હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાશ્મીરમાં જોખમી અને પ્રતિબંધિત વિસ્તારોમાં ફરવા જતા પ્રવાસીઓ સાવધાન: પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ લાલબત્તી ધરી

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં પ્રવાસન ઉદ્યોગ ફરી એકવાર ધમધમતો થયો છે, પરંતુ તેની સાથે નવી ચિંતાઓ પણ ઉભી થઈ છે. ગયા વર્ષે ૨૨ એપ્રિલના રોજ પહેલગામમાં થયેલી હિંસાની ઘટના બાદ, કાશ્મીરનું જનજીવન અને પ્રવાસન હવે ધીરે-ધીરે પાટા પર આવી રહ્યું છે. જોકે, પ્રવાસીઓમાં સાહસવૃત્તિ અને બરફવર્ષા જોવાનો ઉત્સાહ એટલો વધી ગયો છે કે તેઓ અજાણતા જ પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. કાશ્મીર પોલીસ અને સુરક્ષા તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે એક ગંભીર ચેતવણી જાહેર કરવામાં આવી છે, જેમાં તેમને પ્રતિબંધિત અને સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાતા વિસ્તારોથી દૂર રહેવા તાકીદ કરવામાં આવી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, કાશ્મીરના એવા ઘણા વિસ્તારો છે જે હજુ પણ સુરક્ષિત માનવામાં આવતા નથી, તેમ છતાં પ્રવાસીઓ ત્યાં જવાનો આગ્રહ રાખે છે. ખાસ કરીને ગુલમર્ગ જેવા લોકપ્રિય સ્થળોએ બરફની મજા માણવાની લ્હાયમાં પ્રવાસીઓ એવા અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચી જાય છે, જે નિયંત્રણ રેખા (એલઓસી) ની ખૂબ જ નજીક છે. આ બાબત સુરક્ષા એજન્સીઓ માટે માથાનો દુખાવો બની છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, પ્રવાસીઓ જાતે આવા સ્થળોએ નથી જતા, પરંતુ સ્થાનિક ટૂર ઓપરેટરો, ગાઈડ અને સ્નો સ્કૂટર કે એટીવી બાઇક ચલાવનારાઓ થોડા પૈસાની લાલચમાં પ્રવાસીઓને આવા પ્રતિબંધિત વિસ્તારોમાં લઈ જાય છે.
આ ગંભીર બેદરકારીને પગલે પોલીસે તાજેતરમાં જ ટૂર ઓપરેટરો અને ગાઈડ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી અને તેમને આવા ગેરકાયદેસર કૃત્યોથી દૂર રહેવા કડક શબ્દોમાં ચેતવણી આપી છે. સુરક્ષા અધિકારીઓનું માનવું છે કે કાશ્મીરમાં સામાન્ય થઈ રહેલી સ્થિતિ પાકિસ્તાન અને આતંકવાદી તત્વોને ખૂંચી રહી છે. તેઓ પ્રવાસીઓને નિશાન બનાવીને ફરીથી ભયનો માહોલ ઉભો કરવાની ફિરાકમાં હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળની ઘટનાઓ બાદ ૫૦ જેટલા પ્રવાસન સ્થળો પર પ્રતિબંધ મુકાયો હતો, જેમાંથી હાલ માત્ર ૭ થી ૮ સ્થળો પર જ જવાની પરવાનગી આપવામાં આવી છે. બાકીના સ્થળો હજુ પણ અસુરક્ષિત છે અને ત્યાં દરેક ડગલે સુરક્ષા પૂરી પાડવી વ્યવહારિક રીતે શક્ય નથી. આથી, પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક અઘોષિત પાબંદીઓ અમલમાં છે, જેનું પાલન કરવું અનિવાર્ય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
