<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th January 2026

કેરળમાં બર્ડ ફ્લૂનો ફફડાટ: કાગડાઓમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝાની પુષ્ટિ થતા હાઈ-એલર્ટ, આરોગ્ય વિભાગે જારી કરી કડક એડવાઈઝરી

અલાપ્પુઝા જિલ્લાની બે પંચાયતોમાં વાયરસનો કહેર; ખુલ્લા જળાશયોના પાણીનો ઉપયોગ ટાળવા અને પક્ષીઓના અકુદરતી મૃત્યુ અંગે સતર્ક રહેવા જનતાને તાકીદ

તિરુવનંતપુરમ : દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં ફરી એકવાર એવિયન ઈન્ફલ્યુએન્ઝા એટલે કે બર્ડ ફ્લૂના ભણકારા વાગી રહ્યા છે. કેરળના અલાપ્પુઝા જિલ્લામાં કાગડાઓના અચાનક થતા મૃત્યુ બાદ હાથ ધરવામાં આવેલા લેબોરેટરી ટેસ્ટમાં એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસની પુષ્ટિ થઈ છે. આ સમાચાર બાદ સ્થાનિક તંત્ર અને આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે.
અલાપ્પુઝાના આ વિસ્તારોમાં જોખમ વધુ
પ્રાપ્ત માહિતી અનુસાર, અલાપ્પુઝા જિલ્લાની બે મુખ્ય ગ્રામ પંચાયતોમાં કાગડાઓમાં આ ઘાતક વાયરસ મળી આવ્યો છે. સામાન્ય રીતે મરઘાં કે બતકમાં જોવા મળતો આ વાયરસ હવે જંગલી પક્ષીઓ અને કાગડાઓમાં દેખાતા વન્યજીવ પ્રેમીઓ અને આરોગ્ય નિષ્ણાતોમાં ચિંતા વધી છે. આ શોધ બાદ પ્રશાસને તાત્કાલિક અસરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં દેખરેખ વધારી દીધી છે.
પાણીના સ્ત્રોતો અંગે ખાસ સાવચેતી
આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી નવી એડવાઈઝરીમાં લોકોને ખાસ કરીને ખુલ્લા પાણીના સ્ત્રોતો, જેવા કે તળાવ કે કુવા, ના પાણીનો ઉપયોગ કરતી વખતે અત્યંત સાવધાની રાખવા જણાવાયું છે. પક્ષીઓના મળ-મૂત્ર કે લાળ દ્વારા પાણી પ્રદૂષિત થવાનું જોખમ રહેલું છે, જે માનવીઓ માટે પણ જોખમ ઊભું કરી શકે છે. વિભાગે લોકોને સલાહ આપી છે કે પાણી ઉકાળીને જ પીવું અને પક્ષીઓ જ્યાં વધુ સંખ્યામાં હોય તેવા જળાશયોથી દૂર રહેવું.
શું રાખશો ધ્યાન?
આરોગ્ય નિષ્ણાતોએ લોકોને વિનંતી કરી છે કે જો કોઈ પણ વિસ્તારમાં પક્ષીઓ (કાગડા, બતક કે મરઘાં) સામૂહિક રીતે મૃત હાલતમાં મળી આવે, તો તેને અડકવું નહીં અને તાત્કાલિક પશુપાલન વિભાગ અથવા નજીકના આરોગ્ય કેન્દ્રને જાણ કરવી.
કેરળ સરકાર અત્યારે પડોશી જિલ્લાઓમાં પણ આ વાયરસ ફેલાય નહીં તે માટે સતત મોનિટરિંગ કરી રહી છે. પક્ષીપાલકોને પણ તેમના પક્ષીઓના સ્વાસ્થ્ય પર નજર રાખવા અને શંકાસ્પદ લક્ષણો જણાય તો આઈસોલેશન જાળવવા સૂચના આપવામાં આવી છે.

(9:44 PM IST)