હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM

નવી દિલ્હી,તા.૨૨: ગુજરાત રાજ્યના નાના-મોટા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે બદલાતા સમયની સાથોસાથ જીવનશૈલી બદલાઈ છે અને લોકોની જરૂરિયાતો પણ વધી રહી છે ત્યારે ગુજરાતીઓમાં બેંકોમાંથી પર્સનલ લોન લેવાનું ચલણ ઝડપથી વધ્યું છે. RBI તાજેતરના આંકડાઓ મુજબ, છેલ્લા બે દાયકામાં વ્યક્તિગત લોન ના ગ્રોથ રેટમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. અર્થાત વર્ષ ૨૦૦૬થી ૨૦૨૫ દરમિયાન પર્સનલ લોનનો ‘વાર્ષિક ચક્રવૃદ્ધિ વૃદ્ધિ દર' (CAGR) ગુજરાતમાં સૌથી વધુ ૧૮.૧ ટકા નોંધાયો છે. જે દર પર્સનલ લોન લેવાની ૧૫ ટકાની રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણો વધારે છે. જે સાબિત કરે છે કે, ગુજરાતીઓ દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં બેન્કિંગ સુવિધાઓનો ઉપયોગ પર્સનલ ફાઇનાન્સ માટે વધુ કરી રહ્યા છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં ગુજરાતીઓએ બેંકોમાંથી રુ. ૪ લાખ કરોડ કરતાં વધુ રકમની પર્શનલ લોન લીધી છે. જેનો છેલ્લા ૨૦ વર્ષનો ગ્રોથ રેટ ૧૮.૧ ટકા જેટલો રહ્યો છે.
RBI ના રિપોર્ટ મુજબ બેંકોમાં કુલ બાકી પર્સનલ લોનની રકમના મામલે ગુજરાત દેશના ટોચના ૫ રાજ્યોમાં સામેલ છે. જેમાં (૧) મહારાષ્ટ્ર (૨) આંધ્રપ્રદેશ (૩) તેલંગાણા અને (૪) કર્ણાટક બાદ ગુજરાતનો નંબર ૫મો છે પરંતુ બેકોમાંથી પર્સનલ લોન લેવાનો જે દર છે, તે ભારતમાં સરેરાશ ૧૫ ટકા છે પરંતુ આ દર ગુજરાતમાં ૧૮.૧ ટકા જેટલો છે અર્થાત ગુજરાતે દેશના અન્ય ૪ રાજ્યો કરતાં ઓછી પર્સનલ લોન ભલે લીધી છે પરંતુ આ લોન લેવાનો વૃધ્ધિ દર દેશમાં અન્ય તમામ રાજ્યો કરતાં વધુ એટલે કે નંબર-૧ છે. ગુજરાતમાં ઉદ્યોગોના વિકાસની સાથે સાથે લોકોની જીવનશૈલીમાં પણ પરિવર્તન આવ્યું છે.
શિક્ષણ, પ્રવાસ, ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અને અન્ય વ્યક્તિગત જરૂરિયાતો માટે લોન લેવાનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકો દ્વારા લોન આપવાની પ્રક્રિયા સરળ બનતા મધ્યમ વર્ગના પરિવારોમાં પર્સનલ લોન લોકપ્રિય બની છે. સમગ્ર ભારતમાં પર્સનલ લોનનો આંકડો વર્ષ ૨૦૨૫માં રુ.૫૮,૨૨,૨૩૨ કરોડ પર પહોંચી ગયો છે. આ સ્થિતિ દર્શાવે છે કે, ગુજરાતીઓ હવે માત્ર બચત કરવામાં જ નહીં પણ જરૂરિયાત મુજબ લોન લઈને આર્થિક વ્યવહારો કરવામાં પણ દેશમાં સૌથી વધુ ગતિશીલ સાબિત થઈ રહ્યા છે.
પર્સનલ લોનના વધેલા પ્રમાણના સંકેત શું છે ?
પર્સનલ લોનમાં વૃદ્ધિ એ બાબતને સાબિત કરે છે કે, ગુજરાતમાં ‘સેવિગ્સ માઇન્ડસેટ' (બચત કરવાની વૃત્તિ)ની સાથે હવે ‘સ્પેન્ડિંગ માઇન્ડસેટ' (ખર્ચ કરવાની વૃત્તિ) પણ પ્રબળ બની છે
લોકો હવે જીવનધોરણ સુધારવા, ગેજેટ્સ, ટ્રાવેલ અને લાઈફસ્ટાઈલ પાછળ ખર્ચ કરવા માટે લોન લેતા અચકાતા નથી, જેથી રાજ્યમાં રિટેલ માર્કેટ અને સર્વિસ સેક્ટરને મોટું પ્રોત્સાહન મળી રહ્યું છે
ગુજરાતના ૧૮.૧ ટકાના વાર્ષિક ચક્રવૃદ્ધિ વૃદ્ધિ દર, ૧૫ ટકાની રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ છે, જે દર્શાવે છે કે, રાજ્યનો મધ્યમ અને ઉચ્ચ-મધ્યમ વર્ગ આર્થિક રીતે વધુ સધ્ધર અને મહત્વાકાંક્ષી બન્યો છે
બેંકો પણ ગુજરાતના ગ્રાહકોની રિ-પેમેન્ટ ક્ષમતા (લોન પરત કરવાની શક્તિ) પર વધુ ભરોસો મૂકી રહી છે, જે ભવિષ્યમાં રાજ્યમાં ક્રેડિટ ફલો-નાણાકીય પ્રવાહને હજુ વધારશે
ગુજરાતમાં શહેરીકરણનો દર ઊંચો છે અને ફિનટેક એપ્સ અને ડિજિટલ બેન્કિંગના વ્યાપને કારણે નાના શહેરોમાં પણ પર્સનલ લોન મેળવવી સરળ બની છે જોકે, પર્સનલ લોન એ ‘અનસિક્યોર્ડ લોન' હોય છે, જો ગ્રોથ રેટ આ જ રીતે ખૂબ ઊંચો રહે અને તેની સામે આવકમાં તેટલો વધારો ન થાય, તો લાંબા ગાળે ડેટ-ટ્રેપ (દેવાની જાળ)નું જોખમ પણ ઊભું થઈ શકે છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 9:30 AM