<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

શંકરાચાર્ય વિવાદમાં અખિલેશ યાદવની એન્ટ્રી: ભાજપ પર પ્રહાર કરતા કહ્યું- ‘માફી માંગવાથી કોઈ નાનું નથી થઈ જતું, જગદ્ગુરુનું સ્થાન સૌથી ઊંચું’

સ્વામી અવિમુક્તેશ્વરાનંદને નોટિસ મળતા સપા સુપ્રીમો લાલઘૂમ: ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્’ કહી સરકારને ઘેરી - શંકરાચાર્ય પાસે પ્રમાણપત્ર માંગનારા પોતાની યોગ્યતા સાબિત કરે તેવી ફેંકી ચેલેન્જ

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા માઘ મેળામાં શંકરાચાર્યની પદવીને લઈને સર્જાયેલો વિવાદ હવે ઉગ્ર રાજકીય વળાંક લઈ રહ્યો છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદની ‘શંકરાચાર્ય’ પદવી પર પ્રશ્નો ઉઠાવીને પ્રશાસને તેમને જે નોટિસ ફટકારી છે, તેને લઈને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ મેદાનમાં આવ્યા છે. અખિલેશે સોશિયલ મીડિયા પર ભાજપ અને સરકારને આડે હાથ લેતા સ્પષ્ટ શબ્દોમાં માફી માંગવાની સલાહ આપી છે.
અખિલેશ યાદવે પોતાના તીખા તેવરમાં કહ્યું કે, "માફી માંગવાથી કોઈ વ્યક્તિ નાની નથી થઈ જતી. શંકરાચાર્ય અને જગદ્ગુરુનું સ્થાન સર્વોચ્ચ છે અને તેમની ગરિમાનું સન્માન થવું જોઈએ." તેમણે ભાજપના નેતાઓ પર પ્રહાર કરતા ઉમેર્યું કે, જે લોકો શંકરાચાર્ય પાસે પદવીના પ્રમાણપત્ર માંગી રહ્યા છે, તેમણે પહેલા પોતાનું પ્રમાણપત્ર જનતાને બતાવવું જોઈએ. અખિલેશના મતે ભાજપની વિચારધારા અત્યંત નીચે ઉતરી ગઈ છે.
પ્રયાગરાજ માઘ મેળામાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિબિરમાં શંકરાચાર્ય પદવીના ઉપયોગને લઈને અન્ય સંતો સાથે ઘર્ષણ થયું હતું.
વિવાદ વધતા પ્રશાસને અવિમુક્તેશ્વરાનંદને નોટિસ મોકલી જવાબ માંગ્યો હતો કે તેઓ કયા આધારે આ પદવીનો ઉપયોગ કરી રહ્યા છે.
એક તરફ જગદ્ગુરુ રામભદ્રાચાર્ય જેવા સંતો પ્રશાસનની કાર્યવાહીને યોગ્ય ગણાવી રહ્યા છે, જ્યારે બીજી તરફ અખિલેશ યાદવ જેવા રાજનેતાઓ તેને સનાતન ધર્મની સર્વોચ્ચ સંસ્થાનું અપમાન ગણાવી રહ્યા છે. 
આ વિવાદને કારણે માઘ મેળામાં ભક્તો અને સાધુ-સંતો વચ્ચે ચર્ચાનું બજાર ગરમ છે. અવિમુક્તેશ્વરાનંદે પ્રશાસનને પોતાનો લેખિત જવાબ તો મોકલી આપ્યો છે, પરંતુ અખિલેશ યાદવના નિવેદને આ ધાર્મિક મુદ્દાને આગામી ચૂંટણીઓ પહેલા મોટો રાજકીય મુદ્દો બનાવી દીધો છે.
વિપક્ષનો આરોપ છે કે સરકાર ધાર્મિક સંસ્થાઓમાં હસ્તક્ષેપ કરીને પોતાની મનમાની કરી રહી છે, જેનો વળતો જવાબ ભાજપ આપશે તે નક્કી છે

(6:58 PM IST)