હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈન્ડોનેશિયાની ગુફામાંથી મળ્યું વિશ્વનું સૌથી પ્રાચીન ૬૭,૮૦૦ વર્ષ જૂનું ‘લાલ પંજા’નું ચિત્ર: માનવ સર્જનાત્મકતાનો ઈતિહાસ બદલાશે
યુરોપ નહિ પણ એશિયામાં કલાનો ઉદય થયો હોવાના મજબૂત પુરાવા: સ્પેનના રેકોર્ડ કરતા પણ ૧,૧૦૦ વર્ષ જૂનું ચિત્ર હોવાનો સંશોધકોનો દાવો: સાદા હાથના નિશાનને કલાત્મક રીતે ‘ક્લો’ એટલે કે પંજા જેવો આકાર અપાયો છે: મનુષ્યની વૈચારિક શક્તિ અને કલ્પનાનો અનોખો પુરાવો

માનવ ઈતિહાસ અને કલાના ઉદભવ અંગેની અત્યાર સુધીની સમજને ધરમૂળથી બદલી નાખે તેવી એક શોધ ઈન્ડોનેશિયામાં થઈ છે. સંશોધકોને ઈન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ નજીક આવેલી લિયાંગ મેટન્ડુનો નામની ગુફામાંથી એક હાથનું ચિત્ર (સ્ટેન્સિલ) મળી આવ્યું છે, જે વિશ્વનું સૌથી જૂનું ગુફાચિત્ર હોવાનું જાહેર થયું છે.
વૈજ્ઞાનિકોના મતે આ લાલ રંગના પંજાનું ચિત્ર ઓછામાં ઓછું ૬૭,૮૦૦ વર્ષ જૂનું છે. આ શોધે સાબિત કરી દીધું છે કે કલા અને અમૂર્ત વિચારોની શરૂઆત યુરોપમાં નહીં, પરંતુ તેના ઘણા સમય પહેલા એશિયા અને આફ્રિકાના મૂળ નિવાસીઓમાં થઈ ચૂકી હતી.
આ ચિત્રની ખાસિયત એ છે કે તે માત્ર હાથની છાપ નથી. કોઈ આદિમાનવે ગુફાની દિવાલ પર હાથ રાખીને મોઢામાંથી રંગ છાંટીને આ આકાર બનાવ્યો હતો, પરંતુ ત્યારબાદ તેણે આંગળીઓના આકારમાં કલાત્મક ફેરફાર કરીને તેને કોઈ પ્રાણી કે પક્ષીના તીક્ષ્ણ પંજા (ક્લો) જેવો દેખાવ આપ્યો હતો.
ગ્રીફિથ યુનિવર્સિટીના પ્રોફેસર આદમ બ્રુમ અને નેચર જર્નલમાં પ્રકાશિત અહેવાલ મુજબ, આ દર્શાવે છે કે તે સમયના માનવીમાં ‘સિમ્બોલિક ઈમેજિનેશન’ એટલે કે પ્રતીકાત્મક કલ્પનાશક્તિ વિકસેલી હતી.
અત્યાર સુધી સ્પેનની ગુફામાં મળેલા ૬૬,૭૦૦ વર્ષ જૂના ચિત્રને સૌથી પ્રાચીન માનવામાં આવતું હતું, પરંતુ આ નવું ચિત્ર તેના કરતા પણ ૧,૧૦૦ વર્ષ જૂનું છે.
આ શોધ માત્ર કલા પૂરતી સીમિત નથી, પરંતુ માનવ સ્થળાંતરના ઈતિહાસ પર પણ નવો પ્રકાશ પાડે છે. સુલાવેસી ટાપુ એશિયાથી ઓસ્ટ્રેલિયા જવાના માર્ગ પર આવેલો છે. સંશોધકોનું માનવું છે કે જો અહીં ૬૭,૮૦૦ વર્ષ પહેલાં હોમો સેપિયન્સ (આધુનિક માનવી) આટલી જટિલ કળા જાણતા હતા, તો તેનો અર્થ એ થયો કે મનુષ્યો ધારણા કરતાં વહેલા, એટલે કે લગભગ ૬૫,૦૦૦ વર્ષ પહેલાં જ ઓસ્ટ્રેલિયા ખંડ (જેને તે સમયે સાહુલ કહેવાતું હતું) પહોંચી ગયા હશે.
આ શોધ યુરોપિયન ‘બિગ બેંગ’ થીયરીને ખોટી પાડે છે, જેમાં એવું માનવામાં આવતું હતું કે કલા અને સંસ્કૃતિનો એકાએક વિસ્ફોટ યુરોપમાં થયો હતો. વાસ્તવમાં, સર્જનાત્મકતા એ મનુષ્યનો જન્મજાત સ્વભાવ રહ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
