હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યાદવ પરિવારમાં ‘સોશિયલ મીડિયા’ યુદ્ધ: છૂટાછેડાની અફવાઓ પર અપર્ણા યાદવનો પલટવાર, કહ્યું- "ષડયંત્રખોરો તૈયાર રહે!"
પતિ પ્રતીક યાદવની વિવાદાસ્પદ પોસ્ટ બાદ અપર્ણાનું મૌન તૂટ્યું— રાજકીય સફળતા અને સામાજિક સક્રિયતાને કારણે બદનામ કરવાનું કાવતરું હોવાનો આક્ષેપ

લખનૌ: ઉત્તર પ્રદેશના સૌથી હાઈપ્રોફાઈલ રાજકીય પરિવાર એવા યાદવ પરિવારમાં અત્યારે પારિવારિક તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર પ્રતીક યાદવની એક સોશિયલ મીડિયા પોસ્ટ બાદ શરૂ થયેલા ‘છૂટાછેડા’ ના વિવાદ પર હવે ભાજપ નેતા અને યુપી મહિલા આયોગના ઉપાધ્યક્ષ અપર્ણા યાદવે પહેલીવાર ખુલીને નિવેદન આપ્યું છે. અપર્ણાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, આ માત્ર અફવા નથી પણ તેમને માનસિક રીતે તોડવાનું અને બદનામ કરવાનું એક આયોજિત ષડયંત્ર છે.
પ્રતીક યાદવની તે પોસ્ટ... જેણે હોબાળો મચાવ્યો
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે પ્રતીક યાદવના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરવામાં આવી, જેમાં તેમણે અપર્ણાને ‘સ્વાર્થી’ અને ‘પરિવાર તોડનારી’ મહિલા ગણાવી છૂટાછેડા લેવાની જાહેરાત કરી હતી. આ પોસ્ટમાં પ્રતીકે પોતાની માનસિક સ્થિતિ સારી ન હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જોકે, અપર્ણાના નજીકના લોકોનું કહેવું છે કે પ્રતીકનું એકાઉન્ટ હૅક કરવામાં આવ્યું છે અને આ પોસ્ટ કોઈ અન્ય દ્વારા કરવામાં આવી છે.
"હું ડરવાની નથી" - અપર્ણાનો હુંકાર
એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં અપર્ણા યાદવે કહ્યું કે, "જ્યારે કોઈ મહિલા પોતાના વિચારો પર અડગ રહે છે, ત્યારે તેને નબળી પાડવા માટે તેના અંગત જીવનનો સહારો લેવામાં આવે છે. મને ડર નથી, કારણ કે મેં કાવતરાખોરોને ઓળખી લીધા છે અને ટૂંક સમયમાં જ તેમનો અસલી ચહેરો દુનિયા સમક્ષ આવશે." તેમણે વધુમાં ઉમેર્યું કે, સત્ય લાંબો સમય છુપાવી શકાતું નથી.
શું આ રાજકીય કિન્નાખોરી છે?
અપર્ણા યાદવે આ વિવાદને તેમના કામ સાથે જોડ્યો છે. તેમણે સંકેત આપ્યો કે તાજેતરમાં તેમણે મહિલા આયોગમાં રહીને જે રીતે ધર્માંતરણના કેસોમાં કડક વલણ અપનાવ્યું અને મુંબઈની ચૂંટણીઓમાં ભાજપ માટે જે રીતે સક્રિય રહીને સફળતા અપાવી, તેનાથી ઘણા લોકો નારાજ છે. વિરોધીઓ હવે તેમની રાજકીય શક્તિને ખતમ કરવા માટે તેમના પરિવારનો ઉપયોગ કરી રહ્યા હોય તેવું તેમનું માનવું છે.
સમયની કસોટી પર સંબંધો
૨૦૧૧માં ભવ્ય લગ્નગ્રંથિથી જોડાયેલા પ્રતીક અને અપર્ણા યાદવ વચ્ચેના સંબંધોમાં શું ખરેખર ખટાશ આવી છે કે પછી આ સોશિયલ મીડિયા હૅકિંગનો મામલો છે, તે તો આવનાર સમય જ કહેશે. હાલ પૂરતું તો અપર્ણા યાદવે મક્કમતા બતાવીને સાબિત કર્યું છે કે તે કોઈ પણ પડકાર સામે ઝૂકવા તૈયાર નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
