<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

Zomato માં યુગ પરિવર્તન: દીપિંદર ગોયલે CEO પદ પરથી આપ્યું રાજીનામું, હવે બ્લિંકિટના અલ્બિંદર ઢીંડસા સંભાળશે કંપનીની કમાન!

નવા સાહસો અને પ્રયોગો કરવા માટે ગોયલે છોડી ગાદી: 1 ફેબ્રુઆરીથી અમલમાં આવશે નિર્ણય - શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે અલ્બિંદર ઢીંડસા બનશે 'ઈટરનલ' (Zomato ગ્રુપ) ના નવા બોસ

ગુરુગ્રામ :ભારતીય ફૂડ ડિલિવરી દિગ્ગજ કંપની Zomato ના સહ-સ્થાપક દીપિંદર ગોયલે ગ્રુપ CEO ના પદ પરથી રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા છે. કંપનીના નવા માળખા હેઠળ હવે બ્લિંકિટના સ્થાપક અલ્બિંદર ઢીંડસાને ગ્રુપના નવા CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. દીપિંદર ગોયલે શેરધારકોને પત્ર લખીને આ અંગેની સત્તાવાર જાણકારી આપી છે.
 દીપિંદરે જણાવ્યું કારણ: પોતાના રાજીનામા પાછળનું કારણ જણાવતા દીપિંદર ગોયલે કહ્યું કે, તેઓ હવે કેટલાક એવા નવા આઈડિયા અને પ્રયોગો પર કામ કરવા માંગે છે જે હાલની લિસ્ટેડ કંપનીની રણનીતિનો હિસ્સો નથી. તેમણે ઉમેર્યું કે, "લિસ્ટેડ કંપનીના CEO હોવાને કારણે હું એવા જોખમી પ્રયોગો કરી શકતો નથી જે શેરધારકોના હિતને અસર કરે. તેથી, આ નવા સાહસો પર કંપનીની બહાર રહીને કામ કરવું વધુ યોગ્ય છે."
 દીપિંદર ગોયલે અલ્બિંદર ઢીંડસાની ક્ષમતા પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે, બ્લિંકિટના અધિગ્રહણ બાદ તેને સફળતાપૂર્વક ચલાવવામાં અને નફાકારક સ્થિતિ સુધી લાવવામાં અલ્બિંદરનો મોટો હાથ છે. ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ થી અલ્બિંદર ગ્રુપના રોજિંદા કામકાજ અને વ્યાવસાયિક નિર્ણયો માટે સંપૂર્ણ જવાબદાર રહેશે. બીજી તરફ, શેરધારકોની મંજૂરી બાદ દીપિંદર ગોયલ કંપનીના વાઈસ ચેરમેન તરીકેની નવી ભૂમિકામાં જોવા મળશે.
 વર્ષ ૨૦૦૮માં પંકજ ચઢ્ઢા સાથે મળીને દીપિંદર ગોયલે 'ફૂડી-બે' (Foodiebay) નામે આ કંપનીની શરૂઆત કરી હતી, જે બાદમાં Zomato તરીકે જગપ્રસિદ્ધ થઈ. આજે કંપનીનો શેર ₹૨૮૩.૪૦ પર ટ્રેડ થઈ રહ્યો છે. આ મોટા ફેરફાર બાદ ગોયલના તમામ 'અનવેસ્ટેડ સ્ટોક ઓપ્શન્સ' (ESOP) પરત કંપનીના ખાતામાં ચાલ્યા જશે.
 અલ્બિંદર ઢીંડસાના નેતૃત્વમાં હવે Zomato અને Blinkit વચ્ચે વધુ ઊંડું જોડાણ જોવા મળી શકે છે. ક્વિક કોમર્સના વધતા ક્રેઝ વચ્ચે ઢીંડસાનો અનુભવ કંપનીને નવી ઊંચાઈએ લઈ જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

(6:57 PM IST)