હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પાકિસ્તાની મંત્રીની ‘ફજેતી’: સંરક્ષણ પ્રધાને ‘નકલી’ પિઝા હટનું ઉદ્ઘાટન કર્યું, કંપનીએ કહ્યું- ‘અમારે આ રેસ્ટોરન્ટ સાથે કોઈ લેવાદેવા નથી!’
સિયાલકોટમાં ખ્વાજા આસિફનો ફિયાસ્કો: મંત્રીએ રિબન કાપીને ફોટા પડાવ્યા અને અસલી પિઝા હટે ઠાલવ્યો રોષ, સોશિયલ મીડિયા પર ‘પિઝા સિક્યુરિટી’ મુદ્દે ઉડી ભારે મજાક

સિયાલકોટ : પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા મુહમ્મદ આસિફ હાલમાં એક એવી ઘટનાને કારણે ચર્ચામાં છે જેણે આખા દેશમાં હાસ્યની લહેર ફેલાવી દીધી છે. સિયાલકોટ કેન્ટોનમેન્ટ વિસ્તારમાં મંત્રીએ ખૂબ જ ધામધૂમથી એક ‘પિઝા હટ’ આઉટલેટનું ઉદ્ઘાટન કર્યું હતું. જોકે, મંત્રી જેવી જ રિબન કાપીને પરત ફર્યા, કે તરત જ અસલી ‘પિઝા હટ પાકિસ્તાન’ કંપનીએ જાહેર નોટિસ બહાર પાડીને આ આઉટલેટને નકલી અને છેતરપિંડી ગણાવી દીધું હતું.
રિબન કપાઈ અને પોલ ખુલી ગઈ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ખ્વાજા આસિફ હસતા મુખે ફૂલોના હાર અને ભીડ વચ્ચે નવી રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન કરતા જોવા મળે છે. પરંતુ આ આનંદ લાંબો સમય ટક્યો નહીં. પિઝા હટ પાકિસ્તાને તુરંત જ સ્પષ્ટતા કરી કે, "સિયાલકોટમાં જે આઉટલેટ ખુલ્યું છે તે અનધિકૃત છે. તે અમારી બ્રાન્ડ કે ‘યમ! બ્રાન્ડ્સ’ (Yum! Brands) સાથે કોઈ સંબંધ ધરાવતું નથી. ત્યાં ખાદ્ય સુરક્ષાના કોઈ પ્રોટોકોલ પણ પાળવામાં આવતા નથી."
સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો વરસાદ
આ ઘટના બાદ માઇક્રોબ્લોગિંગ સાઇટ X (અગાઉનું ટ્વિટર) પર મંત્રી ખ્વાજા આસિફની ભારે મજાક ઉડી રહી છે. નેટિઝન્સ વિવિધ પ્રકારની કોમેન્ટ્સ કરીને મંત્રી પર કટાક્ષ કરી રહ્યા છે:
• એક યુઝરે લખ્યું: "રાષ્ટ્રીય સુરક્ષાની વાત તો ઠીક, મંત્રી તો પિઝાની સિક્યુરિટીમાં પણ ફેલ ગયા!"
• બીજાએ મજાક કરી: "પાકિસ્તાનમાં હવે પિઝા પણ નકલી મળવા લાગ્યા છે, અને મંત્રીઓ તેનું ઉદ્ઘાટન પણ કરે છે."
• ત્રીજાએ કટાક્ષ કર્યો: "રિબન કાપતા પહેલા કમસે કમ ગુગલ તો કરી લેવું હતું!"
કંપનીએ કરી કાયદેસરની કાર્યવાહી
પિઝા હટ પાકિસ્તાને વધુમાં જણાવ્યું હતું કે તેમણે ટ્રેડમાર્કનો દુરુપયોગ કરવા બદલ સંબંધિત અધિકારીઓ પાસે ઔપચારિક ફરિયાદ નોંધાવી છે. કંપનીએ સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાનમાં તેમના માત્ર ૧૬ સત્તાવાર આઉટલેટ્સ છે (૧૪ લાહોરમાં અને ૨ ઇસ્લામાબાદમાં). સિયાલકોટમાં અત્યારે તેમનું કોઈ અધિકૃત સ્ટોર નથી.
મંત્રીની પ્રતિષ્ઠાને મોટો ધક્કો
સંરક્ષણ પ્રધાન જેવા જવાબદાર પદ પર હોવા છતાં, કોઈ પણ પ્રકારની તપાસ કર્યા વિના નકલી ફ્રેન્ચાઇઝીનું ઉદ્ઘાટન કરવા બદલ ખ્વાજા આસિફ વિરોધ પક્ષોના નિશાના પર પણ આવ્યા છે. લોકો પૂછી રહ્યા છે કે જે મંત્રી એક રેસ્ટોરન્ટની સત્યતા તપાસી શકતા નથી, તે દેશની સુરક્ષા કેવી રીતે તપાસશે?









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
