<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

ટ્રમ્પનો ‘પાવર શો’: સત્તાના એક વર્ષની ઉજવણીમાં ‘365 દિવસ-365 જીત’નો દાવો, ભારત-પાક પરમાણુ યુદ્ધ રોક્યાનો રાગ આલાપ્યો

વ્હાઇટ હાઉસમાં બે કલાક સુધી ચાલ્યું હાઈ-વોલ્ટેજ ડ્રામા: મેક્સિકોના અખાતનું નામ બદલીને ‘ટ્રમ્પનો અખાત’ રાખવાની મજાક, નોબેલ શાંતિ પુરસ્કાર ન મળતા ડેનમાર્ક અને ગ્રીનલેન્ડ પર કાઢ્યો ભડાસ

વોશિંગ્ટન : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પરત ફર્યાના એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે એક અત્યંત યાદગાર અને વિવાદાસ્પદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આશરે બે કલાક ચાલેલા આ સંબોધનમાં ટ્રમ્પ પોતાની સાથે કાગળોનો એક મોટો ઢગલો લાવ્યા હતા, જેને તેમણે "365 દિવસમાં 365 જીત" નામ આપ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે 20 જાન્યુઆરી, 2025થી અત્યાર સુધીમાં તેમણે દરરોજ એક નવી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.
 
ભારત-પાકિસ્તાન મુદ્દે મોટો દાવો: "મેં 1 કરોડ લોકોના જીવ બચાવ્યા"
પોતાના સંબોધનમાં ટ્રમ્પે દક્ષિણ એશિયાના બે પરમાણુ શક્તિ ધરાવતા દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે દાવો કર્યો કે મે 2025માં બંને દેશો વચ્ચે થયેલા ઉગ્ર યુદ્ધ દરમિયાન (જેમાં આઠ વિમાનો તોડી પડાયા હતા) તેમણે મધ્યસ્થી કરીને પરમાણુ યુદ્ધ ટાળ્યું હતું. ટ્રમ્પે કહ્યું, "પાકિસ્તાનના વડાપ્રધાને મને કહ્યું હતું કે મારા કારણે 10 મિલિયન (1 કરોડ) લોકોના જીવ બચ્યા છે. આટલું કર્યા પછી પણ મને નોબેલ શાંતિ પુરસ્કાર મળતો નથી!"
નોબેલ પુરસ્કાર અને ગ્રીનલેન્ડનું ગણિત
ટ્રમ્પે નોર્વે અને ડેનમાર્ક પર પ્રહારો કરતા કહ્યું કે તેઓ નોબેલ શાંતિ પુરસ્કારના હકદાર છે કારણ કે તેમણે આઠ વૈશ્વિક યુદ્ધો રોક્યા છે. તેમણે મજાકિયા અને કટાક્ષભર્યા લહેકામાં કહ્યું કે ડેનમાર્કનો ગ્રીનલેન્ડ વિસ્તાર ખરીદવાના તેમના પ્રયાસો પણ નોબેલ સમિતિને ગમ્યા નથી. તેમણે વધુમાં મેક્સિકોના અખાતનું (Gulf of Mexico) નામ બદલીને 'ટ્રમ્પનો અખાત' રાખવાની ઈચ્છા વ્યક્ત કરીને સૌને ચોંકાવી દીધા હતા.
 
ઈમિગ્રન્ટ્સ પર પ્રહાર અને મગશોટનો ડ્રામા
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે ફરી એકવાર પોતાનું આક્રમક વલણ બતાવ્યું હતું:
•    ચિત્રો ફેંક્યા: સંબોધનની શરૂઆતમાં તેમણે ગુનાખોરીમાં સામેલ ઈમિગ્રન્ટ્સના મગશોટ (ફોટા) બતાવ્યા અને ભાષણ પૂરું થયા પછી તે ફોટા ફ્લોર પર ફેંકી દીધા હતા.
•    સોમાલી નાગરિકોની ટીકા: તેમણે મિનેસોટામાં રહેતા સોમાલી ઈમિગ્રન્ટ્સને નિશાન બનાવ્યા અને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.
•    લશ્કરી શાસનનો શોખ: તેમણે અમેરિકાના શહેરોમાં નેશનલ ગાર્ડ અને લશ્કરની તૈનાતીનું સમર્થન કરતા કહ્યું કે, "જ્યારે રસ્તા પર સૈનિકો હોય ત્યારે શહેર વધુ સારું લાગે છે."
 
બિડેન અને 2020ની ચૂંટણી પર નિશાન
પોતાના પુરોગામી જો બિડેન પર પ્રહાર કરતા ટ્રમ્પે ફરી જૂનો રાગ આલાપ્યો કે 2020ની ચૂંટણીમાં ગોટાળા થયા હતા અને તેમની પાસેથી જીત ચોરી લેવામાં આવી હતી. તેમણે પોતાની ઉપલબ્ધિઓમાં શાવર હેડની ગુણવત્તા સુધારવાથી લઈને ઈમિગ્રેશન ઘટાડવા સુધીની તમામ બાબતોને ગણાવી હતી.
દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ માટે રવાના થતા પહેલા ટ્રમ્પે આ લાંબી પ્રેસ કોન્ફરન્સ દ્વારા દુનિયાને બતાવવાનો પ્રયાસ કર્યો કે તેઓ હજુ પણ પાવરફુલ ફોર્મમાં છે.

(7:31 PM IST)