<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

ઇન્ડિગો પર સરકારની ‘સર્જિકલ સ્ટ્રાઈક’: ફ્લાઈટ રદ થવાના વિવાદમાં સિનિયર વાઈસ પ્રેસિડેન્ટને ઘરભેગા કરવા આદેશ, ₹૨૨.૨ કરોડનો જંગી દંડ!

ડિસેમ્બરમાં ૨,૫૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ થતા ૩ લાખ મુસાફરો રઝળ્યા હતા— DGCAની તપાસમાં મેનેજમેન્ટની ગંભીર બેદરકારી ખુલી, એરલાઇનનો નફો ૭૫% ઘટ્યો

નવી દિલ્હી: દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો (IndiGo) માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ડિસેમ્બર મહિનામાં ફ્લાઈટ્સ રદ થવાને કારણે સર્જાયેલી અરાજકતા બદલ કેન્દ્ર સરકારે હવે લાલ આંખ કરી છે. સરકારે દિલ્હી હાઈકોર્ટને જાણ કરી છે કે, તેમણે ઇન્ડિગોને તેના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટને તાત્કાલિક અસરથી બરતરફ કરવા અને કોઈપણ જવાબદાર પદ ન સોંપવા આદેશ આપ્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
૩ થી ૫ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન ઇન્ડિગોએ અચાનક ૨,૫૦૭ ફ્લાઈટ્સ રદ કરી હતી અને ૧,૮૫૨ ફ્લાઈટ્સમાં ભારે વિલંબ થયો હતો. આ અંધાધૂંધીને કારણે દેશના વિવિધ એરપોર્ટ્સ પર ૩ લાખથી વધુ મુસાફરો ફસાઈ ગયા હતા. આ ઘટનાની તપાસ માટે નાગરિક ઉડ્ડયન નિયમનકાર (DGCA) દ્વારા ચાર સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે એરલાઇને નફાના લોભમાં સંસાધનોનો વધુ પડતો ઉપયોગ કર્યો હતો અને પાઇલોટ્સના ડ્યુટી કલાકોના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.
અધિકારીઓ સામે આકરા પગલાં
DGCA એ દિલ્હી હાઈકોર્ટમાં જણાવ્યું કે, તપાસ બાદ એરલાઇન પર ₹૨૨.૨ કરોડનો રોકડ દંડ લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત, ચીફ ઓપરેટિંગ ઓફિસર (COO) ઇસિદ્રે પોર્કેરાસ ઓરિયા અને ફ્લાઇટ ઓપરેશન્સના ડેપ્યુટી હેડ સહિત છ વરિષ્ઠ અધિકારીઓને સખત ચેતવણી આપવામાં આવી છે. સરકારના નિર્દેશ મુજબ, સિનિયર વાઈસ પ્રેસિડેન્ટને આ આયોજનબદ્ધ નિષ્ફળતા માટે સીધા જવાબદાર ગણીને તેમને સેવામાંથી મુક્ત કરવા કહેવામાં આવ્યું છે.
આર્થિક ફટકો અને કોર્ટની કાર્યવાહી
આ ઉડ્ડયન સંકટને કારણે ઇન્ડિગોને $૬૩ મિલિયન (આશરે ₹૫૩૦ કરોડ) નું નુકસાન થયું છે, જેના પરિણામે એરલાઇનના ત્રિમાસિક નફામાં ૭૫% નો મોટો ઘટાડો નોંધાયો છે. સરકારે એરલાઇન પાસેથી ₹૫૦ કરોડની બેંક ગેરંટી પણ માંગી છે જેથી ભવિષ્યમાં આવી ભૂલ ન થાય. દિલ્હી હાઈકોર્ટ હવે આ મામલે ૨૫ ફેબ્રુઆરીએ વધુ સુનાવણી હાથ ધરશે.
તપાસ સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે એરલાઇનનું મેનેજમેન્ટ સિસ્ટમ સોફ્ટવેરની ખામીઓ સુધારવામાં અને સ્ટાફના રોસ્ટરનું યોગ્ય સંચાલન કરવામાં નિષ્ફળ રહ્યું હતું, જેના કારણે હજારો મુસાફરોએ હાલાકી ભોગવવી પડી હતી.

(6:40 PM IST)