<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st January 2026

સંભલ હિંસાનો માસ્ટરમાઇન્ડ શારિક સાઠા હવે પોલીસની ‘રેડ કોર્નર’ નોટિસ પર: કરોડોની મિલકત જપ્ત, દુબઈમાં બેઠા-બેઠા ગેંગ ચલાવતા ગેંગસ્ટર સામે ઈન્ટરપોલની મદદ લેવાશે!

દુબઈ-પાકિસ્તાન કનેક્શન અને સોનાની તસ્કરીમાં સંડોવાયેલો શારિક ચાર રાજ્યોનો છે મોસ્ટ વોન્ટેડ - પોલીસે ઘર ટાંચમાં લેવાની પ્રક્રિયા શરૂ કરતા પરિવારજનોમાં ફફડાટ, સંભલ પોલીસનું સૌથી મોટું ઓપરેશન

સંભલ : ઉત્તર પ્રદેશના સંભલમાં નવેમ્બર ૨૦૨૪માં ફાટી નીકળેલી હિંસાના કથિત માસ્ટરમાઇન્ડ શારિક સાઠા વિરુદ્ધ યુપી પોલીસે અભૂતપૂર્વ કાર્યવાહી શરૂ કરી છે. સંભલના એસપી કે.કે. બિશ્નોઈએ આજે ખુલાસો કર્યો હતો કે શારિક કોઈ સામાન્ય ગુનેગાર નથી, પરંતુ ચાર રાજ્યોની પોલીસ માટે માથાનો દુખાવો બનેલો મોસ્ટ-વોન્ટેડ ગેંગસ્ટર છે. પોલીસ હવે તેની સ્થાવર મિલકતો કુર્ક (જપ્ત) કરવાની સાથે તેને ભારત પાછો લાવવા માટે 'રેડ કોર્નર નોટિસ' જાહેર કરવાની તૈયારી કરી રહી છે.
પોલીસ તપાસમાં શારિક સાઠાની કાળી કુંડળીના અનેક ચોંકાવનારા પાસાઓ સામે આવ્યા છે:
દુબઈ કનેક્શન: તે હાલ દુબઈમાં રહીને પોતાનું નેટવર્ક ચલાવી રહ્યો છે અને ત્યાંથી જ સંભલ હિંસાનું ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ છે.
સોનાની તસ્કરી: શારિકના પાકિસ્તાન સાથેના તાર અને સોનાની ગેરકાયદે તસ્કરીમાં તેની મોટી સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.
તે યુપી સહિત ચાર રાજ્યોમાં વોન્ટેડ છે. પોલીસ તેને દુબઈથી પકડી લાવવા ઈન્ટરપોલની મદદ લેવા માટે કાર્યવાહી કરી રહી છે.
 બુધવારે પોલીસ કાફલો શારિકના ઘરે પહોંચ્યો હતો અને તેની મિલકતો ટાંચમાં લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી. એસપી બિશ્નોઈએ જણાવ્યું હતું કે, હિંસા ફેલાવનારા કોઈ પણ આરોપીને છોડવામાં આવશે નહીં. જોકે, કાર્યવાહી દરમિયાન શારિકના પરિવારના સભ્યોએ દાવો કર્યો હતો કે તેના પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે અને તેને ફસાવવામાં આવી રહ્યો છે.
નવેમ્બર ૨૦૨૪માં થયેલી સંભલ હિંસામાં શારિક સાઠાએ સોશિયલ મીડિયા અને પોતાના સ્થાનિક ગેંગસ્ટરો દ્વારા ભીડને ઉશ્કેરી હોવાના પુરાવા પોલીસને મળ્યા છે. સોનાની તસ્કરી અને હવાલા દ્વારા કમાયેલા નાણાંનો ઉપયોગ હિંસા ફેલાવવા માટે કરવામાં આવ્યો હોવાની આશંકા પણ સેવવામાં આવી રહી છે.

(9:46 PM IST)