હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ડોનાલ્ડ ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં હલચલ: ગ્રીનલેન્ડમાં અમેરિકી ધ્વજ ફરકાવ્યો, કેનેડા અને વેનેઝુએલાને પણ નકશામાં હડપી લીધા!
ટ્રમ્પનું 'મિશન એક્સપાન્શન': AI ફોટો શેર કરી ગ્રીનલેન્ડને 2026 થી અમેરિકી પ્રદેશ જાહેર કર્યો, વિરોધ કરનાર યુરોપિયન દેશો પર ભારે ટેરિફની ધમકી

વોશિંગ્ટન:અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર સોશિયલ મીડિયા પર એવો ધડાકો કર્યો છે જેનાથી વૈશ્વિક રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. ટ્રમ્પે પોતાના પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર કેટલીક એવી તસવીરો શેર કરી છે જેમાં તેમણે અમેરિકાની સીમાઓ રાતોરાત વધારી દીધી છે. આ નકશામાં તેમણે માત્ર ગ્રીનલેન્ડ જ નહીં, પણ કેનેડા અને વેનેઝુએલાને પણ અમેરિકાનો હિસ્સો ગણાવ્યા છે.
ટ્રમ્પે શેર કરેલા એક AI-જનરેટેડ ફોટામાં તેઓ ગ્રીનલેન્ડની ધરતી પર અમેરિકી ધ્વજ લહેરાવતા જોવા મળે છે. તેમની સાથે ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ અને વિદેશ મંત્રી માર્કો રુબિયો પણ ઉભા છે. ફોટામાં એક બોર્ડ પર સ્પષ્ટ લખ્યું છે - 'ગ્રીનલેન્ડ યુએસ ટેરિટરી એસ્ટ. 2026'. ટ્રમ્પ લાંબા સમયથી ડેનમાર્કના શાસન હેઠળના ગ્રીનલેન્ડને ખરીદવાની અથવા કબજે કરવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ હવે તેમણે તેને હકીકત ગણાવવાનું શરૂ કરી દીધું છે.
બીજી એક તસવીરમાં ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં યુરોપિયન નેતાઓ (મેક્રોન, મેલોની અને સ્ટારમર) ની સામે એક નકશો પકડીને બેઠા છે. આ નકશામાં આખું કેનેડા અને વેનેઝુએલા અમેરિકાના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યા છે. ટ્રમ્પ અગાઉ કેનેડાને અમેરિકાનું '51મું રાજ્ય' ગણાવી ચુક્યા છે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોની અટકાયત બાદ ટ્રમ્પે દાવો કર્યો છે કે હવે અમેરિકા જ તે દેશનું સંચાલન કરશે.
ટ્રમ્પના આ આક્રમક વલણનો વિરોધ કરનાર ડેનમાર્ક, ફ્રાન્સ, જર્મની અને બ્રિટન જેવા આઠ યુરોપિયન દેશો પર તેમણે 1 ફેબ્રુઆરીથી 10% વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. જો જૂન સુધીમાં ગ્રીનલેન્ડ કે અન્ય મુદ્દે સમજૂતી નહીં થાય, તો આ ટેરિફ વધારીને 25% કરવાની ધમકી પણ આપી છે.
ટ્રમ્પે નોર્વેના વડાપ્રધાનને પત્ર લખીને પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, "મેં આઠથી વધુ યુદ્ધો અટકાવ્યા હોવા છતાં મને નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો નથી. હવે હું માત્ર શાંતિ વિશે નહીં, પણ અમેરિકાના ફાયદા માટે શું યોગ્ય છે તે વિશે વિચારીશ." ટ્રમ્પના આ નિવેદનો અને નકશાએ કેનેડા અને યુરોપના દેશોમાં ભારે રોષ અને ચિંતા જન્માવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
