હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ટેક જગતમાં મહાવિસ્ફોટ: સોનીએ ફેંસલો બદલ્યો! હવે ચાઈનીઝ દિગ્ગજ TCL બનાવશે 'Bravia' ટીવી, હોમ એન્ટરટેઈનમેન્ટમાં 51% હિસ્સો વેચાયો
સોની અને TCL વચ્ચે ઐતિહાસિક સમજૂતી: જાપાનીઝ બ્રાન્ડની શાન અને ચીની ટેકનોલોજીનો થશે સંગમ, 2027થી નવા અવતારમાં જોવા મળશે પ્રીમિયમ સ્માર્ટ ટીવી

બેંગલુરુ : સ્માર્ટ ટીવી અને હોમ એન્ટરટેઈનમેન્ટની દુનિયામાં આજે એક અત્યંત આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. વર્ષોથી પ્રીમિયમ ક્વોલિટી માટે જાણીતી જાપાનીઝ કંપની સોની (Sony) એ તેના હોમ એન્ટરટેઈનમેન્ટ બિઝનેસનો બહુમતી હિસ્સો ચીની દિગ્ગજ કંપની TCL ને સોંપવા માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ ડીલ બાદ હવે સોનીના વિશ્વવિખ્યાત 'BRAVIA' ટીવીના ઉત્પાદન અને સંચાલનમાં TCLની મોટી ભૂમિકા રહેશે.
51% હિસ્સા સાથે TCL હવે 'બોસ'
આ નવા સંયુક્ત સાહસ (Joint Venture) હેઠળ, TCL સોનીના હોમ એન્ટરટેઈનમેન્ટ બિઝનેસમાં 51 ટકા હિસ્સો ધરાવશે, જ્યારે સોની પાસે 49 ટકા હિસ્સો રહેશે. આનો સીધો અર્થ એ છે કે ભવિષ્યમાં સોનીના ટીવી અને ઓડિયો ઉપકરણોના ઉત્પાદન, ડિઝાઇનિંગ, વેચાણ અને લોજિસ્ટિક્સનું મુખ્ય સુકાન TCL ના હાથમાં રહેશે.
શા માટે લેવાયો આ નિર્ણય?
સોની કોર્પોરેશનના CEO કિમિયો માકીએ જણાવ્યું હતું કે, "અમે TCL ની કુશળતાનો ઉપયોગ કરીને ગ્રાહકોને વધુ આધુનિક અને મનમોહક વિઝ્યુઅલ અનુભવ આપવા માંગીએ છીએ." તો બીજી તરફ, TCL ના અધ્યક્ષ ડુ જુઆને આ ભાગીદારીને 'ટકાઉ વિકાસ માટેનું શક્તિશાળી પ્લેટફોર્મ' ગણાવ્યું છે. નિષ્ણાતો માને છે કે સોનીની બ્રાન્ડ વેલ્યુ અને TCL ની વિશાળ સપ્લાય ચેઇન તથા ઉત્પાદન ક્ષમતા મળીને બજારમાં સેમસંગ અને LG જેવા હરીફોને જોરદાર ટક્કર આપશે.
ક્યારથી શરૂ થશે નવી કામગીરી?
• માર્ચ 2026: બંને કંપનીઓ વચ્ચે તમામ કાયદાકીય અને બંધનકર્તા કરારો પૂર્ણ થશે.
• એપ્રિલ 2027: નવી સંયુક્ત સાહસ કંપની સત્તાવાર રીતે પોતાની કામગીરી શરૂ કરશે.
આ કરાર માત્ર ટીવી પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં હોમ ઓડિયો સાધનો અને ગ્રાહક સેવા (Customer Service) નો પણ સમાવેશ થાય છે. એટલે કે, હવે તમારા મનપસંદ સોની બ્રાવિયા ટીવીના સર્વિસ સેન્ટરનું સંચાલન પણ આ નવી ભાગીદારી હેઠળ થશે.
ગ્રાહકો પર શું થશે અસર?
ટેક એક્સપર્ટ્સનું માનવું છે કે આ ભાગીદારીથી સોનીના ટીવીની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે, કારણ કે TCL તેની ઓછી પડતર કિંમતે મોટા પાયે ઉત્પાદન કરવાની ક્ષમતા માટે જાણીતું છે. જોકે, સોનીના ચાહકો માટે સૌથી મોટો પ્રશ્ન એ રહેશે કે શું TCL હેઠળ પણ સોનીની એ 'પ્રીમિયમ પિક્ચર ક્વોલિટી' જળવાઈ રહેશે કે કેમ?









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
