હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારત વિરુદ્ધ ‘થ્રી બ્રધર્સ’નો નવો મોરચો: પાકિસ્તાન-તુર્કીના રાક્ષસી ગઠબંધનમાં જોડાયું અઝરબૈજાન, ખાલિસ્તાનીઓને પ્લેટફોર્મ આપી શરૂ કર્યું નવું ‘પ્રોક્સી વોર’
બાકુમાં યોજાયેલી કોન્ફરન્સમાં આતંકી નિજ્જર માટે રખાયું મૌન— કાશ્મીર બાદ હવે પંજાબ મુદ્દે ભારતને ઘેરવાની પાકિસ્તાની ચાલ, આર્મેનિયાને ભારતીય હથિયારો મળતા અઝરબૈજાન છંછેડાયું

બાકુ: ભારતની વધતી જતી વૈશ્વિક શક્તિથી પરેશાન પાકિસ્તાન અને તુર્કીએ હવે એક નવો સાથી શોધી કાઢ્યો છે - અઝરબૈજાન. દક્ષિણ કાકેશસ ક્ષેત્રમાં સ્થિત આ દેશે તાજેતરમાં ભારત વિરોધી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનીને નવી દિલ્હી માટે ચિંતા જગાવી છે. અઝરબૈજાનની રાજધાની બાકુમાં તાજેતરમાં એક આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો એકમાત્ર ઉદ્દેશ્ય ખાલિસ્તાની એજન્ડાને પ્રોત્સાહન આપી ભારતની છબી ખરડવાનો હતો.
બાકુ કોન્ફરન્સ અને ખાલિસ્તાની જોડાણ
૧૬ જાન્યુઆરીના રોજ અઝરબૈજાન સરકાર દ્વારા સમર્થિત ‘બાકુ ઇનિશિયેટિવ ગ્રુપ’ એ ભારત વિરોધી પરિષદ યોજી હતી. આ કાર્યક્રમમાં કેનેડા, યુકે અને અમેરિકાના ખાલિસ્તાની સમર્થકોએ હાજરી આપી હતી. ચોંકાવનારી વાત એ છે કે, આ કોન્ફરન્સમાં ભારત દ્વારા માર્યા ગયેલા આતંકી હરદીપ સિંહ નિજ્જરની યાદમાં મૌન પાળવામાં આવ્યું હતું. રમેશ સિંહ અરોરા અને મોનિન્દર સિંહ જેવા ભારત વિરોધી તત્વોએ ભારત પર લઘુમતીઓના દમનનો પાયાવિહોણો આરોપ લગાવ્યો હતો.
પાકિસ્તાનનું ‘સેફ હેવન’ બન્યું અઝરબૈજાન
સંરક્ષણ નિષ્ણાતો માને છે કે પાકિસ્તાન હવે અઝરબૈજાનનો ઉપયોગ એક તટસ્થ મેદાન તરીકે કરી રહ્યું છે. ઇસ્લામાબાદ પોતે સીધું સામે આવવાને બદલે બાકુ દ્વારા ખાલિસ્તાન અને કાશ્મીર જેવા મુદ્દાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. અઝરબૈજાનની મીડિયા પણ કાશ્મીરને ભારતનો ભાગ માનવાને બદલે પાકિસ્તાની ભાષામાં ‘ભારતીય કબજા હેઠળનું કાશ્મીર’ (IOJK) તરીકે સંબોધે છે.
આર્મેનિયા-ભારત મૈત્રીથી અઝરબૈજાન લાલચોળ
અઝરબૈજાનના ભારત વિરોધી વલણ પાછળનું મુખ્ય કારણ ભારત અને આર્મેનિયા વચ્ચે વધતી જતી સંરક્ષણ ભાગીદારી છે. ભારતે અઝરબૈજાનના કટ્ટર હરીફ આર્મેનિયાને પિનાકા રોકેટ લોન્ચર્સ અને આકાશ મિસાઈલ સિસ્ટમ જેવા આધુનિક હથિયારો વેચ્યા છે. અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવે ખુલ્લેઆમ ભારતની ટીકા કરતા કહ્યું હતું કે, "અમે જોઈ રહ્યા છીએ કે ફ્રાન્સ અને ભારત કેવી રીતે આર્મેનિયાને હથિયારો આપી રહ્યા છે, જે અમારી રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે."
તુર્કીનો સાથ અને ભાવિ જોખમો
બીજી તરફ, તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન સતત યુએન (UN) જેવા મંચો પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. આ ‘ત્રણ ભાઈઓ’ (પાકિસ્તાન-તુર્કી-અઝરબૈજાન) નું ગઠબંધન હવે માત્ર ડિપ્લોમેસી પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે લશ્કરી અને ગુપ્તચર સ્તરે પણ ભારત વિરુદ્ધ કામ કરી રહ્યું છે. ભારત માટે હવે આ ત્રિપુટીના વધતા પ્રભાવને રોકવા માટે મજબૂત રણનીતિ ઘડવી અનિવાર્ય બની ગઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
