<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

દિલ્હીમાં ૨૬ જાન્યુઆરીએ મોટા આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ: હરિયાણાથી ખાલિસ્તાન સમર્થકની ધરપકડ, પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું

નવીદિલ્હી: પ્રજાસત્તાક દિવસ એટલે કે ૨૬મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વ પર દેશની રાજધાની દિલ્હીને હચમચાવી નાખવાનું એક મોટું આતંકવાદી કાવતરું સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ બનાવ્યું છે.

પંજાબના લુધિયાણા જિલ્લાની પોલીસે બાતમીના આધારે હરિયાણાના જીંદ જિલ્લાના સફિદોન શહેરમાં દરોડા પાડીને એક શંકાસ્પદ ખાલિસ્તાન સમર્થકની ધરપકડ કરી છે. પકડાયેલા શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કુલદીપ ઉર્ફે કાલુ તરીકે થઈ છે. આ ધરપકડ બાદ સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની ગઈ છે અને દિલ્હી સહિત આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે.

પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, કુલદીપ ઉર્ફે કાલુ પાકિસ્તાનમાં સ્થિત બાંગ્લાદેશી ઉગ્રવાદીઓ અને આતંકવાદી જૂથો સાથે સંપર્કમાં હતો. આ લોકોએ મળીને ૨૬મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટ કરવાનું ભયાનક કાવતરું ઘડ્યું હતું. આ કાવતરાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે તાજેતરમાં લુધિયાણાથી બે ખાલિસ્તાની આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમની સઘન પૂછપરછ દરમિયાન કુલદીપનું નામ સામે આવ્યું હતું, જે આ મોડ્યુલનો મહત્વનો ભાગ હોવાનું મનાય છે.

 

આ ધરપકડ સાબિત કરે છે કે સરહદ પારથી ભારતની શાંતિ ડહોળવાના પ્રયાસો સતત થઈ રહ્યા છે. કુલદીપ પાકિસ્તાન સ્થિત હેન્ડલરો પાસેથી સૂચનાઓ મેળવી રહ્યો હતો અને દિલ્હીમાં ભીડભાડવાળી જગ્યાઓ અથવા સરકારી કાર્યક્રમોને નિશાન બનાવવાની ફિરાકમાં હતો. હાલમાં પંજાબ પોલીસ અને અન્ય કેન્દ્રીય તપાસ એજન્સીઓ કુલદીપની કડક પૂછપરછ કરી રહી છે જેથી આ નેટવર્કમાં સામેલ અન્ય સ્લીપર સેલ અને તેમના ભવિષ્યના પ્લાન વિશે માહિતી મેળવી શકાય. પ્રજાસત્તાક દિવસ નજીક હોવાથી દિલ્હી પોલીસ અને ગુપ્તચર વિભાગ હાઈ એલર્ટ પર છે.

(10:52 AM IST)