હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કર્તવ્ય પથ પર રચાશે ઈતિહાસ: જમ્મુ-કાશ્મીરની દીકરી સિમરન બાલા પ્રજાસત્તાક દિને CRPFની પુરૂષ ટુકડીનું કરશે નેતૃત્વ!
રાજૌરીની શેરની ૧૪૦ જવાનોની કવાયતનું સુકાન સંભાળશે— 'વંદે માતરમના ૧૫૦ વર્ષ'ની થીમ પર યોજાનારી પરેડમાં પહેલીવાર કોઈ મહિલા અધિકારી પુરૂષ યુનિટને કમાન્ડ કરશે

નવી દિલ્હી: ભારતના ૭૭મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી આ વર્ષે માત્ર લશ્કરી શક્તિનું પ્રદર્શન નહીં, પરંતુ ‘નારી શક્તિ’ના અભૂતપૂર્વ ઉદયની સાક્ષી બનશે. ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ જ્યારે કર્તવ્ય પથ પર જવાનોની બૂટની ગાજ સંભળાશે, ત્યારે સૌની નજર ૨૬ વર્ષીય આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સિમરન બાલા પર હશે. સિમરન બાલા CRPF (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ)ની સંપૂર્ણ પુરૂષ ટુકડીનું નેતૃત્વ કરનારી દેશની પ્રથમ મહિલા અધિકારી બનીને ઈતિહાસના પાનામાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરશે.
કોણ છે આ જાંબાઝ ઓફિસર સિમરન બાલા?
સિમરન બાલા જમ્મુ અને કાશ્મીરના સરહદી જિલ્લા રાજૌરીના નૌશેરા શહેરની વતની છે. તેના જિલ્લામાંથી CRPFમાં ગેઝેટેડ ઓફિસર બનનારી તે પ્રથમ મહિલા છે. ૨૦૨૩માં તેણે પોતાની પ્રથમ ટ્રાયલમાં જ UPSC (CAPF)ની કઠિન પરીક્ષા પાસ કરી આખા ભારતમાં ૮૨મો ક્રમ મેળવ્યો હતો. પરેડ રિહર્સલ દરમિયાન તેની શિસ્ત, ચોકસાઈ અને મજબૂત આત્મવિશ્વાસ જોઈને વરિષ્ઠ અધિકારીઓએ તેને ૧૪૦થી વધુ પુરૂષ જવાનોની ટુકડીનું નેતૃત્વ સોંપવાનો નિર્ણય કર્યો હતો.
ગણતંત્ર દિવસ ૨૦૨૬ની ખાસિયતો
આ વર્ષની પરેડની થીમ "વંદે માતરમના ૧૫૦ વર્ષ" રાખવામાં આવી છે. આ ગૌરવશાળી પ્રસંગે યુરોપિયન યુનિયનના બે ટોચના નેતાઓ, એન્ટોનિયો કોસ્ટા અને ઉર્સુલા વોન ડેર લેયેન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ભારતીય સેના આ વખતે પ્રથમવાર "બેટલ એરે ફોર્મેશન" રજૂ કરશે, જે વાસ્તવિક યુદ્ધના મેદાનમાં સેના કેવી રીતે ગોઠવાય છે તેની ઝલક બતાવશે.
નારી શક્તિનો શંખનાદ
સવારના ૯:૩૦ વાગ્યે વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શ્રદ્ધાંજલિ બાદ ૧૦:૩૦ વાગ્યે પરેડ શરૂ થશે. આશરે ૩૦ જેટલા ટેબ્લો (ચિત્ર રથો)માં પણ મહિલા શક્તિ અને ટેકનોલોજીની પ્રગતિ દર્શાવવામાં આવશે. પરંતુ, જ્યારે સિમરન બાલાના કમાન્ડ પર ૧૪૦ પુરૂષ જવાનો એકસાથે કદમતાલ મિલાવશે, ત્યારે તે દ્રશ્ય કરોડો ભારતીય યુવતીઓ માટે પ્રેરણાનું ઝરણું બની જશે.
સરહદ પરથી આવેલી આ દીકરીએ સાબિત કરી દીધું છે કે નેતૃત્વ માટે શારીરિક ક્ષમતા કરતા મનોબળ વધુ મહત્વનું છે. પ્રજાસત્તાક દિને આખું વિશ્વ ભારતની આ દીકરીના સાહસને સલામી આપશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
