સોનામાં મહાવિસ્ફોટ: ભાવ આભને આંબ્યા! પ્રતિ 10 ગ્રામ રૂ. 1.58 લાખની ઐતિહાસિક સપાટી વટાવી, ચાંદી પણ રૂ. 3.35 લાખને પાર
વૈશ્વિક અનિશ્ચિતતા અને ભૂ-રાજકીય તણાવની સીધી અસર: રોકાણકારો માટે સોનું બન્યું 'સેફ હેવન', આંતરરાષ્ટ્રીય બજારમાં પહેલીવાર ભાવ $4,800 પ્રતિ ઔંસને પાર

નવી દિલ્હી : દેશમાં સોના અને ચાંદીના ભાવમાં અકલ્પનીય તેજી જોવા મળી રહી છે. આજે બુધવારે બજાર ખુલતાની સાથે જ પીળી ધાતુએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. વૈશ્વિક બજારમાં વધતી જતી અસ્થિરતા અને આર્થિક ચિંતાઓને કારણે ભારતીય વાયદા બજાર (MCX) માં સોનાનો ભાવ રૂ. ૭,૭૭૪ ઉછળીને રૂ. ૧,૫૮,૩૩૯ પ્રતિ ૧૦ ગ્રામ ના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો છે. માત્ર ત્રણ જ દિવસમાં સોનાના ભાવમાં ૧૧ ટકાથી વધુનો તોતિંગ વધારો થયો છે.
કેમ ભડકે બળી રહ્યા છે ભાવ?
બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ તેજી પાછળ મુખ્યત્વે વૈશ્વિક ભૌગોલિક-રાજકીય (Geopolitical) કારણો જવાબદાર છે. અમેરિકાની ગ્રીનલેન્ડ પ્રત્યેની મહત્વાકાંક્ષા અને ટ્રમ્પ-યુગના ટેરિફને લઈને સર્જાયેલી કાયદાકીય અનિશ્ચિતતાએ રોકાણકારોમાં ડર પેદા કર્યો છે. પરિણામે, રોકાણકારો શેરબજાર જેવી જોખમી સંપત્તિ છોડીને સોના જેવી સુરક્ષિત સંપત્તિ (Safe Haven) તરફ વળ્યા છે.
ચાંદીમાં પણ 'રોકેટ' ગતિએ તેજી
માત્ર સોનું જ નહીં, પરંતુ ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે. સતત ત્રીજા દિવસે રેકોર્ડ બનાવતા ચાંદીના વાયદાનો ભાવ રૂ. ૧૧,૮૪૯ વધીને રૂ. ૩,૩૫,૫૨૧ પ્રતિ કિલોગ્રામ થયો છે. ઔદ્યોગિક માંગ અને કિંમતી ધાતુઓમાં વધતી જતી રોકાણકાર રુચિને કારણે ચાંદી પણ નવી ઊંચાઈઓ સર કરી રહી છે.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં શું છે સ્થિતિ?
આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સ (COMEX) પર સોનાનો વાયદો ઈતિહાસમાં પહેલીવાર $૪,૮૦૦ પ્રતિ ઔંસ ની સપાટી વટાવી ગયો છે. ફેબ્રુઆરી ડિલિવરી માટે સોનું $૪,૮૮૦ ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે. આ સાથે જ અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાની નબળાઈએ પણ સ્થાનિક બજારમાં બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે, જેનાથી આયાત મોંઘી થઈ છે.
નિષ્ણાતોનું શું કહેવું છે?
મહેતા ઇક્વિટીઝના રાહુલ કલાન્ત્રી જણાવે છે કે, "વૈશ્વિક ઇક્વિટી બજારોમાં વેચવાલી અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડાની શક્યતાઓને કારણે બુલિયન માર્કેટમાં આ તેજી જોવા મળી રહી છે." આવનારા દિવસોમાં જો વૈશ્વિક તણાવ ઓછો નહીં થાય, તો સોનું હજુ પણ નવા રેકોર્ડ બનાવી શકે છે.
સોનાની આ આસમાની તેજી જોતા સામાન્ય મધ્યમ વર્ગ માટે હવે ઘરેણાં ખરીદવા એક મોટું સ્વપ્ન સમાન બની રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
