<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

લંડનની હાઈકોર્ટમાં પ્રિન્સ હેરીની સિંહગર્જના: ડેઈલી મેઈલ સામેના જંગમાં બીજીવાર સાક્ષીના પાંજરામાં ઉતર્યા, મીડિયા પર લગાવ્યા ‘ગંદી યુક્તિઓ’ અજમાવવાના ગંભીર આરોપ!

એલ્ટન જોન સહિતના દિગ્ગજો પણ મેદાનમાં: 30 વર્ષ જૂના જાસૂસી કાંડનો મામલો ગરમાયો - પ્રકાશકે હેરીના મિત્રોને ગણાવ્યા ‘બાતમીદાર’, જ્યારે રાજકુમારે કહ્યું- ‘હું 3 વર્ષથી આ ક્ષણની રાહ જોતો હતો’

લંડન  : બ્રિટનનો રાજવી પરિવાર ફરી એકવાર કોર્ટના પગથિયે છે. પ્રિન્સ હેરી બુધવારે લંડનની હાઈકોર્ટમાં 'ડેઈલી મેઈલ'ના પ્રકાશક એસોસિએટેડ ન્યૂઝપેપર્સ સામેના હાઈ-પ્રોફાઈલ પ્રાઈવસી કેસમાં પુરાવા આપવા માટે સાક્ષી બોક્સમાં હાજર થયા હતા. ૪૧ વર્ષીય ડ્યુક ઓફ સસેક્સ ત્રણ વર્ષમાં બીજી વખત કોર્ટમાં સાક્ષી તરીકે દેખાયા છે, જે બ્રિટિશ ઇતિહાસમાં એક દુર્લભ ઘટના માનવામાં આવે છે.
 
શું છે સમગ્ર વિવાદ?
પ્રિન્સ હેરી અને પ્રખ્યાત ગાયક એલ્ટન જોન સહિત સાત જેટલા દિગ્ગજોએ ડેઈલી મેઈલના પ્રકાશક પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમની કાનૂની ટીમનો દાવો છે કે ૧૯૯૦ના દાયકાથી ૨૦૧૦ સુધી અખબારે તેમની ખાનગી માહિતી મેળવવા માટે અત્યંત ‘ગંદા રસ્તાઓ’ અપનાવ્યા હતા:
•    ફોન હેકિંગ: વૉઇસમેઇલ સંદેશાઓ ચોરીછૂપીથી સાંભળવા.
•    જાસૂસી: લેન્ડલાઇન ફોનમાં ‘બગ’ (ચિપ) લગાવીને વાતો રેકોર્ડ કરવી.
•    બ્લેગિંગ: છેતરપિંડી દ્વારા ખાનગી અને તબીબી વિગતો મેળવવી.
 
કોર્ટમાં જામી રસાકસી
કોર્ટમાં જ્યારે હેરીને પૂછવામાં આવ્યું કે તેમને કઈ રીતે સંબોધવામાં આવે, ત્યારે તેમણે મક્કમતાથી કહ્યું, "છેલ્લી વખતની જેમ જ." બીજી તરફ, પ્રકાશક એસોસિએટેડ ન્યૂઝપેપર્સે આ તમામ આરોપોને "અયોગ્ય બકવાસ" ગણાવ્યા છે. તેમનું કહેવું છે કે હેરીના જ સામાજિક વર્તુળના મિત્રો અને પરિચિતો તેમની માહિતી ‘લીક’ કરતા હતા અને અખબારે કંઈ પણ ગેરકાયદે કર્યું નથી.
 
હેરીને ઘેરવા માટે છેલ્લી ઘડીએ ફેરફાર?
પ્રિન્સ હેરી મૂળ ગુરુવારે પુરાવા આપવાના હતા, પરંતુ પ્રકાશકની ટીમે પોતાની દલીલો વહેલી પૂરી કરી દેતા હેરીને ૨૪ કલાક પહેલા જ બોલાવી લેવાયા હતા. હેરીની ટીમના સૂત્રોના જણાવ્યા મુજબ, "પ્રકાશકે હેરીને તૈયારી માટે ઓછો સમય મળે તે હેતુથી આ 'ગંદી રમત' રમી છે, પરંતુ રાજકુમાર છેલ્લા ત્રણ વર્ષથી આ દિવસ માટે તૈયાર છે."
નવ અઠવાડિયા સુધી ચાલનારો આ ખટલો બ્રિટિશ ટેબ્લોઇડ પત્રકારત્વના ભવિષ્ય માટે અત્યંત મહત્વનો સાબિત થઈ શકે છે.

(7:41 PM IST)