<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

સોનું-ચાંદી આભને આંબ્યા: સોનાએ પહેલીવાર ₹1.50 લાખની ઐતિહાસિક સપાટી વટાવી, ચાંદીમાં પણ ₹92,000નો તોતિંગ ઉછાળો

ગ્લોબલ માર્કેટમાં ટ્રમ્પ અને યુરોપ વચ્ચેના તણાવથી બજારમાં ભૂકંપ; લગ્નની સીઝન ટાણે જ કિંમતી ધાતુઓના ભાવ બેકાબૂ થતા ગ્રાહકોના ખિસ્સા ખાલી

નવી દિલ્હી:વર્ષ 2026ની શરૂઆત સાથે જ સોના અને ચાંદીના ભાવમાં જે પ્રચંડ તેજી આવી છે તેણે રોકાણકારોને માલામાલ કરી દીધા છે, પરંતુ સામાન્ય જનતા અને લગ્ન પ્રસંગવાળા પરિવારો માટે મોટો ફટકો પડ્યો છે. મંગળવારે ભારતીય વાયદા બજાર (MCX) પર સોનાએ ઈતિહાસ રચી દીધો છે. સોનું પહેલીવાર પ્રતિ 10 ગ્રામ ₹1.50 લાખના બેરિયરને તોડીને ₹1,52,500ના સ્તરે પહોંચી ગયું છે. માત્ર એક જ દિવસમાં સોનામાં ₹7,000નો તોતિંગ ઉછાળો નોંધાયો છે.
20 દિવસમાં ₹92,000 મોંઘી થઈ: સોના કરતા પણ વધુ તેજી ચાંદીમાં જોવા મળી રહી છે. ચાંદીના ભાવ પ્રતિ કિલો ₹3.27 લાખની નવી ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, 1 જાન્યુઆરી 2026થી અત્યાર સુધીના માત્ર 20 દિવસમાં ચાંદીના ભાવમાં ₹91,954નો વધારો થયો છે. છેલ્લા બે સત્રોમાં જ ચાંદી 11 ટકાથી વધુ ઉછળી છે. નિષ્ણાતોના મતે, ચાંદીમાં આવી તેજી દાયકાઓમાં જોવા મળી નથી.
 આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 4,700 ડોલર પ્રતિ ઔંસના રેકોર્ડ લેવલને પાર કરી ગયું છે. આ તેજી પાછળ મુખ્ય બે કારણો જવાબદાર છે:
1. ટ્રમ્પની ગ્રીનલેન્ડ નીતિ: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડ ખરીદવાની જીદ અને 1 ફેબ્રુઆરીથી આઠ યુરોપિયન દેશો પર 10% ટેરિફ લાદવાની યોજનાએ વિશ્વભરમાં આર્થિક તણાવ વધાર્યો છે.
2. યુએસ-યુરોપ ટ્રેડ વોર: અમેરિકાના આ પગલા સામે ફ્રાન્સ અને જર્મનીએ પણ કડક વલણ અપનાવતા રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદી તરફ વળ્યા છે.
ભારતમાં અત્યારે લગ્નની સીઝન પૂરજોશમાં છે, પરંતુ સોનાના ભાવ 1.5 લાખને પાર કરી જતા જ્વેલરી શોરૂમમાં ગ્રાહકોની ચિંતા વધી છે. જાન્યુઆરીની શરૂઆતથી અત્યાર સુધીમાં સોનું પ્રતિ 10 ગ્રામ ₹14,000 મોંઘું થયું છે. નબળો રૂપિયો પણ સ્થાનિક બજારમાં ભાવ વધારવા માટે જવાબદાર છે, હાલમાં ડોલર સામે રૂપિયો 91ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. કોમોડિટી એક્સપર્ટ્સનું માનવું છે કે જો વૈશ્વિક તણાવ ઓછો નહીં થાય, તો આગામી દિવસોમાં સોનું અને ચાંદી હજુ પણ નવા શિખરો સર કરી શકે છે.

(8:10 PM IST)