન્ય ટુકડીએ ખારાનના મુખ્ય બજાર વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો. અહીં તેમણે પાકિસ્તાન સરકારની આર્થિક ધોરીનસ સમાન ગણાતી બેંકોને નિશાન બનાવી હતી. જેમાં મીઝાન બેંક, અલ હબીબ બેંક અને નેશનલ બેંક સહિતની સરકારી ઈમારતો પર હુમલા કરવામાં આવ્યા હતા. આ અરાજકતા દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાની સેનાના એક કાફલા પર પણ ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઘટનાસ્થળે જ ૧૫ સૈનિકોના મોત નીપજ્યા હતા. આ અથડામણમાં પાકિસ્તાની સેનાના ઉચ્ચ અધિકારીઓ પણ ઝપેટમાં આવી ગયા હતા.
મળતી માહિતી મુજબ, પાકિસ્તાની સેનાના વિંગ કમાન્ડર કર્નલ વધાન અને મેજર આસિમ પણ ગંભીર રીતે ઘાયલ થયા છે
બલૂચ નાગરિકોના અપહરણ અને ગાયબ થવાની ઘટનાઓ વધી
એક તરફ બલૂચિસ્તાનમાં વિદ્રોહીઓ સેના પર હુમલા કરી રહ્યા છે, તો બીજી તરફ પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા સામાન્ય નાગરિકોને નિશાન બનાવવાની ઘટનાઓ પણ સામે આવી છે. બલૂચ નેશનલ મુવમેન્ટના જણાવ્યા અનુસાર, ૧૭ જાન્યુઆરીના રોજ પંજગુર જિલ્લામાંથી સુરક્ષા દળોએ ઈમરાન અને રિઝવાન નામના બે સગા ભાઈઓને તેમના ઘરેથી ઉઠાવી લીધા હતા. આ ઉપરાંત અન્ય એક ઘટનામાં ખારાનના રહેવાસી ઓવૈસ અહેમદ કંબરાણીને પણ ડેરી ફાર્મ પર દરોડા દરમિયાન બળજબરીથી ગાયબ કરી દેવામાં આવ્યા છે. 
સેનાની આ કાર્યવાહીને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બલૂચિસ્તાનમાં સ્થિતિ અત્યંત સ્ફોટક બની ગઈ છે અને બન્ને પક્ષે થઈ રહેલા હુમલાઓને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે.

(11:50 PM IST)