<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

નીરવ મોદી કેસમાં બ્રિટિશ કોર્ટે ભારત પાસે માંગી મદદ: દિલ્હી હાઈકોર્ટમાં નોંધાશે બેંક અધિકારીની જુબાની, આંતરરાષ્ટ્રીય કાયદાના ઇતિહાસમાં સર્જાશે નવો દાખલો

ઈંગ્લેન્ડ અને વેલ્સની સુપ્રીમ કોર્ટની વિનંતી પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારનો મત માંગ્યો; હેગ કન્વેન્શન હેઠળ ભાગેડુ હીરા વેપારી સામે ગાળિયો મજબૂત કરવા પુરાવા એકત્રિત કરાશે

નવી દિલ્હી:ભાગેડુ હીરા વેપારી નીરવ મોદી સાથે જોડાયેલા કરોડો રૂપિયાના બેંક છેતરપિંડીના કેસમાં એક અણધારી કાનૂની ગતિવિધિ જોવા મળી છે. બ્રિટિશ ન્યાયતંત્રએ હવે આ કેસની કાયદેસરની કાર્યવાહી આગળ વધારવા માટે સીધી ભારતની મદદ માંગી છે. ઈંગ્લેન્ડ અને વેલ્સની સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટને વિનંતી પત્ર મોકલીને ભારતીય બેંકના એક અધિકારીનું નિવેદન નોંધવા જણાવ્યું છે, જેનો ઉપયોગ બ્રિટિશ કોર્ટમાં પુરાવા તરીકે કરવામાં આવશે.
આ વિવાદ નીરવ મોદીની કંપની 'ફાયરસ્ટાર ડાયમંડ FZE' સાથે સંકળાયેલા લોન ડિફોલ્ટનો છે. બ્રિટિશ કોર્ટ દિલ્હીમાં સ્થિત 'બેંક ઓફ ઈન્ડિયા'ના એક એવા અધિકારીની જુબાની લેવા માંગે છે જેની પાસે નીરવ મોદીને આપવામાં આવેલી લોન અને તેના દસ્તાવેજોની મહત્વની માહિતી છે. આ જુબાની લંડનમાં ચાલી રહેલા કેસના નિકાલ માટે અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહી છે.
: દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સી. હરિ શંકરે આ કેસની ગંભીરતા નોંધતા જણાવ્યું હતું કે, કોઈ વિદેશી અદાલત સીધો પત્ર લખીને ભારતીય કોર્ટ પાસે મદદ માંગે તેવો દાખલો અગાઉ ક્યારેય જોવા મળ્યો નથી. આ બાબત કાયદેસર રીતે નવી હોવાથી હાઈકોર્ટે આમાં ભારત સરકારના કાયદા મંત્રાલયનો અભિપ્રાય માંગ્યો છે. કોર્ટ એ જાણવા માંગે છે કે જ્યારે કોઈ પક્ષ રૂબરૂ હાજર ન હોય ત્યારે વિદેશી અદાલતના પત્રના આધારે કઈ કાનૂની પ્રક્રિયા અપનાવવી જોઈએ.
આ સમગ્ર પ્રક્રિયા 1970ના હેગ કન્વેન્શન હેઠળ હાથ ધરવામાં આવી રહી છે. આ આંતરરાષ્ટ્રીય સંધિ મુજબ, સભ્ય દેશોની અદાલતો નાગરિક અને વાણિજ્યિક બાબતોમાં પુરાવા એકત્રિત કરવા માટે એકબીજાને સહકાર આપી શકે છે. દિલ્હી હાઈકોર્ટે આ પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે નીરવ મોદી સહિત લંડનમાં ચાલી રહેલા કેસના તમામ પક્ષોને નોટિસ પાઠવી છે જેથી તેઓ પોતાનો પક્ષ રજૂ કરી શકે.
આ કેસ માત્ર નીરવ મોદીને સજા અપાવવા માટે જ મહત્વનો નથી, પરંતુ તે ભવિષ્યમાં ભારત અને બ્રિટન વચ્ચેના કાનૂની સંબંધો માટે એક નવો પથપ્રદર્શક માર્ગ તૈયાર કરી શકે છે. જો દિલ્હી હાઈકોર્ટ આ જુબાની નોંધવાની મંજૂરી આપે છે, તો વિદેશમાં ભાગી ગયેલા આર્થિક ગુનેગારો સામેની લડાઈમાં ભારતને મોટી સફળતા મળી શકે છે.

(8:32 PM IST)