<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

ક્રિપ્ટો માર્કેટમાં ભડકો: અમેરિકા અને યુરોપ વચ્ચેના 'ટ્રેડ વોર'ની આગમાં બિટકોઈન હોમાયો, કિંમત ગગડીને $91,000 પર પહોંચી

ટ્રમ્પના ટેરિફ બોમ્બથી ડિજિટલ કરન્સીમાં મોટું ગાબડું; રોકાણકારોએ જોખમ ટાળવા ક્રિપ્ટો વેચીને સોનામાં કર્યું રોકાણ, એક જ દિવસમાં કરોડોનું લિક્વિડેશન

મુંબઈ : વૈશ્વિક બજારોમાં અત્યારે ભારે ઉથલપાથલનો માહોલ છે. અમેરિકા અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે વધતા વેપાર તણાવની સીધી અસર હવે ક્રિપ્ટોકરન્સી માર્કેટ પર જોવા મળી રહી છે. મંગળવારે બિટકોઈન (Bitcoin) ની કિંમતમાં મોટો ઘટાડો નોંધાયો છે અને તે $91,000 ના સ્તર સુધી સરકી ગયો છે. રોકાણકારો અત્યારે 'રિસ્ક-ઓફ' મોડમાં હોવાથી જોખમી મિલકતોમાંથી નાણાં ખેંચી રહ્યા છે.
માર્કેટમાં રેડ સિગ્નલ: ટોચના કોઈન્સ તૂટ્યા
છેલ્લા 24 કલાકમાં બિટકોઈન 1.49% અને ઈથેરિયમ 1.76% ઘટ્યા છે. આ સિવાય અન્ય ઓલ્ટકોઈન્સમાં પણ નુકસાન જોવા મળ્યું છે:
•    સોલાના, XRP અને BNB: આ કોઈન્સમાં 2% થી વધુનો ઘટાડો થયો છે.
•    ગ્લોબલ માર્કેટ કેપ: ક્રિપ્ટો માર્કેટનું કુલ કદ 0.9% ઘટીને $3.11 ટ્રિલિયન થઈ ગયું છે.
•    અપવાદ: ડોગેકોઈન અને કાર્ડાનોમાં સામાન્ય સુધારો જોવા મળ્યો છે.
કેમ ઘટી રહ્યા છે ભાવ?
નિષ્ણાતોના મતે, અમેરિકા દ્વારા યુરોપિયન દેશો પર નવા ટેરિફ લાદવાની ધમકીએ રોકાણકારોમાં ડર પેદા કર્યો છે. જ્યારે અનિશ્ચિતતા વધે છે, ત્યારે રોકાણકારો બિટકોઈન જેવી અસ્થિર સંપત્તિ વેચીને સોના અને ચાંદી જેવા સુરક્ષિત આશ્રયસ્થાનો તરફ વળે છે. આ જ કારણ છે કે એકબાજુ બિટકોઈન ઘટી રહ્યો છે, તો બીજી તરફ સોનું $4,700 ની ઐતિહાસિક સપાટી તરફ આગળ વધી રહ્યું છે.
$875 મિલિયનનું ધોવાણ
ડેલ્ટા એક્સચેન્જના વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, આ ઘટાડાને કારણે બજારમાં મોટું લિક્વિડેશન થયું છે. જે વેપારીઓએ ઉધાર નાણાં (Leverage) લઈને બજાર વધવાની આશાએ દાવ લગાવ્યો હતો, તેમના આશરે $875 મિલિયન એક જ ઝાટકે સાફ થઈ ગયા છે. જોકે, કેટલાક વિશ્લેષકો માને છે કે આનાથી બજારનું માળખું શુદ્ધ થશે અને વધારાનું લિવરેજ દૂર થશે.
હવે આગળ શું?
હાલમાં બિટકોઈન છેલ્લા 59 દિવસથી $80,000 થી $98,000 ની રેન્જમાં જ રમી રહ્યો છે. હવે સૌની નજર વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સંબોધન પર છે. જો તેઓ ટેરિફ અથવા ક્રિપ્ટો નીતિ પર કોઈ સકારાત્મક વાત કરશે, તો ફરીથી તેજી જોવા મળી શકે છે. ત્યાં સુધી બજારમાં અસ્થિરતા જળવાઈ રહેવાની શક્યતા છે.

(5:36 PM IST)