<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

ત્રીજા દિ'એ પણ તેજીનું તોફાન સોનામાં ૪પ૦૦-ચાંદીમાં અફડાતફડી બાદ ર૦૦૦ રૂા.નો વધારો

સોનું ૧૦ ગ્રામનો ભાવ વધીને ૧,પ૯,પ૦૦ રૂા. ની નવી ટોચે : ચાંદીના ભાવ એ ૩,૩૩,૦૦૦ ની નવી સપાટી બનાવ્‍યા બાદ ઘટીને ૩,રપ,૦૦૦ રૂા. થઇ ગયા

રાજકોટ, તા., ૨૧ : બુલીયન માર્કેટમાં સતત ત્રીજા દિવસે તેજીનું તોફાન યથાવત રહયું છે. સોનામાં વધુ ૪૫૦૦ રૂા.નો ઉછાળો થતા ભાવ નવા રેકર્ડ સ્‍તરે પહોંચ્‍યો છે અને ચાંદીમાં અફડાતફડી બાદ ચાંદીના ભાવે ટોચની સપાટી બનાવ્‍યા બાદ ૨૦૦૦ રૂા.નો ભાવવધારો થયો છે.

બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં આજે ૪પ૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. ગઇકાલે સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,પ૫,૦૦૦ રૂા. હતા તે વધીને આજે સવારે ૧,પ૯,૯૦૦ રૂા. ની નવી ઐતિહાસિક સપાટી બનાવ્‍યા બાદ બપોરે ૪૦૦ રૂા. ઘટી સોનાના ભાવ ૧,પ૯,પ૦૦ રૂા. થયા હતા. સોનાના બિસ્‍કીટમાં એક જ ઝાટકે ૪૫,૦૦૦ રૂા.નો તોતીંગ ભાવવધારો થયો છે. સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧પ,૫૦,૦૦૦ રૂા. હતા તે વધીને ૧પ,૯૯,૦૦૦ રૂા.ની સપાટીએ પહોંચ્‍યા છે. સોનામાં છેલ્લા ૩ દિવસમાં ૧ર,૦૦૦ રૂા.નો નોંધપાત્ર ભાવવધારો થયો છે.

સોનાની સાથે ચાંદીમાં પણ તેજીનો તરખાટ યથાવત રહયો હતો. બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં આજે સવારે વધુ ૮૦૦૦ રૂા.નો ઉછાળો થયો હતો અને બપોરે ભાવ ૩,૩૩,૦૦૦ ની નવી સપાટી બનાવ્‍યા બાદ ભાવ તુટયા હતા. બપોરે ચાંદીના ભાવ ઘટીને ૩,રપ,૦૦૦ રૂા. થઇ ગયા હતા. ગઇકાલે ચાંદી એક કિલોનો ભાવ ૩,ર૩,૦૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ૩,૨૫,૦૦૦ રૂા. થયા હતા. છેલ્લા ૩ દિવસમાં ચાંદીમાં ૩૭,૦૦૦ રૂા.નો જબ્‍બર ઉછાળો થયો છે.

અમેરીકા દ્વારા ગ્રીનલેન્‍ડ દેશ મુદ્દે અપાયેલ ટેરીફ વોરની ધમકીને પગલે સોના-ચાંદીના ભાવોમાં સતત ભાવવધારો થઇ રહયો છે અને આગામી દિવસોમાં હજુ પણ આ બંને કિંમતી ધાતુઓમાં નવી ભાવસપાટી જોવા મળે તેવી વકી છે તેમ ઝવેરીબજારના સુત્રોએ જણાવ્‍યું હતું. 

(3:44 PM IST)