<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

મનાલીમાં ઉત્સાહનો ઉમંગ: વિન્ટર કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ, બરફીલા પહાડો વચ્ચે હિમાચલી સંસ્કૃતિના રંગો ખીલ્યા!

મુખ્યમંત્રી સુખુએ કરાવી શરૂઆત: 250 મહિલાઓનું ‘મહાનતી’ નૃત્ય અને ‘વિન્ટર ક્વીન’ સ્પર્ધા બનશે આકર્ષણનું કેન્દ્ર - પ્રવાસીઓથી ઉભરાયું મનાલી, રિવરફ્રન્ટ પ્રોજેક્ટની પણ થઈ જાહેરાત

મનાલી : જ્યારે આખું ઉત્તર ભારત કકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યું છે, ત્યારે હિમાચલ પ્રદેશનું મનાલી એક અનોખા ઉત્સવના રંગે રંગાયું છે. મંગળવાર, ૨૧ જાન્યુઆરીથી પ્રખ્યાત 'મનાલી વિન્ટર કાર્નિવલ 2026'નો વિધિવત પ્રારંભ થયો છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ આ ચાર દિવસીય સાંસ્કૃતિક મહાકુંભને લીલી ઝંડી બતાવી છે. આ ઉત્સવ જોવા માટે દેશ-વિદેશના હજારો પ્રવાસીઓ મનાલીના મોલ રોડ પર ઉમટી પડ્યા છે.
 
પરંપરા અને આધુનિકતાનો સંગમ
વર્ષ ૧૯૭૭થી શરૂ થયેલી આ પરંપરા આજે હિમાચલના સૌથી મોટા શિયાળુ ઉત્સવોમાંની એક બની ગઈ છે. ૨૦ થી ૨૪ જાન્યુઆરી સુધી ચાલનારા આ કાર્નિવલમાં હિમાચલી સંસ્કૃતિની ઝલક જોવા મળશે.
•    મુખ્ય આકર્ષણ: ઉત્સવનું સૌથી મોટું આકર્ષણ ‘મહાનતી’ પ્રદર્શન છે, જેમાં ૪૫ મહિલા જૂથોની આશરે ૨૫૦ મહિલાઓ પરંપરાગત રંગબેરંગી પોશાક પહેરીને મોલ રોડ પર ‘નાટી’ નૃત્ય રજૂ કરશે.
•    સ્પર્ધાઓ: ૨૧ થી ૨૩ જાન્યુઆરી દરમિયાન ‘વિન્ટર ક્વીન’ અને ‘વોઇસ ઓફ કાર્નિવલ’ જેવી રોમાંચક સ્પર્ધાઓ યોજાશે, જે પ્રવાસીઓમાં ભારે લોકપ્રિય છે.
 
મુખ્યમંત્રીની મોટી જાહેરાત
ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતા જણાવ્યું કે, આ કાર્નિવલ પર્યટનને નવી ઓળખ આપશે. તેમણે મનાલી માટે મહત્વની જાહેરાતો પણ કરી:
૧. મનાલીમાં ₹૨૫૦ કરોડના ખર્ચે ‘રિવરફ્રન્ટ પ્રોજેક્ટ’ વિકસાવવામાં આવશે.
૨. ભૂસ્ખલન રોકવા માટે સોલાંગ અને કરાલ ગામોને ₹૨૫-૨૫ લાખની સહાય આપવામાં આવશે.
૩. હિમાચલને સાહસિક અને આધ્યાત્મિક પર્યટનનું ‘ગ્લોબલ હબ’ બનાવવાનો સરકારનો લક્ષ્યાંક છે.
 
મોલ રોડ પર સાંસ્કૃતિક મેળો
મનાલીનો પ્રખ્યાત મોલ રોડ અત્યારે જીવંત બની ગયો છે. આશરે ૩૦૦ મહિલા સંગઠનો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને ભવ્ય ટેબ્યુ (ઝાંખીઓ) કાઢી રહ્યા છે. મનુ રંગશાળામાં લોક નૃત્યો, ફૂડ ફેસ્ટિવલ, શેરી નાટકો અને એડવેન્ચર સ્પોર્ટ્સની જમાવટ જોવા મળી રહી છે.
આ કાર્નિવલ માત્ર મનોરંજન જ નહીં, પણ હિમાચલની સમૃદ્ધ વિવિધતા અને પરંપરાઓને જીવંત રાખવાનું એક સશક્ત માધ્યમ છે.

(7:42 PM IST)