હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકાનું યુદ્ધ જહાજ અને ફાઈટર જેટ્સ મિડલ ઈસ્ટ તરફ રવાના: ટ્રમ્પ સ્વિત્ઝર્લેન્ડમાં, પણ ઈરાન પર મોટા યુધ્ધની તૈયારી ? ટ્રમ્પ વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ભાગ લેવા માટે સ્વિત્ઝર્લેન્ડ પહોંચ્યા: બીજી તરફ અમેરિકાએ મધ્ય પૂર્વમાં પોતાની અત્યાર સુધીની સૌથી મોટી લશ્કરી જમાવટ શરૂ કરી દીધી: ન્યુઝ ફર્સ્ટ
હવામાં ઈંધણ પૂરતા ૧૦થી વધુ ટેન્કરો અને વિનાશક એફ-૧૫ સ્ટ્રાઈક ઈગલ્સની ફોજ તૈનાત; ઈઝરાયેલમાં થાડ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ગોઠવાઈ: વ્હાઈટ હાઉસના સૂત્રોનો ધડાકો: ટ્રમ્પનો પ્લાન માત્ર ઈરાન પૂરતો સીમિત નથી, એકસાથે અનેક મોરચે મોટી કાર્યવાહીના સંકેત

વોશિંગ્ટન/દાવોસ: સમગ્ર વિશ્વની નજર હાલમાં અમેરિકી રાષ્ટ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) માં ચાલી રહેલી ગંભીર લશ્કરી હિલચાલ પર ટકેલી છે. એક તરફ રાષ્ટ્રપતિ ટ્રમ્પ વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં ભાગ લેવા માટે સ્વિત્ઝર્લેન્ડના દાવોસ પહોંચ્યા છે, તો બીજી તરફ અમેરિકાએ મધ્ય પૂર્વમાં પોતાની અત્યાર સુધીની સૌથી મોટી લશ્કરી જમાવટ શરૂ કરી દીધી છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે આ હિલચાલ કોઈ સામાન્ય કવાયત નથી, પરંતુ મોટા યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે.
આકાશમાં રિફ્યુઅલિંગ ટેન્કરોનું જાળાં: યુદ્ધના સ્પષ્ટ સંકેત
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, હાલમાં મધ્ય પૂર્વના આકાશમાં અમેરિકાના ૧૦થી વધુ 'એર રિફ્યુઅલિંગ ટેન્કર્સ' (હવામાં ઈંધણ પૂરતા વિમાનો) એકસાથે ઉડી રહ્યા છે. સામાન્ય રીતે આ પ્રકારની ગતિવિધિ ત્યારે જ જોવા મળે છે જ્યારે ફાઈટર જેટ્સને લાંબા અંતરના મિશન પર અથવા કોઈ મોટા હવાઈ હુમલા માટે મોકલવાના હોય. આ ટેન્કરોની સાથે અમેરિકાના અત્યાધુનિક 'એફ-૧૫ સ્ટ્રાઈક ઈગલ્સ' ફાઈટર જેટ્સનું આખું સ્ક્વોડ્રન જોર્ડન અને અન્ય મધ્ય પૂર્વના બેઝ પર તૈનાત કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, યુએસએસ અબ્રાહમ લિંકન કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ (યુદ્ધ જહાજનો કાફલો) પણ ઈરાન તરફ આગળ વધી રહ્યો હોવાના અહેવાલો છે, જે દરિયાઈ માર્ગેથી પણ ઘાતક પ્રહારો કરવા સક્ષમ છે.
થાડ સિસ્ટમસ અને સંરક્ષણ કવચ મજબૂત
ઈરાન તરફથી સંભવિત જવાબી હુમલાને ધ્યાનમાં રાખીને અમેરિકાએ તાત્કાલિક ધોરણે ઈઝરાયેલમાં 'થાડ' (ટર્મિનલ હાઈ એલ્ટિટ્યુડ એરિયા ડિફેન્સ) મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ્સ તૈનાત કરી દીધી છે. આ સિસ્ટમ્સ દુશ્મનની બેલેસ્ટિક મિસાઈલોને વાતાવરણની બહાર જ તોડી પાડવા માટે વિશ્વમાં શ્રેષ્ઠ ગણાય છે. આ ડિપ્લોયમેન્ટ સૂચવે છે કે અમેરિકા માત્ર હુમલાની જ નહીં, પરંતુ મોટા પાયે રક્ષણાત્મક તૈયારીઓ પણ કરી ચૂક્યું છે.
વ્હાઈટ હાઉસના સૂત્રો: 'માત્ર ઈરાન નહીં, પ્લાન મોટો છે'
આ તમામ લશ્કરી ગતિવિધિઓ વચ્ચે વ્હાઈટ હાઉસના આંતરિક સૂત્રો દ્વારા મળતી માહિતીએ ભૌગોલિક રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રમ્પની આ તૈયારી માત્ર ઈરાન કે મધ્ય પૂર્વ પૂરતી સીમિત નથી. ટ્રમ્પ વહીવટીતંત્ર 'એક જ સમયે એકથી વધુ મોરચે' નિર્ણાયક કાર્યવાહી કરવાની યોજના બનાવી રહ્યું છે. જેમાં ગ્રીનલેન્ડ અને વેનેઝુએલા જેવા અન્ય વ્યૂહાત્મક વિસ્તારોનો પણ સમાવેશ થઈ શકે છે. દાવોસમાં ટ્રમ્પની હાજરી માત્ર આર્થિક ચર્ચાઓ માટે નથી, પરંતુ યુરોપ અને અન્ય સહયોગી દેશોને આ કડક સંદેશો આપવા માટે પણ હોઈ શકે છે કે અમેરિકા હવે આક્રમક વિદેશ નીતિ અપનાવી રહ્યું છે.
નિર્ણાયક સમય?
સ્વિત્ઝર્લેન્ડની બર્ફીલી ટેકરીઓ પરથી ટ્રમ્પ અને રણપ્રદેશમાં તૈનાત અમેરિકન સેના વચ્ચેનો આ તાલમેલ સૂચવે છે કે આગામી ૨૪થી ૪૮ કલાક અત્યંત નિર્ણાયક સાબિત થઈ શકે છે. શું આ માત્ર ઈરાન પર દબાણ લાવવાની રણનીતિ છે કે પછી ખરેખર કોઈ મોટી લશ્કરી કાર્યવાહીની શરૂઆત છે? તે હવે જોવું રહ્યું. પરંતુ, ડિજિટલ મીડિયા અને સેટેલાઇટ ડેટા પરથી જે ચિત્ર ઉપસી રહ્યું છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે અમેરિકાએ "વોર મોડ" (યુદ્ધ સ્થિતિ) ચાલુ કરી દીધું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
