હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચંદીગઢ મેયરની ચૂંટણીમાં મોટો ભડકો: ફોર્મ ભરવાના અંતિમ દિવસે જ AAP-કોંગ્રેસનું ગઠબંધન તૂટ્યું, હવે જંગ જામશે ત્રિપાંખિયો!
"દેશ લૂંટનારાઓ સાથે દોસ્તી નહીં"— આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને આડેહાથ લીધી, એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાતથી ભાજપની જીતની આશા વધી

ચંદીગઢ: ચંદીગઢ મેયરની ચૂંટણીમાં અત્યારે હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. જે ગઠબંધનની ચર્ચાઓ છેલ્લા ત્રણ દિવસથી જોરશોરથી ચાલતી હતી, તે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે જ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસે હવે એકબીજાનો સાથ છોડીને મેયર, સીનિયર ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયર એમ ત્રણેય પદો પર એકલા લડવાની જાહેરાત કરી દીધી છે. આ અચાનક બદલાયેલા સમીકરણોએ રાજકીય પંડિતોને પણ ચોંકાવી દીધા છે.
ગઠબંધન કેમ તૂટ્યું? ‘આપ’ના આકરા પ્રહાર
આમ આદમી પાર્ટીના નેતા અનુરાગ ઢાંડાએ અત્યંત આક્રમક વલણ અપનાવતા કહ્યું કે, "કોંગ્રેસ સાથે અમારું કોઈ ગઠબંધન નથી અને ક્યારેય થઈ પણ શકે નહીં. કોંગ્રેસ અને ભાજપે મળીને આ દેશને લૂંટ્યો છે." બીજી તરફ, ચંદીગઢ કોંગ્રેસના પ્રમુખ એચ.એસ. લકીએ પણ પુષ્ટિ કરી છે કે તેઓ હવે ગઠબંધનનો હિસ્સો નથી અને ત્રણેય બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારશે. અગાઉ એવી સમજૂતી થઈ હતી કે મેયર પદ ‘આપ’ પાસે રહેશે અને બાકીના બે પદો કોંગ્રેસ પાસે, પરંતુ અંતિમ ઘડીએ બધું જ વિખેરાઈ ગયું.
સીટોનું ગણિત: ભાજપ માટે રસ્તો સાફ?
ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ ૩૫ કાઉન્સિલરો અને એક સાંસદ મળીને કુલ ૩૬ મતો છે. બહુમતી માટે ૧૯ મતોની જરૂર છે. અત્યારે ભાજપ પાસે ૧૮ મત છે, જ્યારે કોંગ્રેસ પાસે ૭ અને ‘આપ’ પાસે ૧૧ મત છે. જો કોંગ્રેસ અને ‘આપ’ સાથે હોત તો ભાજપ સામે ટક્કર બરાબરીની (૧૮-૧૮) થઈ હોત, પરંતુ હવે ત્રણેય પક્ષો અલગ લડતા હોવાથી ભાજપનો હાથ ઉપર દેખાઈ રહ્યો છે.
રહસ્યમય રીતે ગુમ થયેલો કાઉન્સિલર!
ચૂંટણી પહેલા જ એક નવો વળાંક આવ્યો છે— આમ આદમી પાર્ટીનો એક કાઉન્સિલર રહસ્યમય રીતે ગુમ થયો છે. જો આ કાઉન્સિલર ભાજપના પક્ષમાં જાય છે, તો ભાજપ પાસે બહુમતીનો ૧૯નો આંકડો સરળતાથી પૂરો થઈ જશે. ‘આપ’ના નેતાઓ આ મામલે અત્યારે મૌન સેવી રહ્યા છે, જેના કારણે રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની છે.
૨૯ જાન્યુઆરીએ ફેંસલો
મેયર પદ માટે યોગેશ ઢીંગરા (AAP), જ્યારે અન્ય પદો માટે મુન્નાવર ખાન અને જસવિંદર કૌરે નામાંકન ભર્યા છે. આગામી ૨૯ જાન્યુઆરીએ મતદાન થશે. આ વખતે ખાસ વાત એ છે કે મતદાન ગુપ્ત નહીં, પરંતુ ‘હાથ ઊંચા કરીને’ (Show of hands) કરવામાં આવશે, જેથી ક્રોસ વોટિંગની શક્યતા નહિવત્ રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
