<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

નિકાસકારો માટે સોનાનો સૂરજ: હવે પોસ્ટ ઓફિસથી સામાન વિદેશ મોકલો અને મેળવો સરકારી ફાયદા, MSME અને કારીગરો માટે ‘ગ્લોબલ’ બનવાની સુવર્ણ તક

બંદર કે એરપોર્ટ જવાની પળોજણમાંથી મુક્તિ: 1000થી વધુ ‘ડાક ઘર નિકાસ કેન્દ્રો’ પર ટેક્સમાં છૂટછાટ અને ડ્યુટી બેનિફિટ્સ શરૂ, નાના વેપારીઓના ઉત્પાદનો હવે વિશ્વભરમાં ગુંજશે

નવી દિલ્હી : ભારતના નાના નિકાસકારો, કારીગરો અને સ્ટાર્ટ-અપ્સ માટે કેન્દ્ર સરકારે એક ઐતિહાસિક ભેટ આપી છે. અત્યાર સુધી જે નિકાસ લાભો (Export Benefits) માત્ર મોટા બંદરો કે એરપોર્ટ દ્વારા વેપાર કરતા લોકોને જ મળતા હતા, તે હવે સામાન્ય પોસ્ટ ઓફિસ દ્વારા નિકાસ કરનારાઓને પણ મળશે. સંચાર મંત્રાલયે જાહેરાત કરી છે કે ભારતીય પોસ્ટ દ્વારા માલ વિદેશ મોકલતા લોકો હવે ડ્યુટી ડ્રોબેક અને વિવિધ કર માફી જેવી સરકારી યોજનાઓનો સીધો લાભ લઈ શકશે.
 
નાના વેપારીઓને કેવી રીતે થશે મોટો ફાયદો?
અત્યાર સુધી સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો (MSME) માટે નિકાસની પ્રક્રિયા જટિલ હતી. પરંતુ ૧૫ જાન્યુઆરીથી અમલમાં આવેલા નવા નિયમો મુજબ, પોસ્ટલ ચેનલ દ્વારા નિકાસ કરનારાઓને નીચે મુજબના લાભ મળશે:
•    ડ્યુટી ડ્રોબેક: નિકાસ કરેલા માલ પર ભરેલી ડ્યુટી પરત મળશે.
•    ટેક્સમાં માફી: નિકાસ કરેલા ઉત્પાદનો પર લાગતા વિવિધ કેન્દ્રીય અને રાજ્ય સ્તરના કરવેરા (RoDTEP અને RoSCTL) માં છૂટછાટ મળશે.
•    સરળ પ્રક્રિયા: ખાનગી કુરિયરના મોંઘા ખર્ચ વગર હવે સરકારી માધ્યમથી સસ્તામાં માલ વિદેશ મોકલી શકાશે.
 
‘ડાક ઘર નિકાસ કેન્દ્રો’ (DNK): એક જ છત નીચે તમામ સુવિધા
આ પહેલને સફળ બનાવવા માટે પોસ્ટ વિભાગ અને કસ્ટમ્સ વિભાગ (CBIC) એ મળીને દેશભરમાં ૧,૦૦૦ થી વધુ ‘ડાક ઘર નિકાસ કેન્દ્રો’ (Dak Ghar Niryat Kendras) કાર્યરત કર્યા છે. આ કેન્દ્રો પર વેપારીઓને:
૧. એન્ડ-ટુ-એન્ડ નિકાસ સુવિધા મળશે.
૨. દૂરના ગ્રામીણ વિસ્તારોના કારીગરો પણ પોતાના ઉત્પાદનો સીધા વૈશ્વિક બજાર સુધી પહોંચાડી શકશે.
૩. ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયા ઝડપી બનશે.
 
વોકલ ફોર લોકલને મળશે વેગ
મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પગલું ખાસ કરીને એવા કારીગરો અને નાના નિકાસકારો માટે ગેમ-ચેન્જર સાબિત થશે જેઓ ઓછા મૂલ્યના પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે માંગ ધરાવતા સામાન (જેમ કે હસ્તકલા, આયુર્વેદિક ઉત્પાદનો કે કપડાં) માટે પોસ્ટલ નેટવર્ક પર નિર્ભર છે. આનાથી ભારતની નિકાસ ક્ષમતામાં અનેકગણો વધારો થવાની અપેક્ષા છે.

(7:34 PM IST)