હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ડોનાલ્ડ ટ્રમ્પની ‘નો પ્રાઈઝ, નો પીસ’ની ધમકી પર નોર્વેના PMનો જડબાતોડ જવાબ: “નોબેલ પ્રાઈઝ સરકાર નથી આપતી, સમિતિ સ્વતંત્ર છે”
ગ્રીનલેન્ડના વિવાદમાં ટ્રમ્પે નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવા બદલ કાઢી ભડાસ; નોર્વેના વડાપ્રધાને સ્પષ્ટ કર્યું કે એવોર્ડમાં અમારો કોઈ રોલ નથી, અમે ડેનમાર્કની સાથે છીએ

ઓસ્લો/વોશિંગ્ટન : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને નોર્ડિક દેશો વચ્ચે ગ્રીનલેન્ડ અને ટેરિફના મુદ્દે જંગ તેજ બન્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે નોર્વેના વડાપ્રધાન જોનાસ ગેહર સ્ટોરને મોકલેલા એક વિવાદાસ્પદ મેસેજમાં જણાવ્યું હતું કે તેમને 'નોબેલ શાંતિ પુરસ્કાર' ન મળ્યો હોવાથી હવે તેઓ શાંતિ જાળવવા માટે બંધાયેલા નથી. આ ગંભીર નિવેદન પર પલટવાર કરતા નોર્વેના વડાપ્રધાને ટ્રમ્પને યાદ અપાવ્યું છે કે નોબેલ પ્રાઈઝની પ્રક્રિયા રાજકારણથી મુક્ત છે.
ટ્રમ્પનો મેસેજ: “મેં 8 યુદ્ધો અટકાવ્યા છતાં એવોર્ડ ન આપ્યો”
ગ્રીનલેન્ડને ખરીદવાની ટ્રમ્પની જીદ વચ્ચે નોર્વે અને ફિનલેન્ડના નેતાઓએ જ્યારે તેમને ટેરિફ ન વધારવા વિનંતી કરી, ત્યારે ટ્રમ્પે વળતો પ્રહાર કરતા લખ્યું, "તમારા દેશે મને 8 થી વધુ યુદ્ધો અટકાવવા બદલ નોબેલ શાંતિ પુરસ્કાર ન આપવાનું નક્કી કર્યું છે, તેથી હવે મને માત્ર શાંતિ વિશે વિચારવાની કોઈ જવાબદારી લાગતી નથી." ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે હવે તેઓ માત્ર અમેરિકાના હિત માટે જે યોગ્ય હશે તે જ કરશે અને ગ્રીનલેન્ડ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવશે કારણ કે ડેનમાર્ક તેને રશિયા કે ચીનથી બચાવી શકે તેમ નથી.
નોર્વેના PMની સ્પષ્ટતા
આ ધમકીભર્યા મેસેજ બાદ નોર્વેના વડાપ્રધાન જોનાસ ગેહર સ્ટોરે નિવેદન જારી કર્યું છે કે, "મેં પ્રમુખ ટ્રમ્પને સ્પષ્ટપણે સમજાવ્યું છે કે જે આખી દુનિયા જાણે છે - નોબેલ શાંતિ પુરસ્કાર એક સ્વતંત્ર સમિતિ દ્વારા આપવામાં આવે છે, નોર્વેની સરકાર દ્વારા નહીં." તેમણે સ્પષ્ટ કર્યું કે પુરસ્કારની પસંદગીમાં સરકારની કોઈ ભૂમિકા હોતી નથી અને આ નિર્ણય સંપૂર્ણપણે સ્વાયત્ત હોય છે.
ગ્રીનલેન્ડ મુદ્દે નોર્વે ડેનમાર્કની પડખે
ટ્રમ્પે એવી પણ ધમકી આપી હતી કે જો ગ્રીનલેન્ડના વેચાણ અંગે કોઈ સમજૂતી નહીં થાય, તો તેઓ નોર્વે, ડેનમાર્ક, ફિનલેન્ડ અને સ્વીડન સહિતના યુરોપિયન દેશો પર ટેરિફ વધારીને 25% કરી દેશે. આ મુદ્દે નોર્વેના PM એ કહ્યું કે, "ગ્રીનલેન્ડ એ ડેનમાર્કનો ભાગ છે અને નોર્વે આ બાબતમાં ડેનમાર્કને સંપૂર્ણ સમર્થન આપે છે." તેમણે આર્કટિક ક્ષેત્રમાં સ્થિરતા જાળવવા માટે સામૂહિક સંરક્ષણની વાત કરી હતી.
વૈશ્વિક રાજકારણમાં ટ્રમ્પના 'નો પ્રાઈઝ, નો પીસ' ના વલણે ભારે હોબાળો મચાવ્યો છે અને યુરોપિયન દેશોમાં સુરક્ષાને લઈને ચિંતામાં વધારો થયો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
