ગુજરાતના ધોલેરામાં યુએઈનું જંગી રોકાણ અને ૨૦૩૨ સુધીમાં દ્વિપક્ષીય વ્યાપાર ૨૦૦ અબજ ડોલર સુધી લઈ જવાનો લક્ષ્યાંક
ભારત અને યુએઈ વચ્ચેની આર્થિક ભાગીદારીમાં પણ મોટી જાહેરાતો

ગુજરાતના ધોલેરામાં યુએઈનું જંગી રોકાણ અને ૨૦૩૨ સુધીમાં દ્વિપક્ષીય વ્યાપાર ૨૦૦ અબજ ડોલર સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે.
ભારત અને યુએઈ વચ્ચેની આર્થિક ભાગીદારીમાં પણ મોટી જાહેરાતો કરવામાં આવી છે. બંને દેશોએ વર્ષ ૨૦૩૨ સુધીમાં દ્વિપક્ષીય વ્યાપારને ૧૦૦ અબજ ડોલરથી વધારીને ૨૦૦ અબજ ડોલર સુધી લઈ જવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો છે.
આ આર્થિક સહયોગનો સીધો લાભ ગુજરાતને પણ મળવા જઈ રહ્યો છે. વિદેશ સચિવના જણાવ્યા અનુસાર, ગુજરાતના ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજનમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે યુએઈ પાસેથી રોકાણ આકર્ષવા માટે ગંભીર પ્રયાસો થઈ રહ્યા છે.
આ યોજના હેઠળ ધોલેરામાં સંપૂર્ણ સુવિધા સજ્જ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, પાયલોટ ટ્રેનિંગ સ્કૂલ, એમઆરઓ (મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ) સુવિધા, બંદરો, સ્માર્ટ અર્બન ટાઉનશીપ, રેલવે અને એનર્જી પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ માટે ગુજરાત સરકાર અને યુએઈ વચ્ચે સીધો સહયોગ સાધવામાં આવશે.
ઉર્જા ક્ષેત્રે પણ એક મહત્વપૂર્ણ કરાર કરવામાં આવ્યો છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ) અને અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની (એડનોક) વચ્ચે એલએનજી (લિક્વિફાઇડ નેચરલ ગેસ) ખરીદવા માટે લાંબા ગાળાનો કરાર થયો છે. આ કરાર મુજબ, વર્ષ ૨૦૨૮થી શરૂ કરીને ૧૦ વર્ષ સુધી એડનોક ભારતને વાર્ષિક ૦.૫ મિલિયન મેટ્રિક ટન એલએનજી પૂરો પાડશે.
આ ઉપરાંત, ગિફ્ટ સિટી (ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી)માં પણ આંતરરાષ્ટ્રીય કંપનીઓનો રસ વધી રહ્યો છે. ડીપી વર્લ્ડ અને ફર્સ્ટ અબુ ધાબી બેંક જેવી દિગ્ગજ સંસ્થાઓ ગિફ્ટ સિટીમાં પોતાની ઓફિસો સ્થાપવા જઈ રહી છે, જે ભારતની નાણાકીય સેવાઓ માટે મોટી સિદ્ધિ સમાન છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
