<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

બિટકોઈન અને સ્વિસ બેંકના અબજો રૂપિયા પણ નકામા છે! એલોન મસ્કે જણાવ્યું અર્થતંત્રનું અસલી રહસ્ય: 'સૂપનો એક ડબ્બો ટ્રિલિયન ડોલર કરતા વધુ કિંમતી'

ટેસ્લા ચીફ મસ્કે દુનિયાને બતાવ્યો અરીસો: અર્થતંત્ર પૈસાથી નહીં પણ શ્રમ અને વસ્તુઓથી ચાલે છે; AI અને રોબોટ્સના યુગમાં નોકરીઓ અને નિવૃત્તિની બચત ભૂતકાળ બની જશે

નવી દિલ્હી :વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ અને ટેક ટાયકૂન એલોન મસ્કે નાણાં, ક્રિપ્ટોકરન્સી અને સંપત્તિ વિશે એક એવું નિવેદન આપ્યું છે જેણે આખી દુનિયાના અર્થશાસ્ત્રીઓને વિચારતા કરી દીધા છે. મસ્કનું માનવું છે કે આપણે જેને 'શક્તિ' માનીએ છીએ તે પૈસા કે બિટકોઈન વાસ્તવમાં માત્ર એક 'ડેટા' છે, અર્થતંત્રની અસલી તાકાત તો કંઈક અલગ જ છે.
એલોન મસ્કે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે લોકો ઘણીવાર અર્થતંત્રને પૈસા સાથે જોડીને ભૂલ કરે છે. તેમના મતે, પૈસા એ માત્ર એક ડેટાબેઝ છે જે વ્યવહારો ને રેકોર્ડ કરે છે. મસ્કે તર્ક આપ્યો કે પૈસા પોતે કોઈ મૂલ્ય નથી ધરાવતા, પરંતુ તે માત્ર સેવાઓના વિનિમયનું એક સાધન છે. જો વાસ્તવિક માલ અને સેવાઓ ઉપલબ્ધ ન હોય, તો તમારી પાસે રહેલા અબજો રૂપિયા કાગળના ટુકડા સમાન છે.
મસ્કે પોતાનો મુદ્દો સાબિત કરવા માટે એક રસપ્રદ ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું, "કલ્પના કરો કે તમે કોઈ નિર્જન ટાપુ પર ફસાયા છો અને તમારા સ્વિસ બેંક ખાતામાં એક ટ્રિલિયન ડોલર છે. શું તે પૈસા તમને બચાવશે? ના. એ સમયે તમારા માટે 'સૂપનો એક ડબ્બો' તે એક ટ્રિલિયન ડોલર કરતા પણ વધુ મૂલ્યવાન હશે." તેમણે ઉમેર્યું કે જો આખી દુનિયા બિટકોઈનની માલિકી ધરાવતી હોય પરંતુ કોઈ ખોરાક પેદા કરનાર ન હોય, તો લોકો ભૂખે જ મરશે.
મસ્કના મતે કોઈપણ અર્થતંત્રનું સૌથી મોટું મર્યાદિત પરિબળ 'શ્રમ' (Labor) છે. કોઈપણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન માનવીય શ્રમ પર નિર્ભર છે. જોકે, મસ્ક ભવિષ્ય વિશે ખૂબ જ આશાવાદી છે. તેમનું અનુમાન છે કે આગામી 10 થી 20 વર્ષમાં AI અને રોબોટિક્સ શ્રમની આ અછતને દૂર કરી દેશે.
મસ્કની આગાહી મુજબ, ભવિષ્યમાં રોબોટ્સ લગભગ તમામ સેવાઓ અને માલ મફતમાં અથવા ખૂબ ઓછા દરે પૂરા પાડશે. તે સમયે લોકોને નિવૃત્તિ માટે બચત કરવાની જરૂર નહીં રહે, કારણ કે આરોગ્ય, આવાસ અને ખોરાક જેવી જરૂરિયાતો સરળતાથી પૂરી થશે. તેમણે ઓક્ટોબર 2025 માં જ સંકેત આપ્યો હતો કે AI ના કારણે નોકરીઓ વૈકલ્પિક બની જશે, એટલે કે માણસો માત્ર પોતાની ખુશી માટે કામ કરશે, જરૂરિયાત માટે નહીં.

(8:58 PM IST)