તા. ૨૪ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૬ શનિવાર
ઇન્ડિગો પર DGCAનો ૨૨ કરોડનો દંડ 'નામમાત્ર': ૬૧% મુસાફરોએ વ્યક્ત કર્યો ભારે રોષ, સર્વેમાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય
ડિસેમ્બરની ફ્લાઇટ કટોકટીમાં લાખો લોકો રઝળ્યા, છતાં દંડની રકમ એરલાઇનની દૈનિક આવક કરતા પણ ઓછી; ૩૧,૦૦૦ મુસાફરોએ સરકારની કાર્યવાહીને ગણાવી અપૂરતી

નવી દિલ્હી : ભારતના ઉડ્ડયન ક્ષેત્રની સૌથી મોટી કંપની ઇન્ડિગો (IndiGo) સામે નિયમનકારી સંસ્થા DGCA એ કરેલી કાર્યવાહીથી મુસાફરો સંતુષ્ટ નથી. એક તાજેતરના સર્વેક્ષણ મુજબ, ૬૧ ટકા ભારતીય એરલાઇન મુસાફરોનું માનવું છે કે ડિસેમ્બર ૨૦૨૫ માં સર્જાયેલી ફ્લાઇટ કટોકટી માટે ઇન્ડિગો પર લાદવામાં આવેલ ૨૨.૨૦ કરોડનો દંડ અને અન્ય શિસ્તભંગના પગલાં અત્યંત નબળા છે. મુસાફરોના મતે, આટલી મોટી બેદરકારી સામે આ દંડ 'લોટમાં મીઠા' સમાન છે.
શું હતો સમગ્ર વિવાદ?
૧ નવેમ્બરથી અમલમાં આવેલા પાઇલોટ્સ અને ક્રૂના આરામ માટેના નવા નિયમો (FDTL) ને લાગુ કરવામાં ઇન્ડિગો નિષ્ફળ રહી હતી. પૂરતી તૈયારીના અભાવે ૩ થી ૫ ડિસેમ્બર વચ્ચે કંપનીએ ૨,૫૦૦ થી વધુ ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી અને ૧,૯૦૦ ફ્લાઇટ્સ મોડી પડી હતી. આ ઓપરેશનલ કટોકટીને કારણે દેશભરમાં ૩ લાખથી વધુ મુસાફરો એરપોર્ટ પર કલાકો સુધી અટવાયા હતા.
સર્વેના ચોંકાવનારા આંકડા
લોકલસર્કલ્સ (LocalCircles) દ્વારા દેશના ૨૯૨ જિલ્લાઓમાં ૩૧,૦૦૦ થી વધુ મુસાફરો પર કરવામાં આવેલા સર્વેમાં નીચેની બાબતો સામે આવી છે:
• ૬૧% મુસાફરો માને છે કે ૨૨.૨ કરોડનો દંડ અને CEO-COO ને આપેલી ચેતવણી 'બિલકુલ પૂરતી' નથી.
• ૨૧% લોકો જ માને છે કે આ કાર્યવાહી યોગ્ય છે.
• મુસાફરોનો દાવો છે કે એરલાઇન માટે આ રકમ તેમના દૈનિક ટર્નઓવરનો એક નાનો હિસ્સો છે, જે ભવિષ્યમાં આવી ભૂલો રોકવા માટે પૂરતી નથી.
વળતરના નામે વાઉચર પધરાવ્યા!
મુસાફરોનો ગુસ્સો માત્ર ફ્લાઇટ મોડી પડવા અંગે જ નથી, પરંતુ એરલાઇન દ્વારા આપવામાં આવેલા વળતર અંગે પણ છે. નિયમો મુજબ રોકડ રિફંડ આપવાને બદલે, ઇન્ડિગોએ ઘણા મુસાફરોને 'ટ્રાવેલ વાઉચર' પધરાવી દીધા હતા. આ ઉપરાંત, છેલ્લી ઘડીએ ફ્લાઇટ રદ થતા મુસાફરોએ અન્ય એરલાઇન્સમાં મોંઘા ભાવે ટિકિટો બુક કરાવવી પડી હતી, જેનો આર્થિક બોજ પણ તેમના પર જ આવ્યો હતો.
કડક કાર્યવાહીની માંગ
DGCA એ ઇન્ડિગો પાસેથી ૫૦ કરોડની બેંક ગેરંટી માંગી છે અને વરિષ્ઠ અધિકારીઓને સખત ચેતવણી આપી છે. જોકે, મુસાફરોની માંગ છે કે જે એરલાઇનનો બજાર હિસ્સો ૬૦ ટકાથી વધુ હોય, તેની બેદરકારી માટે દંડની રકમ એટલી હોવી જોઈએ કે તે ઉદાહરણરૂપ બને.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
