<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

સોના-ચાંદીમાં તેજીનું મહાતાંડવ

સતત બીજા દિવસે ચાંદીમાં ૨૦,૦૦૦- સોનામાં ૪પ૦૦ રૂા.વધ્‍યા : ચાંદી ૧ કિલોના ભાવ વધીને ૩,૨૩,૦૦૦ અને સોનાના ભાવ ૧.પ૦ લાખ પાર કરી ૧,પ૩,૦૦૦ની ઐતિહાસિક સપાટીએ : બે દિવસમાં ચાંદીમાં ૩પ,૦૦૦ અને સોનામાં ૭૦૦૦ રૂા. વધી જતા રોકાણકારોને બખ્‍ખા : લગ્નસરાની સીઝન ટાણે જ સોના-ચાંદીના ભાવો ભળકે બળતા ખરીદનાર વર્ગ ચિંતાતુર

રાજકોટ, તા., ર૦:  બુલીયન માર્કેટમાં સતત બીજા દિવસે તેજીનો તરખાટ યથાવત રહયો છે. આજે ચાંદીમાં વધુ ૨૦,૦૦૦ અને સોનામાં વધુ ૪પ૦૦ રૂા.નો ઉછાળો થતા બંને કિંમતી ધાતુઓના ભાવોએ નવી ઐતિહાસિક સપાટી સર કરી છે.

બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં આજે સવારે વધુ ૧૩૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો અને બપોરે વધુ ૭૦૦૦ રૂા.નો ઉછાળો થતા કુલ ર૦,૦૦૦ રૂા.નો તોતીંગ ભાવધારો થયો છે. ગઇકાલે ચાંદી ૧ કિલોના ભાવ ૩,૦૩,૦૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ર.૩૦ વાગ્‍યે ૩,૨૩,૦૦૦ રૂા.ની નવી ટોચની સપાટી બનાવી છે. ગત સપ્તાહમાં ૪૦,૦૦૦ રૂા. વધ્‍યા બાદ છેલ્લા બે દિવસમાં ચાંદીમાં ૩૫,૦૦૦ રૂા.નો ઉછાળો થયો છે. ગઇકાલે ૧પ ,૦૦૦ રૂા. વધ્‍યા બાદ આજે વધુ ર૦,૦૦૦ રૂા.નો ભાવવધારો થયો છે.

ચાંદીની સાથે સોનામાં પણ તેજી યથાવત રહી છે. બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં આજે સવારે વધુ રપ૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. બાદમાં બપોરે વધુ ર૦૦૦ રૂા.નો ઉછાળો થતા કુલ ૪પ૦૦ રૂા.નો જબ્‍બર ઉછાળો થયો છે. ગઇકાલે સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,૪૮,પ૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ર.૩૦ વાગ્‍યે ૧,પ૩,૦૦૦ રૂા.ની નવી ઐતિહાસિક સપાટી બનાવી છે. સોનાના બિસ્‍કીટમાં ૪પ,૦૦૦ રૂા. વધ્‍યા છે. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧૪,૮૫,૦૦૦ રૂા. હતા તે વધીને ૧પ,૩૦,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્‍યા છે. સોના-ચાંદીમાં બે દિ'માં જબ્‍બર ઉછાળો થતા ઝવેરીઓ સ્‍તબ્‍ધ થઇ ગયા છે. રોકાણકારોને બખ્‍ખા થઇ ગયા છે. જો કે લગ્નસરાની સિઝન ટાણે જ સોના-ચાંદીના ભાવો ભળકે બળતા ખરીદનાર વર્ગ ચિંતાતુર થઇ ગયો છે.

અમેરીકા અને ઇરાક વચ્‍ચે યુધ્‍ધના ભણકારા તથા ટેરીફ વોરના પગલે સોના-ચાંદીના ભાવો સતત સળગી રહયાનું અને આગામી દિવસોમાં હજુ પણ નવી ભાવ સપાટી જોવા મળે તો નવાઇ નહી તેમ ઝવેરીબજારના સુત્રોએ જણાવ્‍યું હતું. (૪.૯)

(2:55 PM IST)