<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

ઓસ્ટ્રેલિયામાં લોહિયાળ ગુરુવાર: ન્યૂ સાઉથ વેલ્સના શાંત શહેરમાં અંધાધૂંધ ગોળીબાર, ૩ ના મોતથી મચી ગઈ ચીસાચીસ

લેક કારગેલીગોમાં બંદૂકધારીનો કહેર— બે મહિલા અને એક પુરુષની કરપીણ હત્યા કરી હુમલાખોર ફરાર, પોલીસે રહેવાસીઓને ઘરમાં કેદ રહેવા આપી ચેતવણી

ન્યૂ સાઉથ વેલ્સ: ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યનું નાનકડું અને શાંત શહેર લેક કારગેલીગો આજે ગોળીઓના ગડગડાટથી ધ્રૂજી ઉઠ્યું હતું. યેલકિન સ્ટ્રીટ નજીક થયેલા અંધાધૂંધ ગોળીબારમાં ત્રણ નિર્દોષ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે અને હુમલાખોર હજુ પણ પોલીસ પકડથી બહાર હોવાથી તંત્ર હરકતમાં આવ્યું છે.
ઘટનાસ્થળે જ ત્રણેયના મોત
સ્થાનિક સમય મુજબ આજે વહેલી સવારે ૪.૪૦ વાગ્યે પોલીસને ગોળીબારની બાતમી મળી હતી. જ્યારે ઇમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી, ત્યારે ત્યાં બે મહિલાઓ અને એક પુરુષ લોહીલુહાણ હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. અન્ય એક પુરુષ ગંભીર રીતે ઘાયલ હોવાથી તેને તાત્કાલિક એરલિફ્ટ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.
સમગ્ર શહેર ‘લોકડાઉન’ હેઠળ
હુમલાખોર હથિયાર સાથે ફરાર હોવાથી પોલીસે લેક કારગેલીગોના રહેવાસીઓને ‘ભૂ-લક્ષિત’ (Geo-targeted) ટેક્સ્ટ મેસેજ મોકલીને ઘરની અંદર જ રહેવાની કડક સૂચના આપી છે. ૧,૫૦૦ની વસ્તી ધરાવતા આ નાનકડા શહેરમાં ચારેબાજુ પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે અને દરેક રસ્તા પર નાકાબંધી કરી દેવામાં આવી છે. પોલીસે લોકોને વિનંતી કરી છે કે જ્યાં સુધી શંકાસ્પદ પકડાય નહીં ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું.
રાષ્ટ્રીય શોકના દિવસે જ લોહી રેડાયું
આશ્ચર્યની વાત એ છે કે, આ ગોળીબાર ઓસ્ટ્રેલિયાના ‘રાષ્ટ્રીય શોક દિવસ’ (National Day of Mourning) પર થયો છે. ગત ડિસેમ્બરમાં સિડનીમાં હનુક્કાહ ઉજવણી દરમિયાન આતંકી હુમલામાં માર્યા ગયેલા ૧૫ લોકોને આજે આખું ઓસ્ટ્રેલિયા યાદ કરી રહ્યું હતું, ત્યારે જ આ નવી હિંસાએ દેશને સ્તબ્ધ કરી દીધો છે. જોકે, આજના હુમલા પાછળનો હેતુ અંગત અદાવત છે કે આતંકવાદ, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે આ મામલે ઉચ્ચસ્તરીય તપાસ શરૂ કરી છે અને ફોરેન્સિક ટીમો ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી રહી છે.

(6:32 PM IST)