<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

સુપ્રીમ કોર્ટનો મેનકા ગાંધી પર ચાબખો: "કસાબે પણ કોર્ટનો અનાદર નહોતો કર્યો, જેવો તમે કર્યો છે", રખડતા કૂતરાના કેસમાં ઉગ્ર ટિપ્પણી

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીના પોડકાસ્ટ અને બોડી લેંગ્વેજથી જસ્ટિસ નારાજ; કોર્ટે કહ્યું- "અમારી ઉદારતા છે કે અમે તમારી સામે અવમાનનાનો કેસ નથી ચલાવી રહ્યા", રખડતા કૂતરા કરડવાની ઘટનામાં વળતર મુદ્દે સુનાવણી

નવી દિલ્હી : રખડતા કૂતરાઓની ગંભીર સમસ્યા અંગે ચાલી રહેલી સુનાવણી દરમિયાન આજે સુપ્રીમ કોર્ટમાં ભારે ગરમાગરમી જોવા મળી હતી. સર્વોચ્ચ અદાલતે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને પ્રાણી પ્રેમી મેનકા ગાંધીની આકરી ઝાટકણી કાઢી હતી. જસ્ટિસ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાની બેન્ચે મેનકા ગાંધી દ્વારા કોર્ટના આદેશોની જાહેરમાં ટીકા કરવા બદલ સખત નારાજગી વ્યક્ત કરતા તેને 'કોર્ટનો તિરસ્કાર' ગણાવ્યો હતો.
"વિચાર્યા વગર ટિપ્પણીઓ કરી" – બેન્ચનો પ્રહાર
કોર્ટે મેનકા ગાંધીના વકીલ રાજુ રામચંદ્રનને સવાલ કર્યો હતો કે, "શું તમે તમારા ક્લાયન્ટનો પોડકાસ્ટ સાંભળ્યો છે? તેમણે વિચાર્યા વગર દરેક વ્યક્તિ વિરુદ્ધ ગમે તેવી ટિપ્પણીઓ કરી છે. શું તમે તેમની બોડી લેંગ્વેજ જોઈ છે?" બેન્ચે સ્પષ્ટ કર્યું કે તેઓ માત્ર ઉદારતા દાખવી રહ્યા છે એટલે અવમાનનાની કાર્યવાહી નથી કરતા, બાકી મેનકા ગાંધીએ મર્યાદા ઓળંગી છે.
કસાબ સાથે સરખામણી: કોર્ટની આકરી ટકોર
જ્યારે મેનકા ગાંધીના વકીલે બચાવમાં દલીલ કરી કે તેઓ આતંકવાદી અજમલ કસાબ વતી પણ કોર્ટમાં હાજર રહ્યા છે, ત્યારે જસ્ટિસ નાથે વળતો પ્રહાર કરતા કહ્યું, "અજમલ કસાબે પણ ક્યારેય કોર્ટનો આ રીતે અનાદર નહોતો કર્યો, જેવો તમારા ક્લાયન્ટે કર્યો છે." આ ટિપ્પણીએ કોર્ટરૂમમાં સન્નાટો ફેલાવી દીધો હતો. જસ્ટિસ મહેતાએ એવો પણ સવાલ કર્યો કે ભૂતપૂર્વ મંત્રી તરીકે મેનકા ગાંધીએ રખડતા કૂતરાની સમસ્યા ઉકેલવા કયા બજેટની ફાળવણીમાં મદદ કરી છે?
કૂતરા કરડશે તો 'ખવડાવનારા' જવાબદાર?
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે 13 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે મૌખિક ટિપ્પણી કરી હતી કે જે લોકો રખડતા કૂતરાઓને ખોરાક આપે છે, તેમને જ કરડવાની ઘટનાઓ માટે જવાબદાર ઠેરવવા જોઈએ અને રાજ્યોએ પીડિતોને 'ભારે વળતર' ચૂકવવું જોઈએ. મેનકા ગાંધીએ આ સંભવિત આદેશની સોશિયલ મીડિયા પર ટીકા કરી હતી. કોર્ટે આજે સ્પષ્ટ કર્યું કે તેમની આ ટિપ્પણી કોઈ કટાક્ષ નહોતી પરંતુ ગંભીર નોંધ હતી.
કોર્ટે રખડતા પ્રાણીઓ અંગેના ધોરણોના પાંચ વર્ષથી અમલીકરણ ન થવા બદલ પણ ચિંતા વ્યક્ત કરી છે. હાલ આ કેસમાં સુનાવણી ચાલુ છે, પરંતુ સુપ્રીમ કોર્ટની આ કડક ટકોરથી પ્રાણી અધિકાર કાર્યકર્તાઓમાં ખળભળાટ મચી ગયો છે.

(8:00 PM IST)