<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

દાવોસમાં ટ્રમ્પની ગર્જના: ‘યુરોપ હવે ઓળખાય તેમ નથી, તે અંત તરફ જઈ રહ્યું છે’, અમેરિકાને વિશ્વનું ‘આર્થિક એન્જિન’ ગણાવીને મિત્ર દેશોને પણ સંભળાવી દીધું!

ગ્રીનલેન્ડના મુદ્દે ડેનમાર્કને કહ્યું ‘કૃતઘ્ન’: વ્યૂહાત્મક સુરક્ષા માટે ગ્રીનલેન્ડ અમેરિકા માટે અનિવાર્ય હોવાનો ટ્રમ્પનો દાવો - નાટો (NATO) ના ખર્ચ મુદ્દે ફરી મિત્ર દેશોને લીધા આડેહાથ

દાવોસ (સ્વિટ્ઝર્લેન્ડ)  : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં વિશ્વભરના નેતાઓ અને ઉદ્યોગપતિઓને સંબોધિત કરતા યુરોપની વર્તમાન સ્થિતિ પર આકરા પ્રહારો કર્યા છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, યુરોપના અમુક સ્થળો હવે ઓળખી શકાય તેવી સ્થિતિમાં રહ્યા નથી અને તે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું નથી. તેમણે ઉમેર્યું કે, "હું કોઈનું અપમાન કરવા નથી માંગતો, પણ યુરોપમાં જે થઈ રહ્યું છે તે ખૂબ જ નકારાત્મક છે."
 
અમેરિકા: પૃથ્વીનું આર્થિક એન્જિન
ટ્રમ્પે અમેરિકાની આર્થિક શક્તિનું પ્રદર્શન કરતા કહ્યું કે, યુએસએ આજે પૃથ્વી પરનું સૌથી મોટું આર્થિક એન્જિન છે.
•    વૈશ્વિક પ્રભાવ: જ્યારે અમેરિકામાં તેજી આવે છે, ત્યારે આખી દુનિયામાં તેજી આવે છે.
•    આર્થિક ચમત્કાર: તેમણે અન્ય દેશોને પણ અમેરિકાની આર્થિક નીતિઓનું અનુસરણ કરવાની સલાહ આપી હતી જેથી તેઓ પણ પોતાના નાગરિકોનું જીવનધોરણ સુધારી શકે.
•    ઊર્જા ક્ષેત્રે દબદબો: ટ્રમ્પે દાવો કર્યો કે વિશ્વની દરેક મોટી તેલ કંપની હવે અમેરિકા સાથે જોડાઈ રહી છે અને અમેરિકા પરમાણુ ઊર્જામાં ઘણું આગળ વધી ગયું છે.
 
ગ્રીનલેન્ડ અને ડેનમાર્ક પર આકરા પ્રહારો
બીજા વિશ્વયુદ્ધ પછી ગ્રીનલેન્ડ ડેનમાર્કને પાછું આપવાના નિર્ણયને ટ્રમ્પે ‘મૂર્ખામી’ ગણાવી હતી.
•    ડેનમાર્ક પર નિશાન: ટ્રમ્પે કહ્યું કે અમેરિકાએ ડેનમાર્ક માટે લડાઈ લડી અને ગ્રીનલેન્ડને દુશ્મનોથી બચાવ્યું, છતાં આજે ડેનમાર્ક ‘કૃતઘ્ન’ (Ungrateful) વ્યવહાર કરી રહ્યું છે.
•    વ્યૂહાત્મક મહત્વ: ગ્રીનલેન્ડ માત્ર ખનિજો માટે નહીં, પરંતુ રશિયા અને ચીન સામે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખૂબ જ મહત્વનું લોકેશન છે.
 
નાટો (NATO) પર અસંતોષ
ટ્રમ્પે ફરી એકવાર નાટો સંગઠનની ટીકા કરતા કહ્યું કે અમેરિકા આ સંગઠનમાં ઘણું બધું આપે છે પણ બદલામાં તેને ખૂબ ઓછું મળે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે રક્ષણના નામે અમેરિકા હવે બીજા દેશોનો બોજ વેંઢારવા તૈયાર નથી. વેનેઝુએલાના મુદ્દે પણ તેમણે કહ્યું કે નિકોલસ માદુરોને પકડ્યા પછી દેશે સોદો કરવાની ઓફર કરી હતી.

(9:51 PM IST)