હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વાહન માલિકો સાવધાન! હવે ટોલ ટેક્સ બાકી હશે તો અટકી જશે ફિટનેસ અને NOC; ભારત સરકારે મોટર વ્હીકલ એક્ટમાં કર્યો મોટો સુધારો
કેન્દ્રીય મોટર વાહન (બીજો સુધારો) નિયમો ૨૦૨૬ લાગુ: રાષ્ટ્રીય પરમિટ અને માલિકી ટ્રાન્સફર માટે હવે 'નો ડ્યુઝ' અનિવાર્ય, ટોલ ચોરી રોકવા ટેકનોલોજીનો આશરો

નવી દિલ્હી : જો તમે પણ નેશનલ હાઈવે પર મુસાફરી કરો છો અને ટોલ ટેક્સ ચૂકવવામાં બેદરકારી દાખવો છો, તો હવે મુશ્કેલી વધી શકે છે. ભારત સરકારે 'કેન્દ્રીય મોટર વાહન નિયમો, ૧૯૮૯' માં મહત્વપૂર્ણ સુધારો કર્યો છે. આ નવા નિયમો મુજબ, જો તમારા વાહન પર કોઈ પણ ટોલ ટેક્સની રકમ બાકી હશે (Unpaid User Fee), તો તમે વાહન સંબંધિત ઘણી મહત્વની સેવાઓનો લાભ લઈ શકશો નહીં.
કઈ સેવાઓ પર લાગશે બ્રેક?
નવી સૂચના અનુસાર, જે વાહનોના ટોલ બાકી છે તેમના માટે નીચે મુજબની સેવાઓ અટકાવી દેવામાં આવશે:
• NOC (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ): વાહનની માલિકી બદલવા અથવા બીજા રાજ્યમાં ટ્રાન્સફર કરવા માટે NOC નહીં મળે.
• ફિટનેસ પ્રમાણપત્ર: વાહનનું ફિટનેસ રિન્યુઅલ અથવા નવું પ્રમાણપત્ર જારી કરવામાં આવશે નહીં.
• નેશનલ પરમિટ: કોમર્શિયલ વાહનો માટે રાષ્ટ્રીય પરમિટ મેળવવી અશક્ય બનશે જ્યાં સુધી જૂનો ટોલ ભરાય નહીં.
'અનપેઇડ યુઝર ફી'ની નવી વ્યાખ્યા
સરકારે આ સુધારામાં 'અવેતન વપરાશકર્તા ફી' શબ્દનો સમાવેશ કર્યો છે. આનો અર્થ એ છે કે જો ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન (ETC) સિસ્ટમે તમારા વાહનને ટોલ પ્લાઝા પરથી પસાર થતું નોંધ્યું હોય, પરંતુ કોઈ કારણસર ખાતામાંથી પૈસા ન કપાયા હોય અથવા ફી જમા ન થઈ હોય, તો તે રકમ બાકી બોલશે.
ફોર્મ-૨૮ માં થયો બદલાવ
આ ફેરફારને અસરકારક બનાવવા માટે ફોર્મ ૨૮ ને અપડેટ કરવામાં આવ્યું છે. હવે અરજદારે પોતે જ જાહેર કરવું પડશે કે પ્લાઝા પર તેમના વાહન સામે કોઈ બાકી માંગણી છે કે નહીં. સરકારે આ પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે ઓનલાઈન પોર્ટલ દ્વારા ઇલેક્ટ્રોનિક રીતે વિગતો આપવાની મંજૂરી પણ આપી છે.
મલ્ટી-લેન ફ્રી ફ્લો (MLFF) તરફ ડગલું
સરકારે જણાવ્યું છે કે આ સુધારો ભવિષ્યમાં 'મલ્ટી-લેન ફ્રી ફ્લો' સિસ્ટમ માટે પાયો નાખશે. આ એવી ટેકનોલોજી છે જેમાં વાહનોએ ટોલ પ્લાઝા પર ઉભા રહેવાની જરૂર નહીં પડે અને બેરિયર-મુક્ત ટોલિંગ શક્ય બનશે. આ માટે લોકો સમયસર ટોલ ચૂકવે તે અત્યંત જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે આ નિયમનો ડ્રાફ્ટ જુલાઈ ૨૦૨૫ માં જ રજૂ કરી દેવામાં આવ્યો હતો અને લોકોના મંતવ્યો લીધા બાદ હવે ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ આ નિયમોને અંતિમ મંજૂરી આપી દેવામાં આવી છે. આ પગલાથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ (NHAI) ની આવક વધશે અને ટોલ ચોરી પર લગામ આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
