<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

છત્તીસગઢમાં કાળમુખો વિસ્ફોટ: સ્ટીલ પ્લાન્ટમાં ધડાકા સાથે વરસી ‘મોતની ગરમ ધૂળ’, ૬ શ્રમિકોના કરુણ મોત

બાલોદાબજારમાં ‘રિયલ ઇસ્પાત પ્લાન્ટ’માં DSC ચેમ્બર ફાટતા સર્જાઈ ચીસાચીસ— ગંભીર રીતે દાઝેલા ૫ કામદારો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા હોસ્પિટલમાં દાખલ

રાયપુર: છત્તીસગઢના બાલોદાબજાર-ભાટપારા જિલ્લામાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે બપોરે એક ખાનગી સ્ટીલ પ્લાન્ટમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ૬ કામદારો જીવતા ભૂંજાઈ ગયા છે. આ અકસ્માત ભાટપારા ગ્રામીણ પોલીસ સ્ટેશન વિસ્તારના બકુલાહી ગામમાં સ્થિત ‘રીઅલ ઇસ્પાત એન્ડ પાવર લિમિટેડ’ (Real Ispat and Power Limited) માં સર્જાયો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આસપાસના વિસ્તારમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો.
ગરમ ધૂળના વરસાદે લીધો ભોગ
પ્રાથમિક તપાસ મુજબ, પ્લાન્ટના ડસ્ટ સેટલિંગ ચેમ્બર (DSC) માં ટેકનિકલ ખામીને કારણે અચાનક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટને કારણે ચેમ્બરમાં રહેલી અત્યંત ગરમ ધૂળ અને રાખ ત્યાં કામ કરી રહેલા શ્રમિકો પર પડી હતી. ગરમ ધૂળના સંપર્કમાં આવતાની સાથે જ શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા. જિલ્લા કલેક્ટર દીપક સોનીએ પુષ્ટિ કરી છે કે ૬ કામદારોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.
બચાવ કામગીરી અને તબીબી સારવાર
દુર્ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. પ્લાન્ટમાં ફસાયેલા અન્ય કામદારોને બહાર કાઢી રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે દાઝી ગયેલા અન્ય ૫ શ્રમિકોને તાત્કાલિક બિલાસપુરની ‘છત્તીસગઢ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ’ (CIMS) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
સરકારની કડક કાર્યવાહીના આદેશ
રાજ્યના આરોગ્ય મંત્રી શ્યામ બિહારી જયસ્વાલે આ ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે કલેક્ટર સાથે વાતચીત કરી ઘાયલોને શ્રેષ્ઠ સારવાર આપવા અને આ સમગ્ર મામલાની ઉચ્ચસ્તરીય તપાસ કરવાના આદેશ આપ્યા છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે જો પ્લાન્ટમાં સુરક્ષાના નિયમોમાં કોઈ બેદરકારી જણાશે, તો જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આ ઘટનાને પગલે મૃતક શ્રમિકોના પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રાજ્ય સરકારે પીડિત પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવાની ખાતરી આપી છે.

(6:32 PM IST)