<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

કાનપુરના ઐતિહાસિક મકનપુર મેળામાં રૂ. 11 લાખના 'શાહી' ઘોડાનો દબદબો: ઠાઠ એવો કે ખોરાક પાછળનો ખર્ચ જાણીને મોઢામાં આંગળા નાખી જશો!

607મા ઐતિહાસિક મેળામાં ઉમટી પશુપ્રેમીઓની ભારે ભીડ; વસંત પંચમીના પર્વે લાખોની કિંમતના અશ્વો બન્યા આકર્ષણનું કેન્દ્ર, ઊંટ અને ગાયોની સંખ્યામાં દેખાયો ઘટાડો

કાનપુર : ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં યોજાતો 600 વર્ષથી વધુ જૂનો અને ઐતિહાસિક મકનપુર પશુ મેળો અત્યારે તેના પૂરા જોબન પર છે. આ વર્ષે 607મી વખત યોજાઈ રહેલા આ મેળામાં દેશભરમાંથી ઉચ્ચ જાતિના અશ્વો અને પશુઓ ઉમટ્યા છે, પરંતુ આ બધામાં સૌથી વધુ ચર્ચા ₹11 લાખની કિંમતના એક 'શાહી' ઘોડાની થઈ રહી છે. આ ઘોડાનો ઠાઠ અને તેની કિંમત સાંભળીને મેળામાં આવતા લોકો ચકિત થઈ રહ્યા છે.
દૈનિક ખોરાકનો ખર્ચ અને માવજત
હરદોઈના જાણીતા વેપારી રાજેશ કુમાર આ મેળામાં પાંચ કિંમતી ઘોડાઓ લાવ્યા છે, જેમાં સૌથી મોંઘા ઘોડાની કિંમત ₹11 લાખ રાખવામાં આવી છે. રાજેશ કુમારે જણાવ્યું કે આ ઘોડાને તૈયાર કરવા પાછળ અત્યાર સુધીમાં અંદાજે ₹7 લાખનો ખર્ચ થઈ ચૂક્યો છે. આ ઘોડો કોઈ સામાન્ય પ્રાણીની જેમ નથી ઉછર્યો; તેનો રોજિંદો ખોરાક અને માવજત પાછળ જ ₹500 થી ₹600 નો ખર્ચ થાય છે. તેને જોવા માટે રવિવારે આખું મેદાન ભરાઈ ગયું હતું અને વેપારીઓને આ વખતે રેકોર્ડબ્રેક કિંમત મળવાની આશા છે.
600 વર્ષ જૂની પરંપરા અને બદલાતું ચિત્ર
મદાર સાહેબની દરગાહ પર ભરાતો આ મેળો વર્ષમાં બે વાર આયોજિત થાય છે - એકવાર ઉર્સ દરમિયાન અને બીજી વાર વસંત પંચમી પર. જોકે, સમયની સાથે મેળાના સ્વરૂપમાં બદલાવ આવ્યો છે. ગામના અગ્રણીઓના જણાવ્યા મુજબ, અગાઉ મેળાના એક મહિના પહેલા હજારોની સંખ્યામાં ઊંટ આવતા હતા, પરંતુ હવે ઘટતી માંગને કારણે ઊંટોની સંખ્યા નહિવત્ થઈ ગઈ છે. ગાય અને ભેંસ જેવા પશુઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે, તેની સામે હવે ઉચ્ચ જાતિના ઘોડાઓનું વર્ચસ્વ વધ્યું છે.
વસંત પંચમીએ જામશે અસલી રંગ
આ મેળો લગભગ એક મહિના સુધી ચાલવાનો છે, પરંતુ વસંત પંચમીના દિવસે અહીં લાખોની મેદની ઉમટશે તેવી શક્યતા છે. આ દિવસે આસપાસના જિલ્લાઓ અને અન્ય રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવે છે. આ દિવસે મોટી સંખ્યામાં લોકો બાળકોના મુંડન કરાવવાની પરંપરા પણ નિભાવે છે. પશુ બજારની સાથે-સાથે અહીં ઘોડાની કાઠી, લગામ અને શણગારની ચીજવસ્તુઓની દુકાનોમાં પણ ભારે ઘરાકી જોવા મળી રહી છે.
ગંગા-જમુની સંસ્કૃતિના પ્રતીક સમાન આ મેળામાં આ વખતે ₹11 લાખનો અશ્વ આખા કાનપુરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

(5:38 PM IST)