<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

ચિલીમાં કુદરતનો પ્રકોપ: ભીષણ ગરમી વચ્ચે જંગલોમાં લાગેલી આગમાં 19ના કરૂણ મોત, હજારો હેક્ટર જમીન બળીને ખાખ

37 ડિગ્રી તાપમાન અને તોફાની પવનને કારણે આગ ‘બેકાબૂ રાક્ષસ’ બની; સેંકડો મકાનો જમીનદોસ્ત થતા હજારો લોકોનું સ્થળાંતર, રાષ્ટ્રપતિએ આપત્તિની સ્થિતિ જાહેર કરી

પેન્કો (ચિલી) : દક્ષિણ અમેરિકાના દેશ ચિલીમાં અત્યારે કુદરતી હોનારતે હાહાકાર મચાવ્યો છે. મધ્ય અને દક્ષિણ ચિલીના જંગલોમાં ફાટી નીકળેલી ભીષણ આગમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. તીવ્ર હીટવેવ અને ભારે પવનને કારણે આ આગ રહેણાંક વિસ્તારો તરફ ઝડપથી ફેલાઈ રહી છે, જેના કારણે સરકારે મોટા પાયે લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી છે.
વીજળીની ઝડપે ફેલાઈ આગ
ચિલીના દરિયાકાંઠાના શહેર પેન્કોમાં સૌથી વધુ જાનહાનિ થઈ છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, આગ એટલી ઝડપથી આવી કે તેમને જીવ બચાવીને ભાગવાનો માંડ સમય મળ્યો. 51 વર્ષીય અના કામાનો જેવી અનેક વ્યક્તિઓએ તેમના પૂર્વજોના ઘરને રાખમાં ફેરવાતા જોયા છે. ચિલીની વનસંવર્ધન એજન્સી (CONAF) અનુસાર, અગ્નિશામકો અત્યારે 34 સક્રિય આગ સામે લડી રહ્યા છે. અત્યાર સુધીમાં આશરે 35,000 હેક્ટર જમીન બળીને ખાખ થઈ ગઈ છે, જે ફિલાડેલ્ફિયા જેવા મોટા શહેર જેટલો વિસ્તાર છે.
તાપમાનનો પારો 37 ડિગ્રીએ પહોંચ્યો
નિષ્ણાતોના મતે, સતત વધી રહેલું તાપમાન આ હોનારતનું મુખ્ય કારણ છે. સામાન્ય રીતે આ વિસ્તારોમાં તાપમાન આટલું ઊંચું નથી રહેતું, પરંતુ છેલ્લા ચાર-પાંચ દિવસથી પારો સતત 30 થી 37 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યો છે. સુકા ઘાસ અને લાકડાં આ તાપમાનમાં ઈંધણનું કામ કરી રહ્યા છે, જેને કારણે આગ બુઝાવવી મુશ્કેલ બની રહી છે. રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકે ન્યુબલ (Nuble) અને બાયો બાયો (Bio Bio) પ્રદેશોમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે.
સેંકડો પરિવારો બેઘર
સરકારી આંકડા મુજબ, આ આગમાં અત્યાર સુધીમાં 325 ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે, જ્યારે અન્ય 1,100 મકાનોને નુકસાન પહોંચ્યું હોવાની શક્યતા છે. અગ્નિશામકો દિવસ-રાત જોખમ ખેડીને આગ ઓલવવાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ બદલાતા પવનોને કારણે આગ ફરીથી ભભૂકી ઉઠે છે. સંશોધક મિગુએલ કાસ્ટિલોએ આ પરિસ્થિતિને ‘બેકાબૂ રાક્ષસ’ ગણાવી છે.
ચિલીની સાથે પડોશી દેશ આર્જેન્ટિનામાં પણ આવી જ સ્થિતિ જોવા મળી છે, જ્યાં પેટાગોનિયાના જંગલોમાં લાગેલી આગમાં 15,000 હેક્ટર જમીન બળી ગઈ છે. દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળાની આ આકરી ગરમી માનવજાત અને પર્યાવરણ માટે મોટો પડકાર બનીને ઉભરી છે.

(8:03 PM IST)