<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ: ભાજપ, ઉદ્ધવ અને અજિત જૂથની 'ગુપ્ત ત્રિપુટી' એ એકનાથ શિંદેની ઊંઘ હરામ કરી

દાપોલી જિલ્લા પરિષદમાં 'ફ્રેન્ડલી ફાઈટ' ના નામે શિંદે જૂથને પછાડવા વિરોધીઓએ હાથ મિલાવ્યા: એકલા પડેલા મુખ્યમંત્રીએ 'એકલા ચલો' ના નાદ સાથે મોરચો ખોલ્યો

દાપોલી :  મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર ગણાતા દાપોલીમાં હાલમાં જે રાજકીય ગોઠવણ જોવા મળી રહી છે, તેણે ચાણક્યોને પણ વિચારતા કરી દીધા છે. અત્યાર સુધી જે પક્ષો એકબીજાના કટ્ટર શત્રુ ગણાતા હતા, તેવા ભાજપ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને અજિત પવારની NCP એ અંદરખાને એક 'ગુપ્ત સમજૂતી' કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ અજીબ ગઠબંધનનો મુખ્ય હેતુ મુખ્યમંત્રી એકનાથ શિંદેના ઉમેદવારોને પછાડવાનો હોવાનું જણાય છે. સીટ શેરિંગની એવી રીતે વહેંચણી કરવામાં આવી છે કે ત્રણેય પક્ષો એકબીજાના મજબૂત ગઢમાં નબળા ઉમેદવારો ઉભા રાખશે અથવા વોકઓવર આપશે, જેથી શિંદે જૂથના મતો કાપી શકાય.

આ રાજકીય ચોકઠાબાજીમાં ભાજપે જલગાંવ અને દાભોલ જેવી મહત્વની બેઠકો પોતાના ફાળે રાખી છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથને કેલ્સી અને કોલવેન્દ્રેમાં ખુલ્લું મેદાન મળ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. બીજી તરફ, અજિત પવાર જૂથે હરણે અને પાલગઢમાં પોતાની તાકાત લગાવી છે. આ વ્યુહરચના પાછળનો તર્ક એ છે કે શિંદે જૂથના પ્રભુત્વને ઘટાડીને સ્થાનિક સત્તા પર કબજો મેળવવો. ખાસ કરીને જ્યારે રાજ્ય સ્તરે ભાજપ અને શિંદે સાથે છે, ત્યારે સ્થાનિક સ્તરે ભાજપનું ઉદ્ધવ ઠાકરે સાથેનું આ મૌન ગઠબંધન મહાયુતિના ભવિષ્ય પર મોટા સવાલો ઉભા કરી રહ્યું છે.

આ 'ગુપ્ત સોદા' થી નારાજ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ હવે આરપારની લડાઈ લડવાનો મૂડ બનાવી લીધો છે. રાજ્યમંત્રી યોગેશ કદમે સ્પષ્ટ કર્યું છે કે વરિષ્ઠ સ્તરે વાટાઘાટો નિષ્ફળ રહ્યા બાદ શિંદે જૂથ હવે તમામ બેઠકો પર સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે. "એકલા ચલો" ના સૂત્ર સાથે શિંદે જૂથે મેદાનમાં ઉતરીને પોતાની તાકાત બતાવવાનું નક્કી કર્યું છે. દાપોલીનો આ જંગ હવે માત્ર સ્થાનિક પંચાયત પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ તે આગામી વિધાનસભા ચૂંટણી માટે કોણ કોનો સાચો સાથી છે, તેની કસોટી સમાન બની રહેશે.

(7:00 PM IST)