<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

લંડનમાં ચીનનું ‘સુપર દૂતાવાસ’: જાસૂસીના જોખમો છતાં બ્રિટિશ સરકારે આપી મંજૂરી, યુરોપનું સૌથી મોટું ડિપ્લોમેટિક સેન્ટર બનશે

વડાપ્રધાન કીર સ્ટાર્મરની બેઇજિંગ મુલાકાત પહેલાં વર્ષોથી અટકેલા પ્રોજેક્ટને લીલી ઝંડી; વિપક્ષે સરકારને ‘કરોડરજ્જુ વગરની’ ગણાવી, સ્થાનિકોમાં કાનૂની પડકારની તૈયારી

લંડન : બ્રિટનની સરકારે એક અત્યંત વિવાદાસ્પદ નિર્ણય લેતા લંડનમાં ચીનને તેનું નવું અને યુરોપનું સૌથી મોટું દૂતાવાસ બનાવવાની મંજૂરી આપી દીધી છે. લંડનના ઐતિહાસિક 'ટાવર ઓફ લંડન' નજીક આવેલી બે સદી જૂની રોયલ મિન્ટ કોર્ટની જગ્યા પર હવે ચીનનું વિશાળ રાજદ્વારી મિશન આકાર લેશે. આ પ્રોજેક્ટ છેલ્લા ત્રણ વર્ષથી સુરક્ષા ચિંતાઓ અને સ્થાનિકોના વિરોધને કારણે અટવાયેલો હતો.
સંબંધો સુધારવા સુરક્ષા સાથે સમાધાન?
આ નિર્ણય વડાપ્રધાન કીર સ્ટાર્મરની ચીનની સંભવિત મુલાકાત પહેલાં લેવામાં આવ્યો છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ચીની સત્તાવાળાઓએ દૂતાવાસની મંજૂરીને સ્ટાર્મરની મુલાકાત માટેની શરત બનાવી હતી. બ્રિટનના સુરક્ષા નિષ્ણાતો અને વિપક્ષી નેતાઓએ ચેતવણી આપી છે કે આ મેગા દૂતાવાસનો ઉપયોગ ચીન જાસૂસીના અડ્ડા તરીકે કરી શકે છે, કારણ કે આ સ્થળ લંડનના ફાઈનાન્સિયલ ડિસ્ટ્રિક્ટની અત્યંત નજીક છે અને ત્યાંથી પસાર થતી ફાઈબર-ઓપ્ટિક કેબલ્સ પર નજર રાખવી ચીન માટે સરળ બની શકે છે.
વિશ્વના સૌથી મોટા દૂતાવાસોમાં સ્થાન
ચીને આ ઐતિહાસિક સ્થળ વર્ષ 2018માં આશરે 255 મિલિયન પાઉન્ડમાં ખરીદ્યું હતું. આ નવું દૂતાવાસ આશરે 55,000 ચોરસ મીટરમાં ફેલાયેલું હશે, જે ચીનના વર્તમાન લંડન દૂતાવાસ કરતાં 10 ગણું અને અમેરિકામાં આવેલા તેના દૂતાવાસ કરતાં પણ નોંધપાત્ર રીતે મોટું હશે.
MI5 અને GCHQ નું વલણ
એક અસામાન્ય ઘટનામાં, બ્રિટનની આંતરિક જાસૂસી એજન્સી MI5 અને સાયબર સુરક્ષા એજન્સી GCHQ ના વડાઓએ સંયુક્ત પત્ર જારી કરીને જણાવ્યું છે કે, રાષ્ટ્રીય સુરક્ષાના જોખમોને ઘટાડવા માટે એક ખાસ પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે. જોકે, તેમણે સ્વીકાર્યું હતું કે કોઈપણ વિદેશી દૂતાવાસના કિસ્સામાં જોખમને સંપૂર્ણપણે શૂન્ય કરવું અશક્ય છે.
રાજકીય હોબાળો અને કાનૂની લડાઈ
વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીએ આ નિર્ણયને "શરમજનક કૃત્ય" ગણાવ્યું છે. બીજી તરફ, રોયલ મિન્ટ કોર્ટના રહેવાસીઓ અને હોંગકોંગના લોકશાહી તરફી કાર્યકરોએ આ મંજૂરી સામે કાનૂની લડાઈ લડવાની જાહેરાત કરી છે. તેમનો આક્ષેપ છે કે સરકારે જાહેર પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં જ ખાનગીમાં ચીનને ખાતરી આપી દીધી હતી, જે ગેરકાયદેસર છે.
બ્રિટન અને ચીન વચ્ચેના સંબંધોમાં છેલ્લા દાયકામાં ઘણા ચડાવ-ઉતાર આવ્યા છે. હવે કીર સ્ટાર્મર સરકાર આર્થિક હિતોને પ્રાધાન્ય આપી રહી હોય તેમ જણાય છે, પરંતુ તેની કિંમત રાષ્ટ્રીય સુરક્ષાના ભોગે ચૂકવવી પડશે કે કેમ તે જોવું રહ્યું.

(8:03 PM IST)