<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

બેંગલુરુ એરપોર્ટ પર સુરક્ષાના નામે ‘શરમજનક’ કૃત્ય: દક્ષિણ કોરિયન મહિલાની છેડતી કરનાર ગ્રાઉન્ડ સ્ટાફની ધરપકડ

ચેક-ઇનના બહાને વિદેશી મહિલાને પુરુષોના વોશરૂમ પાસે લઈ જઈ અડપલાં કર્યા— CCTV ફૂટેજમાં કરતૂત કેદ થતા એર ઇન્ડિયા SATS એ કર્મચારીને તાત્કાલિક નોકરીમાંથી હાંકી કાઢ્યો

બેંગલુરુ: દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ્સમાંના એક એવા બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (KIAL) પર સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કરતી એક ઘટના સામે આવી છે. એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફના એક કર્મચારીએ સુરક્ષા તપાસના બહાને દક્ષિણ કોરિયન મહિલા મુસાફરની જાતીય સતામણી કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી કર્મચારી અફાન અહેમદની ધરપકડ કરી લીધી છે.
સુરક્ષા તપાસના બહાને રચ્યું કાવતરું
ઘટના ૧૯ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ બની હતી. પીડિત મહિલા પોતાના વતન દક્ષિણ કોરિયા જવા માટે એરપોર્ટ પહોંચી હતી. ઇમિગ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ, આરોપી અફાન અહેમદે તેને અટકાવી અને દાવો કર્યો કે તેની બેગમાંથી ‘બીપ’ અવાજ આવી રહ્યો છે. તેણે મહિલાને ડરાવી કે જો કાઉન્ટર પર તપાસ થશે તો ફ્લાઇટ ચૂકી જવાની શક્યતા છે, તેથી તેણે ‘પર્સનલ ચેકિંગ’ માટે મહિલાને પુરુષોના વોશરૂમ નજીકના એકાંત વિસ્તારમાં લઈ ગયો.
અયોગ્ય સ્પર્શ અને જબરદસ્તી
FIR મુજબ, અલગ લઈ ગયા બાદ આરોપીએ મહિલાને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનું શરૂ કર્યું હતું. તેણે મહિલાના ગુપ્ત ભાગોને સ્પર્શ કર્યો અને તેની સંમતિ વિના પાછળથી ગળે લગાવી દીધી. જ્યારે મહિલાએ બૂમાબૂમ કરી અને પ્રતિકાર કર્યો, ત્યારે આરોપી ત્યાંથી ‘થેન્ક યુ’ કહીને ભાગી છૂટ્યો હતો. પીડિતાએ હિંમત હાર્યા વગર તરત જ એરપોર્ટ સુરક્ષા કર્મચારીઓનો સંપર્ક કર્યો અને સમગ્ર આપવીતી જણાવી.
CCTV ફૂટેજમાં સત્ય બહાર આવ્યું
એરપોર્ટ પોલીસે તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજની તપાસ કરી, જેમાં મહિલાએ વર્ણવેલી ઘટનાની પુષ્ટિ થઈ હતી. ફૂટેજમાં આરોપી મહિલાને એકાંતમાં લઈ જતો સ્પષ્ટ દેખાયો હતો. આરોપી એર ઇન્ડિયા SATS (AISATS) નો કર્મચારી હતો. આ ઘટના બાદ કંપનીએ નિવેદન બહાર પાડીને આરોપીને તાત્કાલિક પ્રભાવથી નોકરીમાંથી બરતરફ કરી દીધો છે અને તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી છે.
કડક કાયદાકીય કાર્યવાહી
KIAL પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૭૫ (જાતીય સતામણી) હેઠળ ગુનો દાખલ કર્યો છે. એરપોર્ટ જેવી સંવેદનશીલ જગ્યાએ વિદેશી મુસાફરો સાથે આ પ્રકારની ઘટના બનતા ભારતની છબી ખરડાઈ છે, જેને લઈને સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે.

(6:23 PM IST)