<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

દિલ તોડીને દગો કર્યોઃ અડધી રાતે ઘરે આવ્‍યો પતિ, પત્‍ની ત્રણ યુવકોની વચ્‍ચે સૂતી હતી, ગુસ્‍સામાં પતિએ ગળું દબાવી દીધું

આરોપી પતિ પોલીસ સ્‍ટેશને આવ્‍યો અને ડરતાં ડરતાં સ્‍વરમાં કહ્યું કે મેં મારી પત્‍નીની હત્‍યા કરી છેઃ રાતના એક વાગ્‍યે મારી પત્‍ની ૩ છોકરા સાથે રૂમમાં હતી

કાનપુર તા.૨૧: ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે, જ્‍યાં એક પતિએ શંકા, ગુસ્‍સા અને અવિશ્વાસની વચ્‍ચે પોતાની જ ૨૨ વર્ષની પત્‍નીનું ગળું દબાવીને હત્‍યા કરી નાખી. આ સમગ્ર ઘટનાનો સૌથી ચોંકાવનારો ભાગ એ છે કે હત્‍યાના થોડા કલાકો બાદ આરોપી પતિ ખુદ રડતા પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યો અને ઇન્‍સ્‍પેક્‍ટર સામે કહ્યું કે, સાહેબ મેં મારી પત્‍નીની હત્‍યા કરી નાખી અને તેની લાશ ઘરમાં પડી છે.

પોલીસના જણાવ્‍યા અનુસાર, આરોપી પતિ સચિન સિંહ પોલીસ સ્‍ટેશને આવ્‍યો અને ડરતાં ડરતાં સ્‍વરમાં કહ્યું કે મેં મારી પત્‍નીની હત્‍યા કરી છે. રાતના એક વાગ્‍યે મારી પત્‍ની ૩ છોકરા સાથે રૂમમાં હતી. મેં આ બધું મારી આંખે જોયું. સચિને ઇન્‍સ્‍પેક્‍ટરને જણાવ્‍યું કે શુક્રવાર રાતે તે મિત્રો સાથે પાર્ટી કરવાનું બહાનું કરીને ઘરેથી નીકળ્‍યો હતો. તેણે પત્‍ની શ્વેતાને ફોન કરીને કહ્યું કે તે રાતે નહીં આવે.

પત્‍નીએ પણ પતિને ફોનમાં કહ્યું હતું કે તે દિવસમાં સૂતી નથી, એટલા માટે જલદી સૂઈ જશે. સચિનના જણાવ્‍યા અનુસાર, તે રાતના ૧૧-૧૨ વાગ્‍યે અચાનક રૂમમાં પાછો આવ્‍યો. નીચે શટર ખોલ્‍યું અને ઉપર ગયો. સ્‍ટોપર ખરાબ હોવાના કારણે દરવાજો ખુલ્‍લો હતો. જેવો તે અંદર ગયો તેણે જોયું કે રૂમમાં તેની સામેવાળા રૂમમાં છોકરાઓ સૂતા હતા અને તેની વચ્‍ચે તેની પત્‍ની શ્વેતા સૂતી હતી. આરોપીએ કહ્યું કે મેં જ્‍યારે વીડિયો બનાવવા માટે ફોન કાઢ્‍યો તો એ છોકરાઓએ મને ધક્કો આપી પાડી દીધો. છતાં પણ હું વીડિયો બનાવતો રહ્યો, તેમણે મને પકડ્‍યો અને માર્યો. ત્‍યારે મારી પત્‍નીએ કહ્યું કે આને મારો નહીંતર હોબાળો કરી નાખશે.

ધ્રુજતા હાથે આરોપી સચિને કહ્યું કે તે ખૂબ જ કપરા સમયમાં પણ પત્‍નીનો સાથ નિભાવતો રહ્યો હતો. ઓટો ચલાવીને ઘર ચલાવતો હતો. ઠંડીમાં પોતાના માટે જેકેટ ન લીધું પણ પત્‍ની માટે લાવી દીધું. શ્વેતાના ખાતામાં રૂપિયા આવતા હતા પણ તે કહેતી કે નાની મોકલી રહ્યા છે. સચિને પોલીસ ચોકીમાં જણાવ્‍યું કે મેં તેને કહ્યું કે તારા માટે ઘર પરિવાર છોડી દીધો, તું આવું કેમ કરી રહી છે?

રાતના સમયે આ રીતે દેકારો થતો જોઈ પાડોશીઓએ પોલીસને ફોન કરી દીધો. પોલીસ આવી અને ત્રણેય છોકરા અને પતિ-પત્‍નીને સાથે લઈ ગઈ. યુવકોએ કહ્યું કે તેઓ ખાલી બેઠા હતા. કોઈ ખરાબ કામ નથી કર્યા. જો કે પોલીસે જેમ તેમ કરી મામલો શાંત પાડ્‍યો અને પતિ-પત્‍ની બંનેને સમજાવી ઘરે મોકલી દીધા. પણ અહીંથી સ્‍થિતિ વધારે ખરાબ થઈ ગઈ.

ઘરે પહોંચ્‍યા બાદ બંને ફરીથી ઝઘડો કરવા લાગ્‍યા. સચિનના જણાવ્‍યા અનુસાર, પત્‍નીએ ગુસ્‍સામાં કહ્યું કે જો એ છોકરાઓને ફસાવ્‍યા તો હું તને પણ ફસાવી દઈશ. હું એ ત્રણેય સાથે જ રહીશ. ભલે તું મને મારી નાખે. આ સાંભળી સચિનનો ગુસ્‍સો કાબૂ બહાર જતો રહ્યો. આરોપીએ કહ્યું કે આવું સાંભળી ગુસ્‍સામાં મેં તેનું ગળું દબાવી દીધું, તે મરી ગઈ, પછી હું ડરીને બેસી ગયો. થોડી વાર તો ઘરમાં જ બેસી રહ્યો. હત્‍યા બાદ તે ઘંટાઘર જઈને બેઠો. ભાગવા વિશે વિચાર્યું, પણ પછી વિચાર આવ્‍યો કે, મારું તો કોઈ નથી, અમે તો ભાગીને લગ્ન કર્યા હતા, આખરે પોલીસ સ્‍ટેશને આવીને સત્‍ય બતાવી દીધું.

પોલીસને શ્વેતાની લાશ ધાબળામાં વિટાળેલી હાલતમાં મળી, રૂમમાં ઝઘડાના નિશાન મળ્‍યા. ત્રણેય યુવક પહેલાથી પોલીસ ચોકીમાં પકડાયેલા બેઠા હતા. શ્વેતા અને સચિન, બંને મૂળ ફતેહપુરના મોહનપુર ગામના રહેવાસી હતા. પરિવાર વિરુદ્ધ જઈને તેમણે કોર્ટ મેરેજ કર્યા હતા. સુરતમાં કામ કર્યું પછી કાનપુરમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્‍યા. સચિન ઓટો ચલાવતો હતો.

પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને લાશને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી દીધી છે. આ મામલામાં પકડાયેલા ત્રણેય યુવકો સાથે પણ પૂછપરછ ચાલી રહી છે. હત્‍યાનું કારણ શંકા, તણાવ અને વધતો વિવાદ માનવામાં આવી રહ્યો છે

(9:55 AM IST)