<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

દક્ષિણ કોરિયામાં લોકશાહીનો વિજય: માર્શલ લો લાદવાના ગુનામાં ભૂતપૂર્વ વડાપ્રધાન હાનને 23 વર્ષની જેલ, કોર્ટે કહ્યું- ‘તમે દેશને અંધકારમાં ધકેલ્યો’

ફરિયાદીઓએ 15 વર્ષ માંગ્યા અને જજે ફટકારી 23 વર્ષની સજા: બળવાખોર રાષ્ટ્રપતિ યૂનના ‘જમણા હાથ’ ગણાતા હાન હવે જેલના સળિયા ગણશે, વિશ્વભરના સરમુખત્યારો માટે મોટો બોધપાઠ

સિઓલ : દક્ષિણ કોરિયાની ન્યાયપ્રણાલીએ આજે એક ઐતિહાસિક ચુકાદો આપીને સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. ડિસેમ્બર ૨૦૨૪માં દેશમાં ગેરકાયદેસર રીતે ‘માર્શલ લો’ (લશ્કરી શાસન) જાહેર કરવાના અને સત્તા પલટાવવાના પ્રયાસ બદલ ભૂતપૂર્વ વડાપ્રધાન હાન ડક-સૂને ૨૩ વર્ષની સખત જેલની સજા ફટકારવામાં આવી છે. ૭૬ વર્ષીય હાન દક્ષિણ કોરિયાના ઇતિહાસના પ્રથમ એવા કેબિનેટ મંત્રી બન્યા છે જેમને બળવાખોરીના આરોપમાં આવી આકરી સજા થઈ હોય.
 
કોર્ટે કેમ સંભળાવી આટલી કડક સજા?
સિઓલ સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશે ચુકાદો આપતા અત્યંત આકરા શબ્દોનો પ્રયોગ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન તરીકે હાન પાસે લોકશાહીની રક્ષા કરવાની જવાબદારી હતી, પરંતુ તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલના ‘ટોપ-ડાઉન બળવા’માં સાથ આપવાનું પસંદ કર્યું.
•    ષડયંત્રમાં ભૂમિકા: હાને કેબિનેટ બેઠકનો એવો માહોલ ઊભો કર્યો જેથી માર્શલ લોની જાહેરાત સરળ બને.
•    સંસદ પર રોક: તેમણે બળવાના ભાગરૂપે સંસદ જેવી લોકશાહી સંસ્થાઓના કામકાજમાં અવરોધ ઊભો કરવાની યોજનાઓ બનાવી હતી.
•    ન્યાયાધીશની ટિપ્પણી: "પ્રતિવાદીએ અંધકારમય ભૂતકાળમાં પાછા ફરવાનો ભય ઊભો કર્યો, જે દેશને ફરી સરમુખત્યારશાહી તરફ ધકેલી શકતો હતો."
 
માંગણી કરતા પણ વધુ સજા: એક દુર્લભ કિસ્સો
સામાન્ય રીતે કોર્ટ ફરિયાદી પક્ષ દ્વારા માંગવામાં આવેલી સજા કરતા ઓછી સજા આપતી હોય છે, પરંતુ આ કેસમાં ઉલટું જોવા મળ્યું. ફરિયાદીઓએ હાન માટે ૧૫ વર્ષની જેલની માંગ કરી હતી, પરંતુ ગુનાની ગંભીરતા જોતા ન્યાયાધીશે ૨૩ વર્ષની જેલ ફટકારી છે. ચુકાદો સાંભળ્યા બાદ હાનને તરત જ કોર્ટરૂમમાંથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
 
હવે રાષ્ટ્રપતિ યૂનનો વારો?
આ ચુકાદાએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલની મુશ્કેલીઓ વધારી દીધી છે. યૂન અત્યારે આઠ અલગ-અલગ કેસનો સામનો કરી રહ્યા છે અને તેમને ગયા અઠવાડિયે જ એક કેસમાં ૫ વર્ષની જેલ થઈ ચૂકી છે. પરંતુ, ૧૯ ફેબ્રુઆરીએ તેમના પર 'બળવાના મુખ્ય સૂત્રધાર' હોવાના ગંભીર આરોપમાં ચુકાદો આવવાનો છે, જેમાં ફરિયાદીઓએ મૃત્યુદંડની માંગ કરી છે.
આ ચુકાદો દક્ષિણ કોરિયાની જનતા માટે લોકશાહીના રક્ષણનો વિજય માનવામાં આવી રહ્યો છે. શહેરમાં ઠેર-ઠેર લોકો ટીવી પર આ સમાચાર જોઈ ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

(7:39 PM IST)