<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

હિમશિખરો વચ્ચે ખેલાશે જંગ: લદ્દાખના લેહમાં ‘ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2026’નો ભવ્ય પ્રારંભ, 21 રાજ્યોના 1000 ખેલાડીઓ બરફ પર બતાવશે કસબ

માઈનસ ડિગ્રી તાપમાનમાં આઈસ હોકી અને સ્કેટિંગનો રોમાંચ: પહેલીવાર ફિગર સ્કેટિંગનો સમાવેશ, ઉદ્ઘાટન મેચમાં લદ્દાખની દીકરીઓએ તેલંગાણાને 19-1થી હરાવી મચાવી ધૂમ

લેહ: બરફની ચાદર ઓઢેલા લદ્દાખના લેહમાં ગઇકાલે ‘ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2026’ની છઠ્ઠી આવૃત્તિનો અદભૂત પ્રારંભ થયો છે. લેહના પ્રતિષ્ઠિત NDS સ્ટેડિયમ ખાતે આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર કવિન્દર ગુપ્તાએ હાજરી આપી રમતવીરોનો ઉત્સાહ વધાર્યો હતો. આ રમત મહોત્સવ લદ્દાખને વિશ્વના નકશા પર શિયાળુ રમતગમતના મુખ્ય મથક તરીકે સ્થાપિત કરવામાં માઈલસ્ટોન સાબિત થશે.
બરફ પર રમત અને સંસ્કૃતિનો સંગમ
ઉદ્ઘાટન પ્રસંગે લદ્દાખના સ્થાનિક કલાકારોએ પોતાની લોકકૃતિઓ રજૂ કરી હતી, જેમાં હિમાલયની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાની ઝલક જોવા મળી હતી. આ વર્ષે સ્પર્ધામાં ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આશરે ૧૦૦૦ જેટલા સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. લેહના ત્રણ મુખ્ય સ્થળો - NDS સ્ટેડિયમ, લદ્દાખ સ્કાઉટ્સ રેજિમેન્ટલ સેન્ટર અને ગુપુક પોન્ડ ખાતે આગામી ૨૬ જાન્યુઆરી સુધી આઈસ હોકી અને સ્કેટિંગની રોમાંચક સ્પર્ધાઓ જામશે.
પહેલો દિવસ: ગોલનો વરસાદ અને લદ્દાખનું પ્રભુત્વ
રમતના પહેલા જ દિવસે મહિલા આઈસ હોકીમાં જોરદાર મુકાબલા જોવા મળ્યા હતા.
•    લદ્દાખ વિ. તેલંગાણા: યજમાન લદ્દાખની ટીમે તેલંગાણાને ૧૯-૧ ના વિશાળ સ્કોરથી હરાવીને એકતરફી વિજય મેળવ્યો હતો. લદ્દાખની પદ્મ દેસલે એકલા હાથે ૫ ગોલ ફટકારીને મેદાન ગજવ્યું હતું.
•    ITBP વિ. રાજસ્થાન: ITBPની મહિલા ટીમે રાજસ્થાન પર ૬-૦થી પ્રભુત્વ જમાવ્યું હતું.
•    પુરૂષ શ્રેણી: ભારતીય સેના (Army) એ હિમાચલ પ્રદેશ સામેની હાઈ-વોલ્ટેજ મેચમાં ૫-૧થી જીત મેળવી હતી.
આ વર્ષનું ખાસ આકર્ષણ: ફિગર સ્કેટિંગ
ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સના ઇતિહાસમાં આ વર્ષે પહેલીવાર 'ફિગર સ્કેટિંગ' (Figure Skating) નો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓલિમ્પિક સ્તરની આ રમત હવે ભારતીય ખેલાડીઓ માટે નવા દ્વાર ખોલશે. કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ પણ આ આયોજન બદલ લદ્દાખ વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા છે અને ખેલાડીઓને શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રોત્સાહિત કર્યા છે.

(7:26 PM IST)