હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પંજાબની માન સરકારને સુપ્રીમ કોર્ટનો જોરદાર ફટકો: 'પંજાબ કેસરી'નું પ્રિન્ટિંગ પ્રેસ કોઈ પણ સંજોગોમાં રોકી શકાશે નહીં
"ટીકાત્મક લેખો લખવા બદલ અખબાર બંધ ન કરી શકાય" – સુપ્રીમ કોર્ટે પ્રેસની સ્વતંત્રતા પર લગાવેલી મહોર; વીજળી કાપ અને પ્રદૂષણની નોટિસ જેવી જબરદસ્તી કાર્યવાહી પર વચગાળાની રોક

નવી દિલ્હી : દેશની સર્વોચ્ચ અદાલતે આજે લોકશાહીના ચોથા સ્તંભ સમાન પ્રેસની સ્વતંત્રતાના રક્ષણ માટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પંજાબની આમ આદમી પાર્ટી (AAP) સરકારને મોટો ફટકો આપતા સ્પષ્ટ કર્યું છે કે 'પંજાબ કેસરી' અખબારના પ્રિન્ટિંગ પ્રેસ વિરુદ્ધ કોઈ પણ જબરદસ્તી કાર્યવાહી કરી શકાશે નહીં. કોર્ટે અખબારને વચગાળાની રાહત આપતા પ્રેસનું કામકાજ અવરોધ વિના ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે.
શું હતો સમગ્ર વિવાદ?
'પંજાબ કેસરી' જૂથ વતી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કોર્ટમાં દલીલ કરી હતી કે અખબારે સરકારની નીતિઓ વિરુદ્ધ કેટલાક ટીકાત્મક લેખો પ્રકાશિત કર્યા હતા. આ લેખોથી નારાજ થઈને ભગવંત માન સરકારે માત્ર બે દિવસમાં વેરની રાજનીતિ શરૂ કરી દીધી હતી. જેમાં અખબારની વીજળી કાપી નાખવી, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ખોટી નોટિસો આપવી, અખબારના માલિકોની હોટલો બંધ કરાવી અને FIR દાખલ કરવા જેવા પગલાં લેવામાં આવ્યા હતા.
"અખબાર બંધ કરી શકાતું નથી" – સુપ્રીમ કોર્ટ
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેંચે આ મામલે કડક વલણ અપનાવ્યું હતું. જ્યારે પંજાબ સરકારના વકીલે દલીલ કરી કે આ કાર્યવાહી કાયદા મુજબ છે, ત્યારે સીજીઆઈએ ટકોર કરી હતી કે, "ગમે તે હોય, પણ સરકારની ટીકા કરવા બદલ અખબારને બંધ કરી શકાય નહીં." અદાલતે નિર્દેશ આપ્યો છે કે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટનો આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી પ્રિન્ટિંગ પ્રેસ અવિરત ચાલતું રહેશે.
ન્યાયિક સુરક્ષા અને લોકશાહીનું રક્ષણ
સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે હાઈકોર્ટનો ચુકાદો આવ્યા બાદ પણ એક અઠવાડિયા સુધી આ વચગાળાનો આદેશ અમલમાં રહેશે, જેથી અસરગ્રસ્ત પક્ષને અપીલ કરવાનો સમય મળી રહે. અખબારના માલિકોની અન્ય વ્યાપારી મિલકતો જેમ કે હોટલો પર પણ હાલ પૂરતી 'સ્ટેટસ ક્વો' (યથાવત સ્થિતિ) જાળવી રાખવાનો આદેશ અપાયો છે.
પ્રેસ ક્લબ અને એડિટર્સ ગિલ્ડે કરી નિંદા
આ અગાઉ એડિટર્સ ક્લબ ઓફ ઈન્ડિયા અને પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયાએ પણ પંજાબ સરકારની આ કાર્યવાહીની સખત નિંદા કરી હતી. હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈનીએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તેમની સરકાર સ્વતંત્ર પ્રેસની સાથે મક્કમતાથી ઉભી છે. આ ચુકાદાથી પંજાબ કેસરી જૂથને મોટી રાહત મળી છે અને પ્રેસની આઝાદીના હિમાયતીઓએ તેને ન્યાયનો વિજય ગણાવ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
