ટ્રમ્પની ‘ગ્રીનલેન્ડ’ જીદ સામે મેક્રોન લાલચોળ: ‘ફ્રાન્સ ગુંડાઓ સામે નહીં ઝૂકે’, વાઇન અને શેમ્પેન પર 200% ટેરિફની ધમકીથી યુરોપમાં રોષ
દાવોસમાં મેક્રોનની ગર્જના: અમેરિકાના ‘બળજબરીના રાજકારણ’નો જડબાતોડ જવાબ આપશે યુરોપ, ટ્રમ્પે મેક્રોનના પર્સનલ ચેટ જાહેર કરતા રાજદ્વારી મર્યાદાઓ લપેટાઈ

દાવોસ : સ્વિટ્ઝર્લેન્ડના બરફીલા પહાડોમાં આયોજિત 'વર્લ્ડ ઇકોનોમિક ફોરમ' (WEF) માં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે મોરચો માંડ્યો છે. ટ્રમ્પ દ્વારા ડેનમાર્ક પાસેથી ગ્રીનલેન્ડ પડાવી લેવાની જીદ અને ફ્રેન્ચ પ્રોડક્ટ્સ પર ૨૦૦% ટેરિફ લાદવાની ધમકીને મેક્રોને 'ગુંડાગીરી' ગણાવી છે. મેક્રોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "ફ્રાન્સ અને યુરોપ ક્યારેય મજબૂતના કાયદાને નિષ્ક્રિયપણે સ્વીકારશે નહીં."
શું છે આખો વિવાદ?
ડોનાલ્ડ ટ્રમ્પ આર્કટિક ક્ષેત્રમાં આવેલા ગ્રીનલેન્ડ ટાપુને હસ્તગત કરવા માંગે છે. જો યુરોપિયન યુનિયન આ સોદો ન થવા દે, તો ટ્રમ્પે ૧ ફેબ્રુઆરીથી ફ્રેન્ચ વાઇન, શેમ્પેન અને અન્ય યુરોપિયન સામાન પર ૨૦૦% જેટલો તોતિંગ ટેરિફ લાદવાની પ્રતિજ્ઞા લીધી છે. આને યુરોપના દેશો 'આર્થિક બ્લેકમેલ' ગણાવી રહ્યા છે.
'ટ્રેડ બાઝુકા' છોડવાની તૈયારીમાં યુરોપ
મેક્રોને માત્ર નિવેદન જ નથી આપ્યું, પરંતુ અમેરિકાને વળતો પ્રહાર કરવાની ચેતવણી પણ આપી છે. યુરોપિયન યુનિયન તેના 'એન્ટી-કોર્સન ટૂલ' (Anti-Coercion Tool) અથવા "ટ્રેડ બાઝુકા" નો ઉપયોગ કરવાનું વિચારી રહ્યું છે. આ અંતર્ગત:
• અમેરિકન ટેક કંપનીઓ અને સેવાઓ પર પ્રતિબંધ લાદવામાં આવી શકે છે.
• ૯૩ અબજ યુરોના યુએસ માલ પર વળતો ટેરિફ લાગુ થઈ શકે છે.
• જાહેર ટેન્ડરોમાં અમેરિકી કંપનીઓની એન્ટ્રી મર્યાદિત કરી શકાય છે.
પર્સનલ મેસેજ વાયરલ થતા વિવાદ વકર્યો
રાજદ્વારી શિષ્ટાચારને બાજુ પર મૂકીને ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર મેક્રોન સાથેની ખાનગી વાતચીતનો સ્ક્રીનશોટ શેર કરી દીધો છે. જેમાં મેક્રોન ગ્રીનલેન્ડ મુદ્દે આશ્ચર્ય વ્યક્ત કરતા જોવા મળે છે. આ ઘટનાએ બંને નેતાઓ વચ્ચેના સંબંધોમાં ભારે ખટાશ ઊભી કરી છે. મેક્રોને તો ત્યાં સુધી કહી દીધું કે તેઓ ટ્રમ્પના સ્વાગત માટે દાવોસમાં પોતાનો રોકાણ લંબાવશે નહીં અને નક્કી કરેલા સમયે જ પરત ફરશે.
આગામી પગલું: બ્રસેલ્સમાં કટોકટી સમિટ
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પના દબાણ અને વેપાર યુદ્ધની સ્થિતિની ચર્ચા કરવા માટે યુરોપિયન નેતાઓએ આ ગુરુવારે બ્રસેલ્સમાં કટોકટી સમિટ બોલાવી છે. યુરોપ હવે અમેરિકા સામે એક થઈને લડવા માટે મક્કમ દેખાઈ રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
