<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

ટ્રમ્પનો 'ડિજિટલ ધડાકો': ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનની પર્સનલ ચેટ લીક કરી, ગ્રીનલેન્ડ મુદ્દે વિનંતી કરતા મેસેજથી ખળભળાટ

"મારા મિત્ર, તમે ગ્રીનલેન્ડ સાથે શું કરી રહ્યા છો?" - મેક્રોનનો સંદેશ જાહેર કરી ટ્રમ્પે ઉડાવી મજાક; ફ્રેન્ચ વાઈન પર 200 ટકા ટેરિફ લાદવાની આપી ધમકી

 વોશિંગ્ટન/પેરિસ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આંતરરાષ્ટ્રીય રાજદ્વારી મર્યાદાઓને બાજુ પર મૂકીને ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનો એક અત્યંત ખાનગી સંદેશ સોશિયલ મીડિયા પર લીક કરી દીધો છે. આ ઘટનાએ વૈશ્વિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે, કારણ કે ટ્રમ્પે આ ચેટ એવા સમયે જાહેર કરી છે જ્યારે અમેરિકા અને ફ્રાન્સ વચ્ચે ગ્રીનલેન્ડ અને ટેરિફ મુદ્દે ભારે તણાવ ચાલી રહ્યો છે.

ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર મેક્રોન સાથેની ચેટનો જે સ્ક્રીનશોટ શેર કર્યો છે, તેમાં મેક્રોન ટ્રમ્પને "મારા મિત્ર" કહીને સંબોધી રહ્યા છે. મેસેજમાં મેક્રોને લખ્યું છે: "આપણે સીરિયા મુદ્દે સંપૂર્ણ સહમત છીએ અને ઈરાન પર પણ ઘણું કરી શકીએ તેમ છીએ, પરંતુ મને સમજાતું નથી કે તમે ગ્રીનલેન્ડ સાથે શું કરી રહ્યા છો. ચાલો કંઈક મહાન બનાવવાનો પ્રયાસ કરીએ." મેક્રોને આ સંદેશમાં ટ્રમ્પને પેરિસમાં ડિનર માટે અને G7 ની બેઠક માટે આમંત્રણ આપવાની પણ વાત કરી છે.
 ગ્રીનલેન્ડ પર અમેરિકાના દાવાને લઈને નાટો (NATO) દેશો ટ્રમ્પને ઘેરી રહ્યા છે. આ દરમિયાન ટ્રમ્પે માત્ર મેક્રોન જ નહીં, પરંતુ નાટો ચીફ માર્ક રુટ્ટેની પ્રશંસા કરતી ચેટ પણ લીક કરી છે. આ પાછળ ટ્રમ્પનો હેતુ એ બતાવવાનો છે કે વિશ્વના નેતાઓ ખાનગીમાં તેમની પ્રશંસા કરે છે અને તેમની નીતિઓથી ડરે છે.
મેસેજ લીક કર્યા બાદ ટ્રમ્પે પત્રકારો સામે મેક્રોનની મજાક ઉડાવતા કહ્યું, "મેક્રોન હવે ફ્રાન્સ છોડી રહ્યા છે, અમે તેમને ગંભીરતાથી લેતા નથી. જ્યારે પણ તે મારી પાસે આવે છે, ત્યારે તે ટેરિફના ડરથી ધ્રૂજે છે." ટ્રમ્પે વધુમાં ચીમકી આપી છે કે જો ફ્રાન્સ તેમની વાત નહીં માને તો તેઓ ફ્રેન્ચ વાઈન પર ૨૦૦ ટકા જેટલો આકરો ટેરિફ લાદી દેશે.
 નિષ્ણાતો માને છે કે આ પ્રકારે રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચેની ખાનગી વાતચીત જાહેર કરવાથી અમેરિકા અને યુરોપિયન દેશો વચ્ચેના સંબંધોમાં કાયમી તિરાડ પડી શકે છે. ખાસ કરીને "ઇમેન્યુઅલ" નામથી સમાપ્ત થતા આ અંગત સંદેશને સાર્વજનિક કરવો એ મેક્રોન માટે રાજકીય રીતે શરમજનક સાબિત થઈ શકે છે.

(9:12 PM IST)