<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

યુરોપમાં ખાલિસ્તાનીઓની નાપાક હરકત: ક્રોએશિયામાં ભારતીય દૂતાવાસમાં ઘૂસી તિરંગાનું અપમાન કર્યું, ભારતે નોંધાવ્યો સખત વિરોધ

૨૬ જાન્યુઆરી પૂર્વે પન્નુન અને તેની ટોળકીએ ઝાગ્રેબમાં મચાવી તોડફોડ— રાજદ્વારી મર્યાદાના લીરેલીરા ઉડાવતા ખાલિસ્તાની ધ્વજ લગાવ્યો, ભારતે ક્રોએશિયન સરકાર પાસે માંગી કડક કાર્યવાહી

ઝાગ્રેબ: પ્રજાસત્તાક દિવસના ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિદેશમાં ભારત વિરોધી તત્વો ફરી સક્રિય થયા છે. યુરોપિયન યુનિયનના સભ્ય દેશ ક્રોએશિયાની રાજધાની ઝાગ્રેબમાં સ્થિત ભારતીય દૂતાવાસમાં ખાલિસ્તાની કાર્યકરોએ ઘૂસણખોરી કરી તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી છે. આ ગેરકાયદેસર કૃત્યની ભારતે આકરા શબ્દોમાં નિંદા કરી છે અને ક્રોએશિયન સત્તાવાળાઓને ગુનેગારોને જવાબદાર ઠેરવવા કડક સૂચના આપી છે.
તિરંગાનું અપમાન અને પન્નુનનો ઉશ્કેરણીજનક વીડિયો
શીખ ફોર જસ્ટિસ (SFJ) ના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુન દ્વારા ઓનલાઈન જાહેર કરાયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે, એક ખાલિસ્તાની કાર્યકર્તા દૂતાવાસના પરિસરમાં ઘૂસીને ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ઉતારી રહ્યો છે અને તેની જગ્યાએ પીળો ખાલિસ્તાની ધ્વજ લગાવી રહ્યો છે. આટલું જ નહીં, હુમલાખોરોએ દૂતાવાસની દિવાલો પર ભારત વિરોધી નારાઓ પણ લખ્યા હતા. પન્નુને આ વીડિયો દ્વારા ૨૬ જાન્યુઆરીએ નવી દિલ્હીને પણ ‘લક્ષ્ય’ બનાવવાની ગીધધમકી આપી છે.
ભારતની રાજદ્વારી પ્રતિક્રિયા
વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, "ઝાગ્રેબમાં અમારા દૂતાવાસમાં ભારત વિરોધી તત્વો દ્વારા કરવામાં આવેલી તોડફોડ અત્યંત નિંદનીય છે. વિયેના કન્વેન્શન હેઠળ, કોઈપણ દેશમાં રાજદ્વારી પરિસર અખંડ હોય છે અને તેનું રક્ષણ કરવાની જવાબદારી યજમાન દેશની છે." ભારતે નવી દિલ્હી અને ઝાગ્રેબ બંને સ્તરે આ મામલો મજબૂતીથી ઉઠાવ્યો છે.
ભારત-EU સમિટ પૂર્વે કાવતરું?
આ ઘટના એવા સમયે બની છે જ્યારે ૨૭ જાન્યુઆરીએ નવી દિલ્હીમાં ભારત-EU સમિટ યોજાવાની છે. પ્રજાસત્તાક દિવસની પરેડમાં યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવાના છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમો પૂર્વે ભારતની છબી ખરડવા માટે આ પૂર્વનિયોજિત કાવતરું હોવાનું જણાય છે.
ભારતે અગાઉ પણ કેનેડા, યુકે અને અમેરિકા જેવા દેશોને પન્નુન અને તેની આતંકી પ્રવૃત્તિઓ વિશે વારંવાર ચેતવણી આપી છે. ભારતીય રાજદ્વારીઓને ધમકાવવા અને રાષ્ટ્રીય પ્રતીકોનું અપમાન કરવાના આ કૃત્ય સામે હવે ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ કડક વલણ અપનાવશે.

(6:41 PM IST)