પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજાએ ‘નકલી પિત્ઝા હટ'નું ઉદઘાટન કર્યું
પડોશી દેશની વૈશ્વિક ફજેતી, સોશિયલ મીડિયા પર મજાકભર્યા મીમ્સ વાયરલ

ઈસ્લામાબાદ,તા.૨૨: પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ એક વિચિત્ર વિવાદમાં ફસાઈ ગયા છે. તેમણે સિયાલકોટ કેન્ટોનમેન્ટમાં પિત્ઝા હટ બ્રાન્ડના નામે ચાલતા એક આઉટલેટનું ઉદ્ધાટન કર્યું હતું, પરંતુ થોડા કલાકોમાં જ પિત્ઝા હટ કંપનીએ જાહેરાત કરવી પડી કે, આ આઉટલેટ ‘નકલી' છે.
સોશિયલ મીડિયા પર ઉદ્ધાટનની તસવીરો અને વિડિયો વાયરલ થતાં જ પિત્ઝા હટ-પાકિસ્તાને નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરી કે આ આઉટલેટ સાથે કંપનીનો કોઈ સંબંધ નથી.
વાયરલ તસવીરો અને વિડિયોમાં ખ્વાજા આસિફ સિયાલકોટ કેન્ટોનમેન્ટમાં બનેલા આઉટલેટની રીબીન કાપતા જોવા મળી રહ્યા છે. તેમણે હાથમાં કાતર લઈને કેમેરા સામે પોઝ પણ આપ્યો હતો. આ મામલો સામે આવતા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લોકો મજાક ઉડાવી રહ્યા છે.
એક યુઝરે લખ્યું કે, ‘‘સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે સિયાલકોટમાં એક નકલી પિત્ઝા હટ ફ્રેન્ચાઇઝીનું ઉદ્ધાટન કર્યું. આવા મૂર્ખ વૃદ્ધો આપણાં પર ઠોકી બેસાડવામાં આવ્યા છે.''
બીજા એક યુઝરે વ્યંગ કરીને લખ્યું કે, ‘‘જ્યારે પિત્ઝા હટ પોતે જ કહી દે કે આ અમારી સ્લાઇસ નથી.''
આ દરમિયાન, પિત્ઝા હટ-પાકિસ્તાને સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, ‘‘સિયાલકોટ કેન્ટોનમેન્ટમાં ખુલેલી આ રેસ્ટોરન્ટ પિત્ઝા હટના નામ અને બ્રાન્ડનો દુરુપયોગ કરી રહી છે. આ આઉટલેટ અમારી સાથે જોડાયેલું નથી અને તે પિત્ઝા હટ ઇન્ટરનેશનલની રેસીપી, ગુણવત્તા પ્રોટોકોલ, ફૂડ સેફટી અને ઓપરેશનલ સ્ટાન્ડર્ડ્સનું પાલન કરતું નથી. ટ્રેડમાર્કના દુરુપયોગને રોકવા અમે સંબંધિત અધિકારીઓ સમક્ષ ઔપચારિક ફરિયાદ નોંધાવી છે અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.''









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
